‘એમાં ટ્રોફીનો કોઈ અનાદર નથી થયો’: મિચેલ માર્શ

સિડનીઃ પોતાની ટીમે જીતેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 ટ્રોફી પર પગ મૂકીને બેસવા બદલ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ પર ભારતના ક્રિકેટપ્રેમીઓ બહુ ભડકી ગયા છે અને સોશિયલ મીડિયા પર એની ખૂબ ઝાટકણી કાઢી છે. પરંતુ માર્શને એવી હરકત કર્યાનો જરાય અફસોસ થયો નથી. એણે ભારપૂર્વક કહ્યું કે, એમાં ટ્રોફીનો કોઈ અનાદર થયો નથી અને પોતે આવી વિવાદાસ્પદ હરકત ફરી કરવામાં જરાય ખંચકાશે નહીં.

ગઈ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6-વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. મેચ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માર્શની તસવીર પોસ્ટ કરી હતી. એ જોઈને સોશિયલ મીડિયા પર ઉહાપોહ મચી ગયો હતો. ભારતીય ક્રિકેટપ્રેમીઓને તે ફોટો જરાય ગમ્યો નહોતો.

‘સેન રેડિયો’ પર માર્શને જ્યારે તે વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે જવાબ આપ્યો, ‘એ ફોટોમાં અનાદર જેવું કંઈ જ નહોતું. મેં તો એ વિશે ઝાઝું વિચાર્યું જ નથી. સોશિયલ મીડિયા પર એ વિશે બહુ કહેવાયું છે, પણ મેં એ બધું જોયું નથી. જોકે દરેક જણે મને કહ્યું કે મોટો વિવાદ થયો છે. પરંતુ મને તો એમાં કંઈ જ ખોટું જણાયું નથી.’

‘શું તું આવી હરકત ફરી કરીશ?’ એમ પૂછવામાં આવ્યું ત્યારે માર્શે કહ્યું, ‘હા કદાચ કરીશ, એમાં શું.’

2023ની વર્લ્ડ કપમાં માર્શે 10 મેચોમાં 49ની સરેરાશ સાથે 441 રન કર્યા હતા.