વિરાટ કોહલી હાલ ક્યાં છે?

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે બ્રેક લીધો છે. તે એની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે લંડનમાં રજા માણવા ગયો હોવાનું જાણવા મળ્યું છે. એક યૂઝરે તેના મોબાઈલ ફોનમાં કોહલીને ઝડપી લીધો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એમાં કોહલી અનુષ્કા અને વામિકા સાથે દેખાય છે. ત્રણેય જણ લંડનના હાઈડ પાર્કના વિન્ટર વન્ડરલેન્ડની મુલાકાતે ગયાં હતાં.

(તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી X – ટ્વિટર)

ટીમ ઈન્ડિયા આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, પણ કોહલી એ પ્રવાસમાં વન-ડે અને ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીઓમાં રમવાનો નથી. માત્ર બે-મેચની ટેસ્ટ શ્રેણીમાં જ રમશે. ભારતીય ટીમ હાલ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20I મેચોની શ્રેણી રમી રહી છે, પરંતુ એમાં પણ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓ નથી. એ તમામને ક્રિકેટ બોર્ડે આરામ આપ્યો છે. હાલમાં જ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. કોહલીએ એમાં 11 મેચોમાં 95.62ની સરેરાશ સાથે 765 રન કરીને સ્પર્ધામાં વર્ચસ્વ જમાવ્યું હતું અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ જીત્યો હતો. ફાઈનલ મેચમાં પણ એણે હાફ-સેન્ચબરી ફટકારી હતી.