પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.

આજની વધતી જતી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે જે વિકાસ થયો તેણે મનુષ્યને માનસિક તણાવ આપેલ છે. માટે જ પ્રગતિનો સાચો આધાર ઈચ્છાઓ નહીં પરંતુ શુભેચ્છાઓ હોય છે.

નવી શોધની પ્રણેતા જરૂરિયાત છે ન કે ઈચ્છા. બધાની જરૂરિયાત લગભગ એકસરખી હોય છે. જરૂરિયાત પૂરી કરવા વાળું સાધન કે પદાર્થ બધા માટે સુખ આપનાર હોય છે. પરંતુ બધાની ઈચ્છાઓ એક સરખી નથી હોતી. વિવિધ મનુષ્યો ની અલગ અલગ ઈચ્છાઓ પૂરી કરવા ના હેતુથી આજે બજાર એવી વસ્તુઓથી ભરાયેલ છે કે જેની વાસ્તવમાં જરૂરિયાત જ નથી. ઈચ્છાઓને જબરજસ્તીથી આવશ્યકતા બનાવવાનો આત્મઘાતી – નૈતિકતા વગરનો રસ્તો માનવ ને વિનાશ તરફ ધકેલી રહેલ છે. બધી જગ્યાએ સાધનો છે પરંતુ સંતોષ નથી, શાંતિ નથી. આ એવો કાંટાથી ભરેલ રસ્તો છે કે જ્યાં મનુષ્યને સુખના બદલે મળે છે અગ્નિ જેવો શેક. આનું કારણ છે અનિયંત્રિત ઈચ્છાઓ. માત્ર ઈચ્છાઓ કરવાથી કોઈ વસ્તુ નથી મળતી પરંતુ તેના માટે સખત પુરુષાર્થ કરવો પડે છે. સામાન્ય રીતે સારી ઇચ્છાઓ ને પુરી કરવાનો કોઈને કોઈ રસ્તો તો મળી જ રહે છે. પરંતુ ઈચ્છાઓને પૂરી કરવાનો નૈતિક રસ્તો ક્યાંય નથી દેખાતો. હવે વ્યક્તિની મુશ્કેલીઓ વધતી જાય છે. અંદરની ઈચ્છા બહાર આવવા માંગે છે પરંતુ બહાર ઈચ્છા પૂરી કરવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ઈચ્છા જો અંદર રાખે તો ચેન નથી પડતું અને બહાર પ્રગટ કરે તો તે પૂરી નથી થઈ શકતી. મનુષ્ય સામાન્ય રીતે ખોટા રસ્તા તરફ આકર્ષિત થાય છે. પરિણામે ઈચ્છાઓ પતનના રસ્તે લઈ જાય છે. ઈચ્છાઓ અંગે જેટલું વધુ વિચારીશું તેટલી તે આપણા મન ઉપર પકડ મજબૂત બનાવતી જશે. ઈચ્છાઓ વધે છે તો ભાગ્ય ઘટે છે અને ઈચ્છાઓ ઘટે છે તો ભાગ્ય વધે છે. ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી હોતી જ્યારે સાધનોની મર્યાદા હોય છે.

આત્માને તૃપ્ત કરવા માટે, સુખનો અનુભવ કરાવવા માટે ઈશ્વરીય જ્ઞાનનું મનન ચિંતન જરૂરી છે. જે સેકન્ડે મનુષ્ય મનનમાં મગન બની જાય છે તે સેકન્ડથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે પ્રકાશને જોઈને જંગલી જાનવર ભાગે છે એવી જ રીતે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન આનંદથી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. ઈચ્છાઓની સરખામણી પાણીના વમળમાં ફસાવવા સાથે કરવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય કિનારે ઊભો છે ત્યાં સુધી સલામત છે. પરંતુ જ્યારે તે કિનારો છોડીને પાણીના વમળમાં છલાંગ લગાવે છે ત્યારે તે તરફડીયા મારવા લાગે છે. જો તે શારીરિક આરામ નો અનુભવ કરવા માંગે છે તો તેણે પાણીના વમળમાંથી બહાર નીકળવું પડશે. આજ વાત ઈચ્છાઓને પણ લાગુ પડે છે. જો તે આવશ્યકતાઓને પૂરી કરવા માટે પુરુષાર્થ કરી રહેલ છે તો સમજો તે કિનારા પર છે, સલામત છે તથા શાંત છે. પરંતુ જો તે ઈચ્છાઓને વશ થઈ તેને પૂરી કરવામા લાગે છે તો સમજો તે પગ પાણીમાં મૂકી રહેલ છે. તે વમળમાં ફસવાની તથા તેના પરિણામે તરફડીયા મારવાની તૈયારી કરી રહેલ છે. પાણીના વમળમાં બીજા પણ ફસાયેલ છે તે વિચાર બેચેનીને દૂર નથી કરી શકતો.

વધુ આવતા અંકમાં….

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)