આપણે ઈચ્છાઓની ઉપેક્ષા કરીએ, તેને ઉત્પન્ન થતા જ દબાવી દઈએ

ઈચ્છા પ્રાપ્તિ મનને થોડા સમય માટે શાંતિ તથા તૃપ્તિ નો અનુભવ કરાવે છે. ત્યાર બાદ મનુષ્યમાં એક બીજી ઈચ્છા જાગૃત થાય છે. ઈચ્છા પૂરી કરવા માટે તે એવી રીતે લાગી જાય છે કે અગાઉની ઈચ્છા પૂર્તિ દ્વારા પ્રાપ્ત થયેલ શાંતિ તથા તૃપ્તિ લગભગ સમાપ્ત થઈ જાય છે. ઈચ્છા પ્રાપ્તિ માટે મનને આખું વર્ષ ભટકાવ્યું અને સુખની પ્રાપ્તિ કરી થોડા સમય માટે. ત્યારબાદ અભાવ નો ભાવ મનમાં ફરીથી જાગૃત થાય છે.

લલચાયેલ મન નવી ઈચ્છા રુપી ફુલનો રસ ચુસવા માટે ફરીથી ઉડવા લાગે છે. એવી રીતે આ પ્રક્રિયા જીવનભર ચાલતી રહે છે. ઈચ્છાઓની પૂર્તિ કરતા કરતા જીવનની જ્યોતિજ બુઝાઈ જાય છે. ઈચ્છાઓના મોહમાં આંધળો બનેલ મનુષ્ય અજ્ઞાન રૂપી કીચડ ને સમજી ન શકવાના કારણે તેમાં પગ રાખે છે અને ડુબતો જાય છે. મનુષ્ય ઈચ્છાઓનો ગુલામ બની જાય છે. તે ભગવાન કે માનવ જાતિના કલ્યાણ માટે વિચારતો નથી. તે સુખના ખોટા દિલાસા માં રહે છે. આત્માની શક્તિ, ખુશી તથા શક્તિ રૂપી ગુણો નું સારું ફળ તેને દૂર દૂર સુધી નજર નથી આવતું. અતૃપ્તિ તથા નિરાશાના ઘોર અંધકારમાં ભટકવું જ તેની ટેવ બની જાય છે.

સારુ તેજ છે કે આપણે ઈચ્છાઓની ઉપેક્ષા કરીએ. તેને ઉત્પન્ન થતા જ દબાવી દઈએ. થોડી વિશાળ દ્રષ્ટિ રાખીને અધ્યાત્મિક જ્ઞાન ને સામે રાખીને વિચારીએ કે આપણું આ મનુષ્ય જીવન ફક્ત ઈચ્છાઓ પૂરી કરવા માટે તથા કર્મ-ઇન્દ્રિયોની વાસના યુક્ત તરસ મીટાવવા માટે જ નથી. વાસ્તવમાં આપણે જીવનની ઉર્જાને જે સાધનો ઉપલબ્ધ છે તેનાથી સંતોષ મેળવવામાં લગાવવામાં આવે. સાધનો વધવાની સાથે સંતોષ પણ વધે તેનું ધ્યાન રાખીએ. આધ્યાત્મિક માર્ગ પર ચાલવામાં કેટલુંક સહન કરવું પડશે, સાંભળવું પણ પડશે. તેની તૈયારી રાખીએ. શરૂઆતમાં ઘણા લોકો દ્વારા મશ્કરી નો પણ ભોગ બનવું પડશે પરંતુ બાદમાં વિશાળ સમૂહ આપને અનુસરવા માંડશે.

ભક્તિ માર્ગમાં મનુષ્ય દ્વારા યથા શક્તિ વસ્તુઓ તથા સંપત્તિ ભગવાન ઉપર ચઢાવવામાં આવે છે. પરંતુ એનાથી આંતરિક ઈચ્છાઓ વધતી ગઈ. ભગવાન પ્રત્યે સંપત્તિ અર્પણ કરવાની સાથે તેનાથી અનેક ઘણી પ્રાપ્તિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના ચક્રમાં મનુષ્ય છેલ્લા 63 જન્મથી ફસાતો આવેલ છે. અત્યારે સુંદર સમય છે ભગવાન ઉપર ઈચ્છાઓને અર્પણ કરવાનો. આ માટે સરળ ઉપાય છે દરરોજ મનમાં ઉત્પન્ન થવા વાળી ઈચ્છાઓને એક કાગળ માં લખીએ ભગવાનને કહીએ કે આજે આપના ગળામાં મારી ઈચ્છાઓ નો હાર પહેરાવી રહેલ છું. આમ કરવાથી મનમાં ઉત્પન્ન થવા વાળી ઈચ્છાઓ સમાપ્ત થઈ જશે.

ઘણા એમ પણ કહે છે કે જો ઈચ્છાઓજ નહીં હોય તો પ્રગતિ કેવી રીતે થશે? ઈચ્છાઓ વગર મનુષ્યનું જીવન રોકાઈ જશે. અહીંયા અમારું કહેવું છે કે પ્રગતિની શરૂઆત આત્માની ઉન્નતિ સાથે થાય છે. ઈચ્છાઓ રૂપી પથ્થરોના ભાર નીચે મનુષ્ય પોતાના આત્મિક વિકાસ માટે વિચારી જક નથી શકતો. આંતરિક વિકાસ વગર બહારના વિકાસના તમામ પ્રયત્નો અધૂરા છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)