ગાંધીનગર: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના પગલે ઊભી થયેલી કટોકટીપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાકીદે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા હતા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવીને ઉચ્ચસ્તરીય આકસ્મિક સમીક્ષા બેઠક યોજી હતી.
વલસાડ, સુરત અને નવસારીના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લામાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મંત્રી નરેશ પટેલ તેમજ વલસાડ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. સ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ જરૂર પડે તુરંત જ NDRFની વધારાની ટીમો ડિપ્લોય કરવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત, તેમણે સુરત અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે પણ સીધી વાતચીત કરી હતી. નદી-નાળાઓના વધતા પાણી અને પૂરની શક્યતાઓને પગલે નીચાણવાળા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ત્વરિત ખસેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્ત્વની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વહીવટી તંત્રને ૨૪-કલાક એલર્ટ મોડ પર રહેવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે.




