એકલવીર વિકી લડાઈ જીતે છે, વેલ… ઓલમોસ્ટ

3 એપ્રિલ, 1914ના રોજ અમૃતસરમાં પારસીદંપતી ડૉ. હોરમુસજી અને હિલ્લા બાનુને ઘેર જન્મેલો સાયરસ ઘોડિયામાં છે ત્યાં શહેરમાં ચોરી થાય છે. ચોરનું નામ છેઃ સાયરસ. તરત મા-બાપ સાયરસનું નામ બદલીને સૅમ કરી નાખે છે. સાયરસ, સૅમ અને સૅમ બહાદુર જેવાં નામ તથા પદ્મભૂષણ ઈલકાબથી સમ્માનિત, ટિપિકલ પારસી સેન્સ ઑફ હ્યુમર ધરાવતા લશ્કરી વડા અથાગ પરિશ્રમ, શૌર્ય, વ્યૂહનીતિના ચાપલ્ય દાખવી એક પછી એક પાયરી ઉપર ચઢે છે, અને, નિવૃત્તિના પંદર દિવસ પહેલાં, સ્વતંત્ર ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ બને છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની, આશરે સવાબે કલાકની ‘સૅમ બહાદુર’ આ નોખા-અનોખા લશ્કરી વડાની આયુનાં ચાળીસેક વર્ષ (20થી 60)ની આસપાસ ફરે છે.

આ ફિલ્મ એટલા માટે મહત્વની છે કેમ કે આજની પેઢીને ફિલ્મ માર્શલ સામ માણેકશૉ જેવા એક કુનેહબાજ, લશ્કરી વડા વિશે જાણવું-સમજવું જોઈએ. અને આ ફિલ્મ વિકી કૌશલ (સૅમ માણેકશૉ) માટે જોવી જોઈએ. ‘ઉરિ’ અને ‘સરદાર ઉધમસિંહ’ના આ અદભુત ઍક્ટરે સૅમ માણેકશૉનું પાત્ર ભજવ્યું નથી, એ આ પાત્રને જીવ્યો છે.

એની એન્ટ્રી માર્ક કરોઃ પરદા પર એની પૂંઠ દેખાય છે. જરાય ઉતાવળો નહીં એવો સિનેમેટોગ્રાફર જય આઈ. પટેલનો કૅમેરા સુસ્તતાથી એની આસપાસ ફરે છે અને પછી સામે આવે છે ઈન્ડિયન મિલિટરી હીરોનો ક્લોઝઅપ. એ જ ક્ષણે દર્શકને પ્રતીતિ થાય કે આ જ સામ માણેકશૉ… અને ઓ હેલ્લો, કોઈ પ્રોસ્થેટિક મેકઅપ નહીં, ચિત્રવિચિત્ર વિગ નહીં કે સૅમ માણેકશૉ જેવો લાગવો જ જોઈએ એવા કોઈ પ્રયાસ ન તો વિકીએ કર્યા છે ન ડિરેક્ટરે. આમ છતાં સતત મનમાં સૅમ માણેકશૉ ઘુમરાયા કરે. અન્ય કલાકારો છેઃ સાન્યા મલ્હોત્રા (માણેકશૉનાં પત્ની સિલ્લુ), ફાતિમા સાના શેખ (ઈન્દિરા ગાંધી), ગોવિંદ નામદેવ (સરદાર વલ્લભભાઈ પટેલ), મોહમ્મદ ઝિશાન અય્યુબ (યાહ્યા ખાન) વગેરે.

યુદ્ધ વિશેની ફિલ્મોમાં, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા વિશેની ફિલ્મોમાં આપણે કાં તો ક્રૂર કાં ઈમોશનલ દશ્યો જોયાં છે. અહીં દિગ્દર્શક આપણને ભાગલા વખતે ભારતીય સૈનિકોની મનોઝંઝટ, એમનાં માનવીય પાસાં બતાવે છે. જેમ કે માણેકશૉના દોસ્ત, મેજર યાહ્યા ખાન ખિન્ન છે કે એણે હવે પાકિસ્તાન જવું પડશે. એની આખરી સ્પીચ વખતે અન્ય સૈનિકોની મનોદશા, ત્યાર બાદ સૅમ માણેકશૉ એને પોતાની બાઈક પર ઘેર મૂકવા જાય છે, બાઈકની ચાવી આપે છે (“ગિફ્ટ નથી આપતો, પાકિસ્તાનથી પંદરસો રૂપિયા મોકલી આપજે”) જેવા સીન્સ નીખર્યા છે.

શું મેઘના પાસે કોઈ પડકાર હતો? હા. સામાન્ય રીતે બાયોપિકમાં, જેમના વિશેની ફિલ્મ હોય એની લાઈફમાં, ઉતાર-ચઢાવ આવે, કોઈ કટોકટી આવે ને એમાંથી એ વ્યક્તિ બહાર આવે એવું કંઈ બતાવો તો પ્રેક્ષકને રસ પડે. સૅમ માણેકશૉની કારકિર્દીમાં, આમ જોવા જઈએ તો, એવા કોઈ કૉન્ફ્લિક્ટ નહોતા. 1962ની ઈન્ડો-ચાઈના વૉર તથા 1971નો બાંગલા દેશના નિર્માણનો, પાકિસ્તાન સાથેના યુદ્ધકાળ. જવાહરલાલ નેહરુ (નીરજ કબિ)ના અવસાન બાદ સત્તા પર આવેલાં ઈન્દિરા ગાંધી (ફાતિમા સાના શેખ) સાથે મળીને માણેકશૉએ લીધેલા કેટલાક બોલ્ડ ડિસીસન. ધૅટ્સિટ. આવામાં પ્રેક્ષકને સવાબે કલાક કેવી રીતે જકડી રાખવો એ ચૅલેન્જ મેઘના અને એમનાં રાઈટરો (ભવાની ઐય્યર-શાંતનુ શ્રીવાસ્તવ) સામે હતી, જે ક્યાંક એમણે ઝીલી તો ક્યાંક કથાકથન સાવ નીરસ બન્યું. એકલવીરની જેમ વિકી આ ઊણપને ઢાંકવાના પ્રયાસ કરે છે, પણ એને વધુ મજબૂત, ઊંડાણવાળી કથા-પટકથા મળવી જોઈતી હતી. એને બદલે અહીં છે છૂટાછવાયા પ્રસંગો, જાણે ટીવીસિરિયલના એપિસોડ્સ જોતા હોય એવું લાગેઃ ક્યારેક ઈમ્પ્રેસિવ તો ક્યારે ડિસકનેક્ટેડ.

બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપણા કેતન સોઢાનું છે, જ્યારે ગીતો રચ્યાં છે શંકર એહસાન લૉયની ત્રિપુટીએ. શૌર્યગીત “બઢતે ચલો” અને “રબ કા બંદા હૈ યે સબ કા બંદા હૈ યે” ફિલ્મના મૂડ મુતાબિક ગુંજે છે

ઓય્યસ, કશુંક વેગળું જોવાના તલબગાર સિનેમાપ્રેમીને હું ‘સૅમ બહાદુર’ જોવાની ભલામણ કરું છું.