તેરા નામ, મેરા નામ…

અમારા એક પત્રકારમિત્ર છે. ઈન ફૅક્ટ, બહુ સિનિયર એન્ટરટેન્મેન્ટ જર્નલિસ્ટ છેઃ જ્યોતિ વેન્કટેશ. એમનાં પત્નીનું નામ પણ જ્યોતિ છે. વન્સ અપોન અ ટાઈમ, ભાઈ જ્યોતિ સાથે આ સરખાં નામ વિશે વાત થયેલી તો એ કહે લગ્ન પછી મારા ઘરે કે મારા સાસરામાં જ્યોતિ હાંક પડે એટલે અમે બન્ને દોડતાં. હમણાં જ રજનીકાંતની ‘જેલર’ (તમિળ) રિલીઝ થઈ. સંયોગથી આ જ નામની ફિલ્મ મલયાલમમાં બની. એ પણ સેમ ડે રિલીઝ થવાની હતી. પછી એકસરખાં શીર્ષકની લડાઈ કોર્ટ સુધી પહોંચી. જો કે મલયાલમ સર્જકોએ પોતાની ફિલ્મની રિલીઝ થોડી પાછળ ઠેલી, કારણ કે રજનીસરની ફિલ્મ રિલીઝ થાય ત્યારે કયો થિએટરવાળો મલયાલમ નિર્માતા-દિગ્દર્શકને સ્ક્રીન આપે? કહે છે કે બન્ને ફિલ્મે સારો વકરો કર્યો.

ગુડ. એકસરખાં નામ ધરાવતી ફિલ્મનો ક્લાસિક કિસ્સો પાંચેક દાયકા પહેલાં બનેલો ને ખૂબ ગાજેલો. 20 નવેમ્બર, 1970ના દિવસે દેવ આનંદની ‘જૉની મેરા નામ’ રિલીઝ થયેલી. આના એકાદ મહિના બાદ શોમૅન રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ આવી. નવેમ્બર-ડિસેમ્બરના ગાળામાં રિલીઝ થયેલી આ બે ફિલ્મનાં શીર્ષકમાં આવતા ‘મેરા નામ’નો તે વખતે મોટો વિવાદ થયેલો.

દેવ આનંદ-હેમામાલિની-પ્રાણને ચમકાવતી ‘જૉની મેરા નામ’ના નિર્માતા ગુલશન રાય મૂળ ફિલ્મ-ડિસ્ટ્રિબ્યૂટર અને ફાઈનાન્સર હતા. પ્રોડ્યુસર તરીકે આ એમની પહેલી જ ફિલ્મ. પીઢ પત્રકાર, લેખક બની રુબેને એમને શીર્ષકમાં ‘મેરા નામ’ રાખવા વિશે પૂછ્યું તો એમનો જવાબ હતોઃ “મેં રાખ્યું જ નહોતું. અમારા રાઈટર કે.એ. નારાયણે મને કથા-પટકથા મોકલી ત્યારે ટાઈટલ ટાઈપ કરેલું જ હતું- ‘જૉની મેરા નામ’. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ પાંચ-છ વર્ષથી બની રહી હતી. લેખકે એમાંથી પ્રેરણા લીધી હોય તો મને ખબર નથી.”

બન્યું એવું કે ગુલશન રાયની ફિલ્મની જાહેરાત થતાં ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો. એમાં બન્ને કૅમ્પના અમુક ચમચાએ બન્ને સર્જકનાં મગજમાં એટલું ઝેર ભરી દીધું હતું કે ગુલશન રાય માટે શીર્ષક બદલવું ઈગો પ્રોબ્લેમ થઈ પડ્યો. જો કે એ બની રુબેન આગળ કબૂલે છે કે “રાજ સાહેબે મને કહ્યું હોત તો મેં શીર્ષક બદલી કાઢ્યું હોત, પણ એમના તરફથી આ માટે કોઈ પ્રયાસ થયા નહીં”.

ઑલમોસ્ટ સરખાં શીર્ષક રાખવાના ટેન્શન વચ્ચે બન્ને નિર્માતા સામે નવી સમસ્યા આવીઃ તોતિંગ બજેટવાળી ‘મેરા નામ જોકર’ના રફ-કટ્સ જોઈને રાજ કપૂરને ખ્યાલ આવી ગયો કે શીર્ષક જોઈને ફિલ્મ જોવા આવનાર પ્રેક્ષક નિરાશ થાય એ હદે ગંભીર ફિલ્મ બની ગઈ છે. એમણે પારસી નાટ્યકર્મી અદી મર્ઝબાનને ફિલ્મના રફ-કટ્સ બતાડી એમાં કૉમિક સિચ્યુએશન્સ ઉમેરવા રિક્વેસ્ટ કરી.

આ બાજુ ગુલશન રાયને ‘જૉની મેરા નામ’ની ક્લાઈમૅક્સ ન ગમી. એમણે ડિરેક્ટર વિજય આનંદ ‘ગોલ્ડી’ને નવેસરથી ક્લાઈમૅક્સ શૂટ કરવા કહ્યું. ગોલ્ડીએ કહી દીધું, “સૉરી. નૉટ પૉસિબલ. જેમ છે એમ જ રહેશે. ” મૂંઝાયેલા ગુલશને હીરો દેવ આનંદને મધ્યસ્થી કરવા સમજાવ્યા. દેવ સાહેબે છોટે ભૈય્યાને લૉજિકલી વાત સમજાવી. કચવાતા મને ગોલ્ડીએ નવો ક્લાઈમૅક્સ લખ્યો ને શૂટ કર્યો.

20 નવેમ્બર, 1970ના રોજ  ‘જૉની મેરા નામ’ રિલીઝ થઈઃ બચપનમાં બિછડેલા બે ભાઈ, એક સ્મગલર, એક જેમ્સ બૉન્ડ જેવો પોલીસ, હીરાની હેરાફેરી, મારામારી, આઈ.એસ. જોહરના ત્રણ કોમિક રોલ, કલ્યાણજી-આણંદજીનું મ્યુઝિક. ફિલ્મ સુપરડુપર હિટ. ગુલશન રાય અને એમની ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’નો જયજયકાર થઈ ગયો. ક્લાઈમૅક્સ બદલવાની વાત પછી ગોલ્ડીએ ગુલશન રાય સાથે લીધેલા અબોલા ફિલ્મ રિલીઝ થઈને સુપરહિટ ડિક્લેર થઈ પછી તૂટ્યા.

આ તરફ ‘મેરા નામ જોકર’ વિશે સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્કંઠા હતી. મુંબઈના એક થિએટરના બૂકિંગ ક્લર્કે એની સંપૂર્ણ બચત, લગભગ પચીસ હજાર રૂપિયા, બૅન્કમાંથી ઉપાડીને ‘મેરા નામ જોકર’ની ટિકિટો ખરીદી લીધેલી. એને એમ કે બ્લૅકમાં વેચીશું તો ડબલ-ટ્રિબલ થઈ જશે. 1970ના ડિસેમ્બરમાં ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ. પબ્લિકની અપેક્ષાથી સાવ અલગ પ્રકારની ફિલ્મ પહેલા-બીજા શોમાં પટકાઈ ગઈ. એમાં વળી કોઈએ રાજ કપૂરની કાનભંભેરણી કરીઃ “આ બધું ગુલશન રાયનું કર્યુંકારવ્યું છે. એમણે ફિલ્મની ટિકિટો કૉર્નર કરીને મફતમાં વહેંચે છે, એમ કહીને કે બકવાસ ફિલ્મ છે.”

(‘મેરા નામ’ કોન્ટ્રોવર્સીનાં વર્ષો બાદ ફરી દોસ્તદાર બની ગયેલા રાજ કપૂર-ગુલશન રાયની તસવીર સૌજન્ય ઉમેશ વ્યાસ અને બની રુબેન).

મેરા નામ જોકર ફ્લૉપ ડિક્લેર થઈ તે પછી એક પાર્ટીમાં રાજ કપૂરે નિર્માતા ગુલશન રાયને બધાની દેખતાં ઘઘલાવેલા. બિચારા ગુલશન ચૂપચાપ સાંભળતા રહ્યા. બીજા દિવસે સવારે રણધીર કપૂરે ફોન કરીને પપ્પાના ગુસ્સા બદલ માફી માગી લીધી.

ગુલશન રાયે તે વખતે કહેલું કે “ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે ટિકિટો કૉર્નર કરવા જેવું કૃત્ય હું ક્યારેય ન કરું.” 2004માં એંસી વર્ષની વયે ગુલશન રાયનું અવસાન થયું તે પહેલાં ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ એમના બેટા રાજીવ રાયે સંભાળી લીધેલી અને ‘યુદ્ધ’, ‘ત્રિદેવ’, ‘વિશ્વાત્મા’, ‘મોહરા’, ‘ગુપ્ત’ જેવી ફિલ્મો બનાવી.