અપના રાજુ હીરો હૈ, ઔર હમ રાજુ કે ફૅન…

શાહરુખ ખાને પોતાની કરિયરમાં જેટલાં રિસ્ક લીધાં છે એટલાં ભાગ્યે જ કોઈ મસાલા મૂવીના ઍક્ટરે લીધાં હશે. કારકિર્દી હજી તો શરૂ થઈ ત્યાં એણે ‘ડર’, ‘બાઝીગર’, ‘કભી હાં કભી ના’, ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. કોઈમાં એન્ટી હીરો તો કોઈમાં, આંખોમાં સપનાં લઈને મુંબઈ સેન્ટ્રલ ઊતરી પડેલો લોઅર મિડલ ક્લાસનો યુવાન. હમણાં 12 નવેમ્બરે અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત ‘બાઝીગરે’ રિલીઝનાં 30 વર્ષ ઊજવ્યાં, જ્યારે 13 નવેમ્બર, 1992ના રોજ રિલીઝ થયેલી ‘રાજુ બન ગયા જેન્ટમૅન’ 31મા વર્ષમાં પ્રવેશી.

1955ની રાજ કપૂર-નરગિસની ક્લાસિક ‘શ્રી 420’થી પ્રેરિત ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’માં 1987માં આવેલી ડિરેક્ટર હર્બર્ટ રોસની ‘ધ સિક્રેટ ઑફ માય સક્સેસ’ના અંશ પણ જોવા મળે છે. ભારતીય ટેલિવિઝનની કેટલીક અવિસ્મરણીય ટીવી-સિરિયલ્સમાંની ‘નુક્કડ’ તથા ‘સરકસ’ સાથે જેમનું નામ જોડાયેલું છે એ ડિરેક્ટર અઝીઝ મિર્ઝાએ આ ફિલ્મ સર્જેલી. વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યુમાં અઝીઝભાઈએ મને કહેલું કે ‘સરકસ’ સિરિયલના નિર્માણ દરમિયાન મેં દિલ્હીથી આવેલા સંઘર્ષશીલ ઍક્ટર શાહરુખ ખાનનું હીર પારખી લીધેલું.

આ એ દૌર હતો જ્યારે દેશની ઈકોનોમીનાં બારણાં ધીરે ધીરે ઊઘડી રહ્યાં હતાં. પડોશીના ઘરે આપણો ફોન આવતો તેમાંથી ધીરે ધીરે તેલ-ઘીના ડબ્બાની સાઈઝના પબ્લિક ફોનમાં રૂપિયાનો સિક્કો નાખીને આપણે વાત કરતા થયેલા. પછી તો દેશભરમાં એસટીડી-આઈએસડી બૂથ શરૂ થઈ ગયેલાં. આજે વૉટ્સઍપ કૉલથી દેશ-દુનિયામાં મફત વાતો જ નથી કરતા, વિડિયો ચૅટ કરીએ છીએ. અર્થાત્ 1990ના દાયકાના મધ્યમ વર્ગની સરખામણીએ આજના મધ્યમ વર્ગ પાસે, આમ જોવા જઈએ તો, ઘણી લક્ઝરી છે.

આર.કે.ની ‘શ્રી 420’ કે પછી શાહરુખ ખાનની રિયલ લાઈફ જેવી આ ફિલ્મમાં રાજુ મહત્વાકાંક્ષી છે, પોતાનાં સપનાં સાકાર થાય તે માટે ગામડેથી મુંબઈ આવ્યો છે, નોકરી શોધી રહ્યો છે. થોડા જ દિવસોમાં એને ખ્યાલ આવી જાય છે કે મુંબઈમાં લાઈફ ઈઝી નથી. સતત દોડતું રહેતું મુંબઈ, ક્રૂર બનીને રાજુની નિર્દોષતાનો, એની ઈમાનદારીનો ભોગ લે છે. ‘શ્રી 420’ અને ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’, બન્નેમાં નીતિમત્તા, મૂલ્યોનું પ્રતિનિધિત્વ સ્ત્રી કરે છેઃ નરગિસ અને જુહી ચાવલા. ‘શ્રી 420’માં “મૂડ મૂડ કે ના દેખ” કહીને રાજને અનૈતિકતાના વમળમાં ધેકલતી નાદિરા હતી, તો અહીં મૂડીવાદ તથા ભ્રષ્ટાચારના પ્રતીક સમી અમૃતા સિંહ છે. એ એક કન્સ્ટ્રક્શન કંપનીની માલિકણ છે, જેમાં રાજુ નોકરી કરે છે.

મુંબઈમાં રાજુને આશરો મળે છે એ ચાલનો એક પૉપ્યુલર રહેવાસી, મુફલિસ જય (નાના પાટેકર) રાજુનો મદદગાર બને છે, એને સિટી ઑફ ડ્રીમ્સના તોરતરીકા શીખવે છે. આ જય એટલે રાજુના અંતરાત્માના અવાજનું પ્રતીક.

ફિલ્મમાં અઝીઝમિયાંએ મુંબઈમાં રાજુ અને રેણુ (જુહી ચાવલા) વચ્ચે પાંગરતો મસ્તમજાનો રોમાન્સ બતાવ્યો છે. નીચલા મધ્યમ વર્ગનાં આ પ્રેમી પંખીડા વસતીથી ફાટફાટ થતા શહેરમાં શાંતિ, એકાંત મેળવવા રીતસરનાં તલસે છે (આ સમસ્યા આજે પણ છે). એક સીનમાં હતાશ રાજુ કહે છેઃ “બમ્બઈ મેં જગહ હી નહીં મિલતી હૈ પ્યાર કરને”… પછી એ રેણુને એક કાર શો-રૂમમાં લઈ જાય છે. કાર ખરીદતાં પહેલાં એના ફીચર્સ ચકાસવાનાં બહાને એ રેણુ સાથએ કારમાં ગોઠવાય છે. આ આખું નાટક માત્ર એટલા માટે કેમ કે રાજુને એક કિસ કરવી હોય છે, જે મુંબઈમાં (એના જેવા યુવાન માટે) પોસિબલ નથી. આ અને આવા કેટલાક સીન્સ આ ફિલ્મને આજે પણ જોવાલાયક બનાવે છે.

-અને હા, જતિન-લલિતે સ્વરાંકિત કરેલાં ગીતો કેમ ભુલાય? યાદ કરો, શીર્ષકગીત, “લવેરિયા હુઆ”, “કેહતી હૈ દિલ કી લગી”, “તૂ મેરે સાથ સાથ”… આ ફિલ્મ બાદ અઝીઝ મિર્ઝાએ શાહરુખ-જુહીને લઈને ‘યસ બૉસ’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ બનાવી. તે પછી, ‘ચલતે ચલતે’ અને ‘કિસ્મત કનેક્શન’.

મારા જેવા સિનેમાપ્રેમી માટે ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ સ્વીટ નૉસ્ટાલ્જિયા છે, તો 1990ના દાયકામાં જન્મેલી પેઢી માટે તે સમયનું મુંબઈ, મુંબઈનું જનજીવન જોવા-માણવાની મજા. યુટ્યુબ પર છે. જોઈ નાખજો.