અમિતાભની ‘જંજીર’ ની કહાની પ્રકાશની જુબાની

રાજેન્દ્રકુમાર- રાખી સાથેની ‘આન બાન’ (૧૯૭૨) પછી પ્રકાશ મહેરાએ ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ‘સમાધિ’ (૧૯૭૨) નિર્દેશક ઉપરાંત નિર્માતા તરીકે બનાવવાનું નક્કી કર્યું. ધર્મેન્દ્રનું કહેવું હતું કે તે નિર્માતા બનશે. પ્રકાશે કહ્યું કે લેખક મુખરામ શર્મા પાસેથી મેં કેટલી મગજમારી કરીને ‘સમાધિ’ ની વાર્તા મેળવી છે. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે મારી પાસે એક પઠાણ અને પોલીસ ઈન્સ્પેકટરની વાર્તા છે. એને સલીમ- જાવેદ પાસેથી સાંભળી લેજે. એ ફિલ્મ ‘જંજીર’ (૧૯૭૩) નું તું નિર્માણ કરજે પણ એમાં ઈન્સ્પેકટર તરીકે હું જ કામ કરીશ. આ વાતની ખબર ધર્મેન્દ્રના ભાઈ બી.એસ. દેઓલને પડી ત્યારે એણે કહ્યું કે તું છ મહિના પછી ફિલ્મ બનાવજે.

પ્રકાશે તૈયારી કરી લીધી હોવાથી રોકાઈ શકે એમ ન હતા. ત્યારે ‘જંજીર’ નો હીરો નક્કી થયો ન હતો. પણ પ્રાણના પુત્ર સુનીલે કહ્યું કે તમે ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’ જોવા જાવ અને એમાં માત્ર એક દ્રશ્ય જોવાનું રાખજો જેમાં અમિતાભ બચ્ચન સેન્ડવીચ ખાઈને બહાર આવે છે અને એની શત્રુધ્ન સિંહા સાથે લડાઈ થાય છે. આખી ફિલ્મ જોવા જેવી નથી. પ્રકાશે ફિલ્મનું એ દ્રશ્ય જોયું અને અમિતાભને પસંદ કરી લઈ ધર્મેન્દ્રને કહ્યું કે મને હીરો મળી ગયો છે. ધર્મેન્દ્રએ છ મહિના રાહ જોવા કહ્યું. પ્રકાશે કહ્યું કે તમારી પાસે તો ઘણી ફિલ્મો છે. મારી કારકિર્દી શરૂ થઈ રહી છે. રાહ જોઈ શકાય એમ નથી. અસલમાં સલીમ- જાવેદની તમન્ના હતી કે ‘જંજીર’ માટે ટોપના હીરો- હીરોઈન હોવા જોઈએ. ત્યારે ધર્મેન્દ્ર બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતા.

બીજો વિકલ્પ દેવ આનંદનો હતો. ચાર વખત પ્રકાશ જાવેદ સાથે દેવના ઘરે ગયા. ત્યારે દેવ આનંદે આ ફિલ્મ માટે વહિદા રહેમાનને પણ બોલાવ્યા હતા. દેવનું કહેવું હતું કે ફિલ્મમાં ત્રણ-ચાર ગીતો હોવા જોઈએ. પ્રકાશે દલીલ કરી કે તમે ક્યારેય પોલીસ ઈન્સ્પેકટરને ગીતો ગાતો જોયો છે? ત્યારે દેવ આનંદે પૂછ્યું કે તું આર્ટ ફિલ્મ બનાવી રહ્યો છે? પ્રકાશ મહેરાએ કહ્યું કે ના કમર્શિયલ ફિલ્મ છે. ફિલ્મમાં એક રોમેન્ટિક ગીત હશે પણ એ હીરો કે હીરોઈન ગાતા નહીં હોય. દેવ આનંદે છેલ્લે કહ્યું કે તને બહુ આત્મવિશ્વાસ છે. ભગવાન તને મદદ કરે. દેવ આનંદ પછી તેઓ રાજકુમાર પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે આ તો મારી જ વાર્તા અને પાત્ર છે. હું માહિમમાં ઈન્સ્પેકટર હતો. પણ મારી શરત છે કે ફિલ્મ તારે મદ્રાસમાં પૂરી કરવી પડશે. કેમકે એ મદ્રાસની ત્રણ ફિલ્મો કરી રહ્યા હતા.

પ્રકાશે કહ્યું કે મારી ફિલ્મના દ્રશ્યમાં મુંબઈના સ્થાનિક લોકો છે. મદ્રાસના લોકો યોગ્ય રહેશે નહીં. અને એ રાજકુમારને લઈ શક્યા નહીં. ફિલ્મની હીરોઈન તરીકે પહેલાં મુમતાઝને સાઇન કરવામાં આવી હતી. જ્યારે એને ખબર પડી કે અમિતાભને હીરો તરીકે લેવામાં આવ્યો છે ત્યારે તેણે એમ કહીને ફિલ્મ છોડી દીધી કે મારા મયૂર માધવાની સાથે લગ્ન થઈ રહ્યા છે. હું ફિલ્મ કરી શકીશ નહીં. પ્રકાશ જ્યારે મુમતાઝના લગ્નમાં ગયા ત્યારે એણે સાઈનીંગ એમાઉન્ટ પણ પરત કરી દીધી. અમિતાભે જયા ભાદુરીનું નામ સૂચવ્યું. જયા ત્યારે પ્રકાશ મહેરાના જ નિર્દેશનમાં ‘સમાધિ’ માં કામ કરી રહ્યા હતા. જયાએ ‘જંજીર’ કરવાની હા પાડી દીધી અને ફિલ્મ શરૂ થઈ ગઈ. ‘જંજીર’ બહુ મોટી હિટ રહી. એ પછી પ્રકાશ મહેરા અને અમિતાભે સાથે ઘણી ફિલ્મો કરી હતી