પ્રકાશ મહેરાએ ‘આન બાન’ થી શાન ગુમાવી

પ્રકાશ મહેરાને નિર્દેશકના રૂપમાં પહેલી ફિલ્મ ‘અમરસિંહ રાઠોડ’ ઓફર થઈ ત્યારે એમણે નિર્માતાને કહ્યું કે એ વિચારીને થોડા દિવસમાં જવાબ આપશે. પ્રકાશે સલાહ લેવા મોહન સહગલના સહાયક કેમેરામેન બલદેવ સિંઘને વાત કરી કે નિર્દેશક તરીકે બહુ મોટી ઓફર મળી છે. બલદેવે કહ્યું કે હા પાડીશ તો તારી કારકિર્દીનું સત્યાનાશ થઈ જશે. જો તું ઐતિહાસિક ફિલ્મોના ચક્કરમાં પડી જઈશ તો પછી એમાંથી નીકળી શકશે નહીં. તું નિરૂપા રોયની ફિલ્મોનો નિર્દેશક બનીને રહી જઈશ. એણે ભાર દઈને બે વખત હા નહીં પાડવાની સલાહ આપી અને કહ્યું કે તારે કમર્શિયલ ફિલ્મ ‘હસીના માન જાયેગી’ બનાવવાની જ છે. થોડી ધીરજ રાખ.

પ્રકાશે નિર્માતાને ના પાડી દીધી ત્યારે એણે બીજાને કહ્યું કે આવો બેવકૂફ માણસ જોયો નથી જે આટલી મોટી ઓફર ઠુકરાવી દે. પ્રકાશે જ્યારે ‘હસીના માન જાયેગી’ (૧૯૬૮) બનાવવાનું શરૂ કર્યું ત્યારે ઘણી વખત આર્થિક સમસ્યા આવી હતી. પણ ફિલ્મમાં કામ કરતા જૉની વૉકર દ્વારા ઉધાર રૂપિયા થોડા સમય માટે મળી જતા હતા. ફાઇનાન્સર આપે એટલે એમને ચૂકવી દેતા હતા. ફિલ્મ રજૂ થઈ ત્યાં સુધી પ્રકાશ એક ખ્રિસ્તી મહિલાને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. છેક ‘મેલા’ (૧૯૭૧) ના નિર્માણ દરમ્યાન નિર્માતાએ એમને એક ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. શશી કપૂર સાથેની ‘હસીના માન જાયેગી’ (૧૯૭૨) ની સફળતા પછી પ્રકાશ મહેરાને ગણી ના શકાય એટલી અનેક ફિલ્મોમાં નિર્દેશક તરીકે ઓફરો આવી ગઈ.

નિર્માતા એ.એ. નડિયાદવાલા તો ખ્રિસ્તી મહિલાને પોતાનું નામ આપી રૂ.૫૧૦૦૦ રોકડા આપી ગયા હતા. મુખ્ય ચાર ઓફર હતી. આ બધું જોઈને પ્રકાશ મહેરા ગૂંચવાઈ ગયા કે કોને હા કહે અને કોને ના કહે. ત્યારે મિત્ર અને માર્ગદર્શક રહેલા જૉની વૉકરને પૂછ્યું. એમણે કહ્યું કે ચારેય ફિલ્મ કરી લે. પ્રકાશે કહ્યું કે નિર્દેશનમાં આવું કેવી રીતે થઈ શકે? એક ફિલ્મ કરતા મારા મગજનું દહીં થઈ ગયું હતું. એક-એક સીનના ફિલ્માંકન માટે કેટલું મગજ કસ્યું હતું. પ્રકાશે નડિયાદવાલાની ‘મેલા’ (૧૯૭૧) અને માણેકચંદ કોચરની ‘આન બાન’ (૧૯૭૨) પસંદ કરી. પણ ‘આન બાન’ ખરાબ રીતે ફ્લોપ રહી. કેમકે જ્યારે ફિલ્મ સાઇન કરી ત્યારે માણેકચંદે એમાં રાજ કપૂર અને શશી કપૂરને લેવાની વાત કરી હતી. પરંતુ રાજ કપૂર બહુ વ્યસ્ત થઈ ગયા હોવાથી પ્રાણ અને રાજેન્દ્રકુમારને સાઇન કરી લીધા હતા. ત્યારે પ્રકાશે નારાજ થઈને કહ્યું કે તમે કોને પૂછીને આ સ્ટારકાસ્ટ લીધી છે? માણેકચંદે કહ્યું કે તું કંઇ જ ન હતો ત્યારે મેં તને સાઇન કર્યો હતો. પ્રકાશે ના પાડી એટલે રાજેન્દ્રકુમારે પ્રકાશને બોલાવીને પૂછ્યું કે ફિલ્મ કેમ કરવી નથી? ત્યારે પ્રકાશ કહી ના શક્યા કે તમે ફિલ્મમાં કોલેજના વિદ્યાર્થી લાગતા નથી.

પ્રકાશે ફિલ્મના લેખક ઇન્દર રાજ આનંદને ફરિયાદ કરી અને કહ્યું કે મોટાભાઇ તરીકે રાજેન્દ્રકુમાર અને વિદ્યાર્થી તરીકે શશી કપૂર હોય તો પણ હું ફિલ્મ સારી રીતે બનાવી શકીશ. અને આ વાર્તા મેં તારાચંદ બડજાત્યા પાસેથી માંગીને લીધી છે. પ્રકાશે ઘણો પ્રયત્ન કર્યો પણ આખરે રાજેન્દ્રકુમાર અને પ્રાણ સાથે જ બનાવવી પડી. રાજા- મહારાજાના સમયની વાર્તા પ્રમાણે પાત્રોની સ્ટારકાસ્ટ યોગ્ય ના હોવાથી ‘આન બાન’ સફળ રહી ન હોવાનું પ્રકાશ મહેરા માને છે. આ ફિલ્મથી કારકિર્દીમાં નિષ્ફળતાનો પહેલો ડાઘ લાગી ગયો હોવાનું એમણે કહ્યું છે.

(પ્રકાશ મહેરાને જંજીર’ કેવી રીતે મળી? તથા એમાં અમિતાભ કેવી રીતે આવ્યા? આ સવાલોના જવાબ આગામી લેખ ‘અમિતાભની ‘જંજીર’ ની કહાની પ્રકાશની જુબાની’ માં વાંચવા મળશે.)