Home Blog Page 2193

સમુદ્રના ઊંડાણથી પણ અમે તેમને શોધી કાઢીશું: સંરક્ષણપ્રધાન

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાને ચાર વિશાખાપટ્ટનમ-શ્રેણીમાં ત્રીજા INS ઇમ્ફાલના કમિશનિંગના પ્રસંગે કહ્યું હતું કે ભારત મર્ચન્ટ નેવી જહાજો પર હુમલાની પાછળના લોકોને સમુદ્રની ઊંડાઈમાંથી શોધી કાઢશે.  તેમણે કહ્યું હતું કે નેવી દ્વારા વિકસિત અને ડિઝાઇનથી બનેલી સબમરીન છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું.

તેમણે કહ્યું હતું કે આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતોએ કેટલીક તાકાતોને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં હાલમાં થયેલા MV કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસો પહેલા લાલ સાગરમાં MV સાઈ બાબા પર થયેલા હુમલાને ભારત ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે ભારતીય નૌસેનાની દરિયાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે. જેમણે પણ આ હુમલો કર્યો છે. તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત આખા ઈન્ડિયન ઓશિયન રીઝન (IOR)માં Net Security Providerની ભૂમિકામાં છે. અમે નક્કી કરીશું કે આ વિસ્તારમાં થનારો દરિયાઈ વેપાર સમુદ્રથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચશે. શનિવારે અરબ સાગરમાં MV કેમ પ્લૂટો પર ડ્રોનથી હુમલો કરવાના સમાચાર આવ્યા હતા. આ જહાજ સાઉદી અરબના એક પોર્ટથી ભારતના મંગલૌર આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કરાયો હતો.

 

 

 

બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સ્વદેશી યુદ્ધજહાજ ‘INS ઈમ્ફાલ’ નૌકાદળમાં સામેલ

ગુપ્ત રીતે મિસાઈલ છોડીને દુશ્મન ટાર્ગેટનો નાશ કરી શકે એવા યુદ્ધજહાજ ‘INS ઈમ્ફાલ’ને 26 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, પશ્ચિમી નૌકા કમાન્ડના વડા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ-એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ‘INS ઈમ્ફાલ’ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવ્યું છે. આ જહાજ પરથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ પણ ફાયર કરી શકાશે.

આ યુદ્ધજહાજની ડિઝાઈન નૌકાદળની સંસ્થા વોરશિપ ડિઝાઈન બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને નિર્માણ મુંબઈસ્થિત સંરક્ષણ વિભાગ સંચાલિત જાહેર ક્ષેત્ર કંપની મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતીય નૌકાદળનું આ પહેલું જ યુદ્ધજહાજ છે જેને દેશના ઈશાન ભાગના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. ઈમ્ફાલ મણિપુર રાજ્યનું રાજધાની શહેર છે.

આ ગાઈડેડ મિસાઈલ યુદ્ધજહાજ આધુનિક રડારથી સજ્જ છે. તે હિંદ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી ગઈ હોવાથી ‘આઈએનએસ ઈમ્ફાલ’ની હાજરીથી ભારતની દરિયાઈ તાકાત, સમુદ્રી ક્ષમતામાં વધારો થશે.

IPLમાં ચીનની એન્ટ્રી પર પ્રતિબંધ, BCCI નો મોટો નિર્ણય!

BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે તૈયારી કરી લીધી છે. તાજેતરમાં દુબઈમાં મીની હરાજી સમાપ્ત થઈ છે, જ્યાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. હવે BCCIએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. IPL 2024 માટે ટાઈટલ સ્પોન્સરની શોધ ચાલી રહી છે, આ વખતે BCCI ટાઈટલ સ્પોન્સરશિપ માટે ચીન પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે, જેની સાથે ભારતના તાજેતરના સમયમાં સારા સંબંધો નથી. એક અહેવાલ મુજબ, આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ માટે BCCI દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે દેશોના ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો નથી તેમને આ ટેન્ડરમાં મહત્વ આપવામાં આવશે નહીં. ટાઈટલ સ્પોન્સરશિપ માટે બેઝ પ્રાઈસ 360 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ છે, ત્યારબાદ બિડના આધારે ટેન્ડર આપવામાં આવશે. અગાઉ ચીનની ફોન કંપની Vivo IPLની ચુસ્ત સ્પોન્સર રહી હતી, પરંતુ જ્યારે વર્ષ 2020માં ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ બગડી ત્યારે BCCIએ Vivoને હટાવવાનો નિર્ણય કર્યો અને ટાટા એક વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર તરીકે આવ્યા.

 

BCCIએ ટેન્ડરમાં શું લખ્યું?

હવે બીસીસીઆઈએ તેના ટેન્ડરમાં લખ્યું છે કે કોઈ પણ બોલી લગાવનારને એવા કોઈ દેશ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ કે જેના ભારત સાથે સારા સંબંધો નથી. જો આવી કોઈ બિડર આગળ આવે છે, તો તેણે તેના શેરધારકોને લગતી તમામ માહિતી બોર્ડને આપવાની રહેશે અને તે પછી જ બિડ પર કોઈ નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં બોર્ડે ફેન્ટસી ગેમ્સ, ક્રિપ્ટોકરન્સી અને સટ્ટાબાજી સાથે જોડાયેલી કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, જે કંપનીઓ સ્પોર્ટ્સ સંબંધિત કપડાંના ઉત્પાદનમાં સક્રિય છે તે પણ ટાઈટલ સ્પોન્સરશિપ માટે બિડ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ટાઈટલ સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે હશે, એટલે કે આ કોન્ટ્રાક્ટ IPL 2024 થી IPL 2029 સુધી ચાલશે.

મસાલા બાજરી રોટલો

શિયાળામાં લીલું લસણ ભરપૂર મળે અને લીલા લસણવાળી કોઈપણ વાનગી બહુ જ સ્વાદિષ્ટ બને! વળી, ઠંડી ઋતુમાં બાજરી તેમજ લસણની ગરમ તાસીર ઉપરાંત પૌષ્ટિકતા અને સ્વાદ! તો તે માટે આપણે આપણાં ઋષિમુનિઓ તેમજ પૂર્વજોનો પાડ માનવો જોઈએ. તો, આપણે આવી વાનગી ઘરે જ બનાવી, આપણા બાળકોને પણ માહિતગાર કરીને, આપણી પરંપરા જાળવી રાખવી જોઈએ, ખરૂં ને?

સામગ્રીઃ

  • બાજરીનો લોટ 1 કપ
  • લીલા લસણના પાન 1 કપ
  • લસણની કળી 10-12
  • લીલી મેથીના પાન ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટે.સ્પૂન
  • ઘી અથવા માખણ રોટલો શેકવા માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલાં તીખાં મરચાં 3-4 (ઓછું તીખું ખાવું હોય તો લીલાં મરચાં મોળા લેવાં)
  • હીંગ 2 ચપટી
  • આદુ-લીલા લસણ અને મરચાંની પેસ્ટ 2-3 ટે.સ્પૂન

રીતઃ લીલું લસણ ધોઈને તેના લીલાં પાન સમારીને એક વાટકીમાં રાખો. લીલી મેથીના પાન કાઢીને ધોઈને પાણી નિતારીને રફલી સમારી લો. આદુ તેમજ લીલા લસણની કળીઓને અધકચરા પીસી લો.

એક તાસમાં બાજરીનો લોટ લઈ, તેમાં સમારેલાં લીલા લસણના પાન, કોથમીર, મેથીના પાન  મેળવી દો. તેમાં હીંગ, સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચાં-લસણની પેસ્ટ મેળવીને હાથેથી લોટ મસળીને જરા જરા પાણી ઉમેરતાં જઈ લોટ બાંધવો. લોટને સરખા પ્રમાણમાં મસળીને તેમાંથી મોટી સાઈઝનો લૂવો લઈ લોટમાં રગદોળી એક પાટલાની સાઈઝનું જાડું પ્લાસ્ટીક લઈ તેની ઉપર આ રોટલો થાપી લો.

તવાને સરખો ગરમ કરીને ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને રોટલો બે હાથોમાં લઈને હળવેથી તવા પર મૂકો. ½ મિનિટ બાદ તવેથા વડે હળવેથી રોટલો ઉથલાવો. 1 મિનિટ બાદ જો નીચેથી શેકાવા આવ્યો હોય તો ઉથલાવીને ગેસની આંચ ધીમી કરી દો. રોટલાની ઉપર તેમજ ફરતે ઘી રેડી દો. તવેથાની ધાર વડે રોટલા ઉપર થોડાં થોડાં છેદ કરી દો. જેથી માખમ તેમજ મસાલો તેમાં પચે. હવે રોટલાની ઉપર ½ ટે.સ્પૂન આદ-મરચાં-લસણની પેસ્ટ તેમજ 1 ટે.સ્પૂન સુધારેલું લીલું લસણ તેમજ 1 ટે.સ્પૂન ઘી અથવા માખણ ફેલાવીને તેની ઉપર 1 ટે.સ્પૂન ધાણાજીરુ પાઉડર છાંટીને રોટલાને ક્રિસ્પી થવા દો. આ રોટલાને 1 મિનિટ બાદ નીચે ઉતારીને તેના ચાર ટુકડા કરીને ઉપર કોથમીર ભભરાવીને આ રોટલો જમવામાં દહીં સાથે અને નાસ્તામાં પીરસવો હોય તો ચા સાથે પીરસો.

કોરોનાના સક્રિય કેસોમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્ય અને દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાઇરસના વધુ બે કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.  

કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

અમદાવાદમાં એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા. બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં નોંધાયા કોરોનાના કેસ. બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગલુરુની હોવાની માહિતી. હાલ બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 33 લોકો હોમ આઇસોલેટ થયા છે.દેશમાં એક્ટિવ કોરોના વાઇરસ કેસ 4100ને વટાવી ગયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ JN.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.

 

 

 

 

2023માં એસી, પેનલ ટીવીનું વેચાણ વધ્યું; ફોનનું વેચાણ 2% ઘટ્યું

મુંબઈઃ સમાપ્ત થઈ રહેલા 2023ના વર્ષમાં દેશમાં ઘરવપરાશની ચીજવસ્તુઓના વેચાણમાં જબ્બર ઉછાળો નોંધાયો હતો. સૌથી વધારે વેચાણ એરકન્ડિશનર્સનું થયું છે. આ વર્ષના પહેલા 10 મહિનામાં ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં, વોલ્યૂમ (જથ્થા)ની દ્રષ્ટિએ એસીના વેચાણમાં 10 ટકાનો જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ 12 ટકાનો વધારો થયો છે.

પેનલ ટેલીવિઝન કેટેગરીમાં, વોલ્યૂમમાં બે ટકાનો વધારો થયો છે. સ્માર્ટફોનમાં, મૂલ્યમાં 9 ટકાનો વધારો થયો છે, પણ વોલ્યૂમમાં બે ટકા જેટલો ઘટાડો થયો છે.

આ વર્ષે તહેવારોની મોસમ દરમિયાન ઘરવપરાશની ચીજોનું વેચાણ સારું એવું વધ્યું છે. આમાં મોટા ડોમેસ્ટિક અપ્લાયન્સીસ અને નાના ડોમેસ્ટિક અપ્લાયન્સીસ, બંનેનું વેચાણ વધ્યું છે. ઓડિયો હોમ સિસ્ટમ્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

રોનિત, નીલમ બોસ રોયે 20મી વર્ષગાંઠે ફરી લગ્ન કર્યાં

મુંબઈઃ  અભિનેતા યુગલ રોનિય રોય અને નીલમ બોસ રોયે લગ્નની 20મી વર્ષગાંઠે ફરીથી સાત ફેરા લીધા હતા. તેમણે પોતાના ઘરના મંદિરમાં લગ્ન કર્યાં હતાં. 58 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.

વાસ્તવમાં રોનિત રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં કપલ 20 વર્ષ પછી ફરીથી સાતેય લગ્નના વચનોનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. બંનેએ ગોવાના શિવ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન, અભિનેતાની પત્ની નીલમ નવી પરણેલી દુલ્હનની જેમ લાલ સાડી પહેરેલી હતી અને ઘરેણાંથી શણગારેલી હતી, જ્યારે અભિનેતા સફેદ અને લાલ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.

રોનિત અને નીલમનો 16 વર્ષનો પુત્ર અગસ્ત્ય બોઝ પણ તેનાં માતા-પિતાના લગ્નની મજા માણતો જોવા મળ્યો હતો. એ વિડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા રોનિત અને નીલમે હવન કર્યો હતો. માળા આપી. લગ્નની સાત પ્રતિજ્ઞાઓ વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી હતી. રોનિતે નીલમની માગમાં સિંદૂર ભરી દીધું. આ દરમિયાન અભિનેતાના નજીકના સંબંધીઓ અને મિત્રો જોવા મળ્યા હતા.

રોનિત રોયે વર્ષ 2003માં અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. અભિનેતાએ નીલમને સાડાત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા. અગાઉ, અભિનેતાએ જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેને એક પુત્રી પણ છે. નીલમ સાથે તેને બે બાળકો છે.

રોનિત રોયે એકતા કપૂરની કસૌટી જિંદગી કેમાં મિસ્ટર બજાજનું પાત્ર ભજવીને ઘરે-ઘરે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ વર્ષો પહેલા સ્ટાર પ્લ્સ પર પ્રસારિત થતી હતી. રોનિત રોય એક્ટિંગ સિવાય પોતાનો બિઝનેસ પણ ધરાવે છે. તેની એક સિક્યોરિટી એજન્સી છે.

 

 

 

 

JN.1: ખાનગી હોસ્પિટલો કોવિડ-19 રસી ખરીદતા અચકાય છે

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ JN.1 ના કેસ વધી રહ્યા છે તે છતાં અગ્રગણ્ય ખાનગી હોસ્પિટલોએ વેક્સિન ખરીદી મામલે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. એક અહેવાલ મુજબ, મુખ્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના-પ્રતિરોધક રસીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે તે છતાં નવી રસી ખરીદતા આ હોસ્પિટલો ખંચકાય છે.

આ હોસ્પિટલોનું કહેવું છે કે હાલનો વેરિઅન્ટ પ્રકારમાં હળવો છે. એને કારણે બહુ ઓછી સંખ્યામાં લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર પડે છે. તેમજ આ રોગની તીવ્રતા પણ ઓછી છે. તેથી હોસ્પિટલોએ રસીનો સ્ટોક ખરીદવામાં ઉતાવળ કરવાને બદલે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવાનું પસંદ કર્યું છે. નવા વેરિઅન્ટના ફેલાવાના મામલે અને રસીકરણની રણનીતિના મામલે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરે એની આ હોસ્પિટલો રાહ જુએ છે. આ હોસ્પિટલોનું કહેવું છે કે તેમણે 2021 પછી કોરોના રસીની નવી ખરીદી કરી નથી. આનું કારણ એ છે કે તે પછી દર મહિને રસી લેવા આવતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.

મિશન બંગાળ માટે અમિત શાહ, જેપી નડ્ડા કોલકાતા પહોંચ્યા

કોલકાતાઃ દેશમાં સામાન્ય ચૂંટણીમાં હવે થોડા મહિનાઓનો સમય બાકી છે, ત્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં વધુ ને વધુ લોકસભા સીટો પર જીતની યોજના બનાવી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકસભાની 35 સીટો પર જીતની યોજના બનાવી છે.

ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસના પ્રવાસ હેઠળ સોમવાર રાત્રે બંગાળની મુલાકાત પહોંચ્યા હતા, એમ પાર્ટીના નેતાએ માહિતી આપી હતી. બંને નેતાઓની આ યાત્રા આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીથી પહેલાં બંગાળમાં સંગઠનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેઓ રાજ્યમાં કેટલીય સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરશે. જોકે અહીં તેઓ કોઈ જાહેર સભાને સંબોધન કરે એવી યોજના નથી. બંને નેતાઓ રાજ્યના નેતાઓ સાથે બેઠક કરશે. શાહ અને નડ્ડા મંગળવારે ગુરુદ્વારા બારા શીખ સંગત અને કાલીઘાટ મંદિરની મુલાકાત લેશે. આ બંનેની નેમ બંગાળ લોકસભાની ચૂંટણીમાંથી 42માંથી 35 સીટો મેળવવાની છે.

તેઓ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનાત્મક તાકાતની સમીક્ષા કરશે. તેણે કહ્યું હતું કે તેઓ નેશનલ લાઇબ્રેરીમાં બંધ રૂમમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે અને એ પછી તેઓ સાંજે નવી દિલ્હી જવા રવાના થશે.  રાજ્યના ભાજપના નેતાઓ કહ્યું હતું કે મેં ક્યારેય બંને ટોચના નેતાઓને એકસાથે બંગાળની યાત્રા કરતાં નથી જોયા. એ દર્શાવે છે કે ભાજપના નેતૃત્વ માટે બંગાળ કેટલું મહત્ત્વનું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42 સંસદીય સીટોમાંથી 18 સીટો કબજે કરી હતી.  

 

 

 

 

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં હનુમંત કથા, પાલખી યાત્રા યોજાઈ

અમદાવાદઃ અયોધ્યાના ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં  22 જાન્યુઆરી, 2024ના સુવર્ણ દિને 500 વર્ષના ઇતિહાસ બાદ રામલ્લા બિરાજમાન થવાના છે ત્યારે સનાતન ધર્મ માટે આ ગૌરવ અને ઉત્સાહની ક્ષણ છે. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના હેતુંથી વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ દ્વારા મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના પ્રિય એવા ભગવાન હનુમાનજીની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ પ્રસ્તુત શ્રી હનુમંત કથાનું  25થી 29 ડિસેમ્બર-2023 કલોલ, ગાંધીનગરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી પી. ઠાકોર (બકાજી) ધારાસભ્ય, કલોલ, પરિવારના ઘરેથી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

પોથીયાત્રાની કથા મંડપમાં પધરામણી થઈ ત્યારે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ અને સંસ્થાના હોદ્દેદારો તથા દૈનિક યજમાન પરિવરના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વધામણાં કર્યાં હતાં. ત્યાર બાદ પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી – પુરાણાચાર્યના મુખેથી હનુમંત કથાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે કલોલ શહેરના પૂર્વ ધારાસભ્ય તેમ જ નગરપાલિકા કોર્પોરેટરો સામાજિક આગેવાનો તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી સંતો-મહંતોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલ જણાવે છે કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમાજની છે. જેને લઈ કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામલ્લા ભવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા છે ત્યારે આ ક્ષણ અને અવસર આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે.