મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર રાજકીય ગરમાવો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે મોડી રાત્રે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી. આ બેઠકોને કારણે 85 વર્ષીય શરદ પવારના આગામી રાજકીય પગલાં અંગેની અટકળોને ફરી વેગ મળ્યો છે, કારણ કે બંને જૂથો પોતાના રાજકીય ભવિષ્યને લઈને પડકારોનો સામનો કરી રહ્યા છે. 20 જુલાઈથી સંસદનું મોન્સુન સત્ર શરૂ થઈ રહ્યું છે. એ દરમિયાન વિશ્વસનીય સૂત્રોના હવાલાથી એવી માહિતી સામે આવી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) આ મોન્સુન સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના બે સૌથી મહત્વપૂર્ણ વિધેયકો—મહિલા આરક્ષણ બિલ અને ડિલિમિટેશન (સીમાંકન) બિલ—ના પક્ષમાં મતદાન કરી શકે છે.
એનસીપી (SP) પાસે લોકસભામાં કુલ આઠ સાંસદો છે. હાલમાં શરદ પવારની વ્યૂહરચના એનડીએનો સત્તાવાર ભાગ બન્યા વિના એનડીએને સમર્થન આપવાની છે. હકીકતમાં શરદ પવાર જૂથની અંદરનું એક જૂથ સરકાર સાથે જોડાવાની માગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પક્ષમાં તૂટફૂટ અટકાવવા માટે માત્ર ચોક્કસ વિધેયકોને સમર્થન આપવાની વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
અહેવાલ મુજબ એનસીપી (શરદ પવાર)ના રાજ્ય પ્રમુખ જયંત પાટીલે સૌપ્રથમ દક્ષિણ મુંબઈમાં આવેલા શરદ પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’માં તેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સાંજે તેઓ મુખ્ય મંત્રી ફડણવીસને મળ્યા હતા. આ ઉપરાંત સત્તાધારી એનસીપીના નેતા સુનીલ તટકરે અને પ્રફુલ પટેલે પણ મુખ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકોમાં હાજર રહેલા નેતાઓ તેમ જ મુખ્ય મંત્રી કાર્યાલયે ચર્ચાના મુદ્દા અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી. સત્તાધારી એનસીપી અને એનસીપી (શરદ પવાર) બંનેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બેઠકના એજન્ડા વિશે જાણકારી નહોતી. આ બેઠકો એવા સમયે થઈ રહી છે જ્યારે જુલાઈ, 2023માં અજિત પવારે અવિભાજિત એનસીપીને તોડી ભાજપ આગેવાનીવાળા મહાયુતિ ગઠબંધનમાં જોડાયા ત્યારથી શરદ પવારની આગેવાનીવાળી એનસીપી (શરદ પવાર) પોતાના સૌથી મોટા વ્યૂહાત્મક સંકટનો સામનો કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એનસીપી (શરદ પવાર)ના 10 ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા અડધા ભાજપ આગેવાનીવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે વિરોધ પક્ષમાં રહેવાથી પોતાના મતવિસ્તારો માટે વિકાસનિધિ અને વહીવટી મંજૂરીઓ મેળવવી સતત મુશ્કેલ બની રહી છે. જયંત પાટીલે તાજેતરમાં પક્ષના ધારાસભ્યોને પણ આ જ વાત કહી હતી અને જણાવ્યું હતું કે ધારાસભ્યોનો એક મોટો વર્ગ એનડીએ તરફ ઝુકાવ ધરાવે છે. જોકે શરદ પવાર અત્યાર સુધી આ મુદ્દે મૌન રહ્યા છે અને પક્ષની આગામી વ્યૂહરચના અંગે જાહેરમાં કોઈ સંકેત આપ્યો નથી.






