વિદ્યાર્થીઓ સાથે દુશ્મન જેવો વ્યવહાર, ક્રૂરતાની હદ પાર: સોનિયા ગાંધીનો આક્ષેપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંસદીય દળ (CPP)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થી આંદોલનોને લઈને તીવ્ર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેશભરના વિદ્યાર્થીઓ સરકાર પાસે જવાબદારી અને શિક્ષણ સુધારાની માગ કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ “કાયરતા અને બિનજરૂરી ક્રૂરતા”થી આપ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ સાથે એવો વ્યવહાર કરી રહી છે જાણે તેઓ દેશનું ભવિષ્ય નહીં, પરંતુ રાષ્ટ્રના દુશ્મન હોય. તેમણે લખ્યું હતું કે વિદ્યાર્થીઓની સાથે ઊભા રહેવું અને તેમના ભવિષ્યનું રક્ષણ કરવું નૈતિક, રાજકીય અને બંધારણીય જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓમાં માત્ર નિરાશા પેદા કરી રહી છે અને સરકારની અહંકારી તથા જવાબદારીથી બચવાની કાર્યશૈલીએ વિદ્યાર્થી આંદોલનોને જન્મ આપ્યો છે.

વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે ટીકા

તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી આ સરકાર માટે નવી વાત નથી. તેમણે કહ્યું હતું કે 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC)ના વિરોધ દરમિયાન પણ યુનિવર્સિટી કેમ્પસોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ આવી જ કાર્યવાહી કરી હતી. એ ઉપરાંત મહિલા પહેલવાનોના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની પણ તેમણે નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી દેશભરમાં પરીક્ષાના પેપર લીક અને ઊતરતી શિક્ષણ વ્યવસ્થા વિરુદ્ધ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શન વધી રહ્યા છે. તેમની માગ માત્ર એટલી જ હતી કે કેન્દ્ર સરકાર જવાબદારી નક્કી કરે અને શિક્ષણ સુધારાઓ અમલમાં મૂકે.

20 જુલાઈની કાર્યવાહી ‘કલંકિત દિવસ’

તેમણે 20 જુલાઈ, 2026ને “કલંકિત દિવસ” ગણાવતાં કહ્યું હતું કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)એ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શનને લાઠીચાર્જ અને આંસુ ગેસ દ્વારા દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

સરકાર સંવાદ નહીં, દમનનો માર્ગ પસંદ કરે છે

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર દરેક વખતે વાતચીતની જગ્યાએ દમનનો માર્ગ પસંદ કરે છે. ખેડૂતોમાંથી લઈને સામાજિક કાર્યકરો સુધી, સરકાર વિરોધના દરેક અવાજને દબાવવાનો પ્રયાસ કરતી રહી છે.