JN.1: ખાનગી હોસ્પિટલો કોવિડ-19 રસી ખરીદતા અચકાય છે

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ JN.1 ના કેસ વધી રહ્યા છે તે છતાં અગ્રગણ્ય ખાનગી હોસ્પિટલોએ વેક્સિન ખરીદી મામલે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. એક અહેવાલ મુજબ, મુખ્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના-પ્રતિરોધક રસીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે તે છતાં નવી રસી ખરીદતા આ હોસ્પિટલો ખંચકાય છે.

આ હોસ્પિટલોનું કહેવું છે કે હાલનો વેરિઅન્ટ પ્રકારમાં હળવો છે. એને કારણે બહુ ઓછી સંખ્યામાં લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર પડે છે. તેમજ આ રોગની તીવ્રતા પણ ઓછી છે. તેથી હોસ્પિટલોએ રસીનો સ્ટોક ખરીદવામાં ઉતાવળ કરવાને બદલે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવાનું પસંદ કર્યું છે. નવા વેરિઅન્ટના ફેલાવાના મામલે અને રસીકરણની રણનીતિના મામલે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરે એની આ હોસ્પિટલો રાહ જુએ છે. આ હોસ્પિટલોનું કહેવું છે કે તેમણે 2021 પછી કોરોના રસીની નવી ખરીદી કરી નથી. આનું કારણ એ છે કે તે પછી દર મહિને રસી લેવા આવતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.