અમેરિકાના ઈરાન પર ફરી હવાઈ હુમલા અને દરિયાઈ નાકાબંધી

વોશિંગ્ટન/તેહરાન: બુધવારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા નવા હવાઈ હુમલા અને ફરીથી લાગુ કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધી (Naval Blockade)ને કારણે યુએસ-ઈરાન સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય, તો આગામી સમયમાં અમેરિકી સૈન્ય ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ (પૂલ)ને નિશાન બનાવશે. જૂન મહિનામાં બંને દેશો વચ્ચે થયેલી નાજુક સમજૂતી (MoU) તૂટી જતાં ખાડી વિસ્તારમાં સૈન્ય તણાવ અચાનક વધી ગયો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે ગયા મહિને હટાવવામાં આવેલી દરિયાઈ નાકાબંધી ઈરાની બંદરો પર ફરીથી લાગુ કરી દેવામાં આવી છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે,

“હું ઊર્જા (એનર્જી)ના લક્ષ્યાંકોને છેલ્લે રાખીશ. પરંતુ અંતે અમે તેના પર પણ હુમલો તો કરીશું. જો તેઓ ટેબલ પર આવીને ચર્ચા નહીં કરે, તો આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ્સ અને બ્રિજનો વારો આવશે.”

અમેરિકાનું વધતું સૈન્ય દબાણ

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની અંદર આવેલા સૈન્ય ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા છે. અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનનો હેતુ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) માંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નષ્ટ કરવાનો છે. આ પહેલાં પણ અમેરિકાએ ઈરાનના મિસાઈલ સાઈટ્સ, ડ્રોન સેન્ટર્સ અને કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમ પર મોટો હુમલો કર્યો હતો.

નવી દરિયાઈ નાકાબંધી જીએમટી (GMT) સમય મુજબ રાત્રે ૨૦:૦૦ વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાની જહાજો સિવાય આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રહેશે. હાલમાં આ વિસ્તારમાં ૨૦થી વધુ અમેરિકી યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો તૈનાત છે.

ઈરાનનો વળતો પ્રહાર અને વાટાઘાટોનો ઈનકાર

અમેરિકાના દબાણ સામે ઝૂકવાને બદલે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સૈન્યે જોર્ડનમાં આવેલા અમેરિકાના ‘અઝરાક એર બેઝ’ પર ડ્રોન હુમલા કર્યા છે. આ ઉપરાંત ઈરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ બહેરીન અને કુવૈતમાં આવેલા હથિયારોના ગોડાઉનો પર પણ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. ઈરાને ફરી એકવાર હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી છે.

ઈરાનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે,

“જો અમેરિકા એમ વિચારતું હોય કે સૈન્ય કાર્યવાહી અને આર્થિક નાકાબંધી કરીને તે અમને વાટાઘાટોની ટેબલ પર લાવશે, તો તે તેની મોટી ભૂલ છે. અમે કોઈ લશ્કરી ધમકી કે આર્થિક દબાણ હેઠળ ચર્ચા નહીં કરીએ.”

તેલ અને વૈશ્વિક શિપિંગ સંકટમાં

આ યુદ્ધની સૌથી મોટી અસર વૈશ્વિક તેલ પુરવઠા પર પડી શકે છે, કારણ કે દુનિયાનો લગભગ પાંચમો ભાગ (૨૦%) તેલ અને ગેસ પુરવઠો આ જ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના ચીફ એડમિરલ બ્રેડ કૂપરે આક્ષેપ કર્યો છે કે ઈરાને છેલ્લા ૭ દિવસમાં ૭ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં ૧૨ જેટલા નાગરિક ક્રૂ મેમ્બર્સના મોત થયા છે અથવા તેઓ ઘાયલ-લાપતા છે.

દરમિયાન, ટ્રમ્પે અગાઉ સૂચવેલી ૨૦% ટ્રાન્ઝિટ ફીની દરખાસ્ત પડતી મૂકી છે અને જણાવ્યું છે કે ખાડીના દેશોએ અમેરિકામાં મોટા રોકાણની ખાતરી આપી છે.

શિપિંગ નેટવર્ક પર નવા કડક આર્થિક પ્રતિબંધો

સૈન્ય કાર્યવાહીની સાથે અમેરિકાએ ઈરાન પર આર્થિક સકંજો પણ મજબૂત કર્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મોહમ્મદ હુસૈન શામખાની સાથે જોડાયેલા એક મોટા શિપિંગ નેટવર્ક પર પ્રતિબંધો લાદ્યા છે, જે ઈરાનને ગેરકાયદેસર રીતે તેલ નિકાસ કરવામાં મદદ કરતું હતું.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, આ નેટવર્ક સાથે જોડાયેલી ૨૦૦થી વધુ વ્યક્તિઓ, કંપનીઓ અને જહાજોની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી છે જેથી ઈરાનને મળતું આર્થિક ભંડોળ અટકાવી શકાય. અમેરિકાના આ આકરા પગલાં બાદ ખાડી દેશોમાં ભારે તણાવની સ્થિતિ છે અને વૈશ્વિક ઉર્જા માર્ગોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.