ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ, 100% પ્લેસમેન્ટ

આણંદ: ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી એવી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી (TSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ મંગળવારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટીની ફાઉન્ડેશનલ સ્કૂલ બનેલી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)ના એમ.બી.એ. (રુરલ મેનેજમેન્ટ) અભ્યાસક્રમના 302 વિદ્યાર્થીઓ અને બે પીએચડી સ્કોલર સહિત કુલ 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારત સરકારના સહકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ મુખ્ય અતિથિ તરીકે અને ગુજરાત સરકારના સહકાર તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સહકારી ક્ષેત્રમાં યુવાનો માટે મોટી તકો: કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ

દીક્ષાંત પ્રવચન આપતા કેન્દ્રીય મંત્રી શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે,

“કૃષિ, ડેરી, બેંકિંગ અને મત્સ્યોદ્યોગ જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા સુધારાઓને કારણે સહકારી ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આવા સમયમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત મેનેજરોની માંગ ખૂબ વધી છે. ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી આગામી પેઢીના લીડર્સ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. યુનિવર્સિટીની પ્રથમ બેચનું જ ૧૦૦% પ્લેસમેન્ટ થયું છે તે જાણીને મને ખૂબ આનંદ થાય છે.”જીતુ વાઘાણીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતે સહકારી ચળવળ દ્વારા લોકોના જીવન બદલવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને વિદ્યાર્થીઓએ ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનના વિઝનને આગળ ધપાવવું જોઈએ.

પ્લેસમેન્ટમાં નવો રેકોર્ડ: ₹40.68 લાખનું સર્વોચ્ચ ઇન્ટરનેશનલ પેકેજ

આ પ્રથમ બેચના પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે:

  • 100% પ્લેસમેન્ટ: કુલ 135 સંસ્થાઓ અને કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 83 રિક્રુટર્સે 383 ઑફર્સ અને 13 પ્રી-પ્લેસમેન્ટ ઑફર્સ આપી હતી.

  • સરેરાશ પેકેજ: વાર્ષિક સરેરાશ મહેનતાણું ₹16.34 લાખ રહ્યું, જે અગાઉના વર્ષ કરતાં 3.94% વધુ છે.

  • સર્વોચ્ચ પેકેજ: આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ માટે વાર્ષિક ₹40.68 લાખનું સૌથી મોટું પેકેજ મળ્યું, જે ગયા વર્ષ કરતાં 27.76% વધુ છે.

  • ટોપ 10% વિદ્યાર્થીઓ: આ વર્ગના વિદ્યાર્થીઓને સરેરાશ ₹28.01 લાખનું પેકેજ મળ્યું છે.

  • સહકારી ક્ષેત્રનો ફાળો: કુલ પ્લેસમેન્ટના 24.32% એટલે કે 72 ઑફર્સ સહકારી ક્ષેત્રમાંથી મળી હતી, જેમાં સરેરાશ ₹15.54 લાખનું પેકેજ આપવામાં આવ્યું હતું.

મુખ્ય રિક્રુટર્સ: જીસીએમએમએફ-અમૂલ, આઇસીઆઇસીઆઈ બેંક, મધર ડેરી, કોરોમંડલ ઇન્ટરનેશનલ, એનડીડીબી ડેરી સર્વિસિઝ, આઇડીબીઆઈ બેંક અને એનસીડીસી ઉપરાંત નેશનલ કૉઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ જેવી નવી સંસ્થાઓએ પણ કેમ્પસ પ્લેસમેન્ટ કર્યું હતું.

તેજસ્વી વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલથી સન્માન

શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ સમારોહમાં નીચે મુજબના એવોર્ડ એનાયત કરાયા:

  1. નલ્લા સેનાપથી વી: એમબીએ (રુરલ મેનેજમેન્ટ)માં સર્વોચ્ચ સન્માન માટે કુચિભોટલા વસંતી ગોલ્ડ મેડલ.

  2. નરસિંહ: ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા માટે પ્રો. શિલાદિત્ય રૉય મેમોરિયલ એવોર્ડ.

  3. રણજિત કુમાર એસ: ઓપરેશન્સ મેનેજમેન્ટ માટે પ્રો. મોનાર્ક બાગ મેમોરિયલ એવોર્ડ.

  4. અથર્વ ગુંદાવર અને લાલવાણી: બે મહિનાના વિલેજ ફીલ્ડવર્ક દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય માટે સંયુક્ત રીતે બેસ્ટ વિલેજ ફીલ્ડવર્ક સેગમેન્ટ એવોર્ડ.

યુનિવર્સિટીની પ્રગતિ અને ભવિષ્યનું વિઝન

વાઇસ ચાન્સેલર ડૉ. જે. એમ. વ્યાસે યુનિવર્સિટીના પ્રથમ વર્ષના અહેવાલ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં સંસદીય અધિનિયમ હેઠળ સ્થાપિત આ યુનિવર્સિટીએ ટૂંકા ગાળામાં મોટી પ્રગતિ કરી છે. યુનિવર્સિટીએ 32 મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 875 લોકોને તાલીમ આપી છે. હાલમાં યુનિવર્સિટી રુરલ મેનેજમેન્ટ સહિત 4 એમબીએ કોર્સ ચલાવે છે અને ગુજરાત ઉપરાંત કર્ણાટક અને ઓડિશામાં પણ પોતાના કેમ્પસનો વિસ્તાર કરી રહી છે. વધુમાં, ટીએસયુ-ઇરમા કેમ્પસમાં નવા એકેડેમિક કૉમ્પ્લેક્સનું નિર્માણકાર્ય પણ શરૂ કરી દેવાયું છે.