FIFA વર્લ્ડ કપમાં સ્પેન ફાઇનલમાં પહોંચ્યું, ફ્રાન્સને 2-0થી હરાવ્યું

અમેરિકા: ફિફા વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનની ટીમે દમદાર પ્રદર્શન કરીને ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમને 2-0 થી પરાજય આપ્યો. આ જીત સાથે સ્પેને ફાઇનલમાં પ્રવેશ લીધો છે. ડલાસમાં રમાયેલી આ રોમાંચક મેચમાં સ્પેને શરૂઆતથી જ મેચ પર પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો હતો અને બંને હાફમાં 1-1 ગોલ કરીને ફ્રાન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

પેનલ્ટી દ્વારા પ્રથમ લીડ
મેચની 22મી મિનિટે સ્પેનને પ્રથમ સફળતા મળી હતી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ સ્પેનના લામિન યમાલ પર ફાઉલ કર્યો. જેના કારણે રેફરીએ સ્પેનને પેનલ્ટી એનાયત કરી હતી. મિકેલ ઓયાર્જાબેલે આ પેનલ્ટીને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને સ્પેનને 1-0 ની લીડ અપાવી દીધી હતી. ઓયાર્જાબેલનો આ ટૂર્નામેન્ટમાં આ 5મો ગોલ હતો. ફર્સ્ટ હાફના અંત સુધી સ્પેને આ લીડ જાળવી રાખી હતી.

બીજા હાફમાં જીત પાકી કરી
બીજા હાફમાં ફ્રાન્સની ટીમ વાપસી કરશે તેવી આશા હતી. પરંતુ 58મી મિનિટે સ્પેને વધુ એક શાનદાર મૂવ બનાવ્યો હતો. ડેનિયલ ઓલ્મોના ક્લાસિક પાસ પર પેડ્રો પોરોએ શાંતિપૂર્વક શાનદાર ગોલ દાગીને સ્પેનની લીડ 2-0 કરી દીધી હતી. આ ગોલ બાદ ફ્રાન્સે વાપસી માટે આકાશ-પાતાળ એક કર્યા પરંતુ સ્પેનના લોખંડી ડિફેન્સ લાઇન સામે કિલિયન એમ્બાપ્પેના આક્રમણની એક પણ ન ચાલી.

માત્ર 1 ગોલ ખાવાનો રેકોર્ડ
યુરોપીયન ચેમ્પિયન સ્પેનની ટીમ છેલ્લા 37 મેચોથી અજેય છે. ચાલુ વર્લ્ડ કપની વાત કરીએ તો સ્પેને રમેલા 7 મેચોમાં વિરોધી ટીમોને માત્ર 1 જ ગોલ કરવા દીધો છે. વર્ષ 2018ની ચેમ્પિયન અને 2022ની રનર્સ-અપ રહેલી ફ્રાન્સની ટીમ, જેણે સેમિફાઇનલ સુધી 6 મેચમાં 16 ગોલ ફટકાર્યા હતા, તે સ્પેન સામે તદ્દન ફ્લોપ સાબિત થઈ હતી.

ટાઇટલ જીતથી માત્ર એક કદમ દૂર
વર્ષ 2010માં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતનારી સ્પેનિશ ટીમ હવે ઇતિહાસમાં બીજી વખત ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. હવે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે 20 જુલાઈએ યોજાનારી ફાઇનલ મેચમાં સ્પેનનો સામનો આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે 16 જુલાઈએ રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.