Home Blog Page 215

‘ત્રિમૂર્તિ’ માં એક હીરો બદલવો પડ્યો હતો

નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈએ 1995માં મુકુલ એસ. આનંદના નિર્દેશનમાં ફિલ્મ ‘Trimurti’ શરૂ કરી હતી, જેમાં મુખ્ય ભૂમિકાઓ માટે શાહરૂખ ખાન, જેકી શ્રોફ અને સંજય દત્તની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા ત્રણ ભાઈઓની હતી, જેને અનીસ બઝમી અને સચિન ભૌમિક જેવા પ્રતિષ્ઠિત લેખકોએ લખી હતી.

સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ તમામને વિશ્વાસ હતો કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. સુભાષ ઘઈ મલ્ટીસ્ટારર ફિલ્મમાં વિલનને અલગ અને અસરકારક રાખવામાં માનતા હતા, તેથી તેમણે મોહન અગાશેને પસંદ કર્યા હતા.

શૂટિંગ દરમિયાન સંજય દત્તને કોર્ટમાં હાજરી આપવા જતાં ધરપકડ કરવામાં આવી, જેના કારણે ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. જેલમાંથી સંજય દત્તે સુભાષ ઘઈને પત્ર લખીને વિનંતી કરી કે તેઓ તેમના સ્થાને બીજા કલાકારને લઈ લે જેથી પ્રોજેક્ટ મોડું ન પડે. સુભાષ ઘઈએ મુકુલ આનંદને અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવા સૂચન કર્યું, પરંતુ તે સમયે અમિતાભ વિરામ પર હોવાથી તેમણે ઓફર સ્વીકારી નહોતી.

આ ઘટનાથી થયેલા આર્થિક અને સમયના નુકસાનને ધ્યાનમાં રાખીને સુભાષ ઘઈએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ ઇન્સ્યોરન્સ લેવાની પ્રથા શરૂ કરી અને તેમની કંપનીએ સૌથી પહેલા ફિલ્મનો વીમો લીધો.

તે સમયે શાહરૂખ ખાન ઉદય પામતો સિતારો હતો અને તેના કામ પ્રત્યેના સમર્પણથી સુભાષ ઘઈ ખૂબ પ્રભાવિત થયા હતા. 80 દિવસમાં પૂરું થવાનું શૂટિંગ લગભગ ૨૦૦ દિવસ સુધી ચાલ્યું હોવા છતાં શાહરૂખે ક્યારેય સમય આપવા અંગે આનાકાની કરી નહોતી. બાદમાં સુભાષ ઘઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શાહરૂખનો વિશ્વાસ હતો કે ‘Trimurti’ મોટી હિટ સાબિત થશે અને ‘Pardes’ ફ્લોપ જશે, પરંતુ પરિણામ સાવ ઉલટું આવ્યું—‘Trimurti’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને ‘Pardes’ બ્લોકબસ્ટર હિટ બની. ઘઈના મત મુજબ ફિલ્મની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ હતું કે મુકુલ આનંદે ટેકનિકલ પાસાં પર વધુ ભાર મૂક્યો અને વાર્તા પછાત રહી ગઈ.

‘કભી કભી’ જ રચાતી હોય છે સેલ્યુલોઈડ પર કવિતા

એમ કહેવાય છે કે રાગ રસોઈ ને પાઘડી બનતાં બની જાય. ડિરેક્ટર યશ ચોપરાની ફિલ્મોગ્રાફીમાં ‘કભી કભી’ પણ બનતાં બની ગયેલી ફિલ્મ છે. બે દાયકા કરતાં લાંબા સમયકાળમાં વિસ્તરેલી કથાવાળી આ પ્રેમકથા એક પેઢીથી બીજી પેઢી સુધી વહેતો લાગણીનો પ્રવાસ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન-રાખી ગુલઝાર-શશી કપૂર-વહિદા રેહમાન-રિશી કપૂર-નીતુસિંહ જેવા કલાકારો છે.

આ ફિલ્મને આજે પણ એની ઋજુ પ્રણયકથા, પરફેક્ટ કાસ્ટિંગ, સશક્ત અભિનય, દર્જેદાર ડિરેક્શન હૃદયસ્પર્શી કવિતાઓ અને સંગીત માટે યાદ કરવામાં આવે છે, પરંતુ આ બધા ઉપરાંત આ ફિલ્મ યાદ રહેશે બચ્ચન સાહેબને એન્ગ્રી યંગ મેનની ઈમેજમાંથી બહાર કાઢીને સંવેદનશીલ પ્રેમી-કવિ તરીકે ફરીથી જન્મ આપવા માટે. એકતરફી પ્રેમ, ત્યાગ અને લગ્નની ગૂંચવણભરી લાગણી પર આધારિત આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ ત્યારે એણે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

તે વખતે ફિલ્મો દેશભરમાં એકસાથે રિલીઝ થતી નહોતી, પણ સમયાંતરે અમુક શહેરોમાં થતી. એ ક્રમે ‘કભી કભી’ 26 ફેબ્રુઆરીએ મુંબઈના મેટ્રો થિએટરમાં રિલીઝ થયેલી… આ સીમાચીહ્ન રૂપ ફિલ્મની રિલીઝને પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એના નિર્માણ વિશેની કેટલીક રસપ્રદ વાતો મમળાવીએઃ

* ફિલ્મનો કથાવિચાર યશ ચોપરાને પ્રસિદ્ધ શાયર સાહિર લુધિયાણવીની કવિતા (“કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ”) વાંચતાં આવ્યો હતો. શરૂઆતમાં ફિલ્મ અમિત (અમિતાભ બચ્ચન) પૂજા (રાખી), વિજય (શશી કપૂર) અને અંજલિ (વહિદા રેહમાન)ની હતી, પરંતુ યશજીનાં પત્ની અને ફિલ્મનાં લેખિકા પામેલા ચોપરાએ એક મેગેઝિનમાં દત્તક સંતાનને મળતી માતા વિશેનો લેખ વાંચીને સબ-પ્લોટ ઉમેરવાનું સૂચન કર્યું. મને હંમેશાં લાગ્યું છે કે આ સબ-પ્લોટે અને સાગર સરહદીના સંવાદોએ ફિલ્મને ઊંડાણ આપ્યું.

 * શીર્ષક ગીતનાં બે વર્ઝન હતાં. એક રોમેન્ટિક, જે અમિત ગાય છે, જ્યારે બન્ને ગળાડૂબ પ્રેમમાં હતાં. બીજું વર્ઝન પૂજાનાં વિજય સાથેનાં લગ્ન બાદ અમિતના ભાંગેલા હૃદયમાંથી નીકળેલો કરુણ સ્વર. રસપ્રદ વાત એ કે સાહિર સાહેબે પહેલા દુઃખભર્યું વર્ઝન લખ્યું; પછી ખાસ ફિલ્મ માટે રોમેન્ટિક આવૃત્તિ રચી. આ વાત સાંભળીને સમજાય છે કે સાહિરની કલમે દુઃખને કેટલી ઊંડાઈથી અનુભવ્યું હશે.

* યશ ચોપરા ‘દાગ’ બનાવી રહ્યા હતા ત્યારે એમને ‘કભી કભી’ બનાવવાનો વિચાર આવેલો. ‘દાગ’ની હીરોઈન રાખીએ કભી કભીમાં કામ કરવાની હા પાડેલી. પરંતુ શૂટિંગ શરૂ થાય તે એમનાં ગુલઝાર સાથે લગ્ન થઈ ગયાં. ગુલઝારની ઈચ્છા હતી રાખી ફિલ્મોમાંથી નિવૃત્તિ લે. પરંતુ યશ ચોપરાએ એમને મનાવી લીધા. આ ઘટના ફિલ્મી દુનિયાની પાર્શ્વકથા જેટલી જ રસપ્રદ છે, નહીં?

(AI-સર્જિત તસવીર માત્ર પ્રતીકાત્મક હેતુસર)

* સંગીત માટે યશ ચોપરાની પસંદગી લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. કેમ ભલા, સાહિર સાહેબ અને એલ.પી.એ મળીને યશ ચોપરાની જ પ્રણયકથા ‘દાગ’નાં દિલડોલ ગીત-સંગીત તૈયાર કરેલાં, પરંતુ કોણ જાણે કેમ, સાહિર લુધિયાણવીને ઊંડે ઊંડે શંકા હતી કે એલ.પી. એમની કવિતાને ન્યાય નહીં આપી શકે. અંતે ખય્યામે સંગીત આપ્યું… બાય ગૉડ, અને શું સંગીત આપ્યું.

* શૂટિંગ શરૂ થયું ત્યારે આખો બચ્ચનપરિવાર કશ્મીરમાં રજા માણી રહ્યો હતો. યશ ચોપરાએ પરિવારને નાની નાની ભૂમિકા ભજવવા મનાવી લીધા. ડૉ. હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન વિજય-પૂજાનાં લગ્નવાળા દૃશ્યમાં દેખાય છે, જ્યારે અજિતાભ બચ્ચન વિજયના (શશી કપૂરના) મિત્ર તરીકે. આવી નાની-નાની વાતો ફિલ્મને વધુ ખાસ બનાવી દે છે.

* આ એકમાત્ર ફિલ્મ છે, જેમાં શશી કપૂર ભત્રીજા રિશી કપૂરના પિતા બન્યા.

* આ પહેલાં અમિતાભ બચ્ચન ‘ઝંજીર,’ ‘દીવાર’ અને ‘શોલે’ જેવી ફિલ્મમાં રિવેન્જ લેનારા એન્ગ્રી યંગ મેન હતા. કભી કભીમાં એ ફરીથી રોમેન્ટિક હીરો તરીકે આવ્યા…

* રિશી કપૂરની હીરોઈન પહેલાં પરવીન બાબી હતી, પરંતુ અચાનક નીતુસિંહ આવી ગઈ. હકીકતમાં રિશી કપૂરે ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધેલી કેમ કે, એમની ડાયરી ભરચક્ક હતી, એમની પાસે ટાઈમ જ નહોતો, પણ કાકા શશી કપૂરે કોઈ વચલો માર્ગ કાઢી એમને મનાવી લીધેલા.

* ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રિશી-નીતુ પ્રેમમાં પડ્યાં. કશ્મીરમાં શૂટિંગ પૂરુ કરીને રિશી તરત ‘બારુદ’ના શૂટિંગ માટે પેરિસ ગયા. ત્યાંથી તેમણે નીતુને ટેલિગ્રામ મોકલ્યો (સ્માર્ટ ફોનમાં મેસેજિંગ ઍપ છે તે ટેલિગ્રામ નહીં, પણ ખરેખરો પોસ્ટ દ્વારા પાઠવવામાં આવતો ટેલિગ્રામ અથવા તાર.). તારમાં લખેલું કે, “યે સિખની બડી યાદ આતી હૈ.” રાજીની રેડ થયેલી નીતુએ આ ટેલિગ્રામ યશ અને પામેલા ચોપરાને બતાવેલો.

*  સાચે જ ‘કભી કભી’ માત્ર એક ફિલ્મ નથી, પણ કવિતા-સંગીત-પ્રેમની અવિસ્મરણીય અનુભૂમતિ છે અને મારી દ્રષ્ટિએ, જ્યારે પણ હિન્દી સિનેમાની સૌથી કાવ્યાત્મક ફિલ્મોની યાદી બનશે, ‘કભી કભી’ મોખરે હશે.

* ‘કભી કભી’ રિલીઝના એક મહિના પહેલાં રાજકુમાર કોહલી નિર્મિત-દિગ્દર્શિત ‘નાગિન’ આવી. તે પછી, ફેબ્રુઆરીમાં જ આવી સુભાષ ઘાઈ દિગ્દર્શિત ‘કાલીચરણ.’ બન્ને સુપરહિટ. આવા ટાઈમમાં ઋજુ પ્રણયકથા, અને બે પેઢીની વાર્તા ફિલ્મરસિકો સ્વીકારશે કે કેમ? એવી શંકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતા સેવી રહ્યા હતા, પરંતુ ‘કભી કભી’નાં ગીતોએ બાજી પલટી નાખીઃ *કભી કભી મેરે દિલ મેં…* મૈં પલ દો પલ કા શાયર… *તેરે ચેહરે સે નજર નહીં હટતી… *તેરા ફૂલોં જૈસા રંગ… *મેરે ઘર આયી એક નન્હી પરી… જેવાં ગીતોની રેકર્ડ ધૂમ વેચાઈ, ‘બિનાકા ગીતમાલા’માં ‘કભી કભી મેરે દિલ મેં’ની બોલબાલા હતી, અને થિયેટરોમાં પ્રેક્ષકોની ભીડ સતત વધતી ગઈ.

-અને સાચુંખોટું તો સાહિર સાહેબ અને ખૈય્યામ સાહેબ જાણે, પણ કહેવાય છે કે “કભી કભી મેરે દિલ મેં…” સોંગ 1950ના દાયકામાં ચેતન આનંદ દિગ્દર્શિત ફિલ્મ ‘કાફિર’ માટે ખય્યામ સાહેબે કમ્પોઝ કરેલું, પણ  ફિલ્મ બની જ નહીં એટલે એ ધૂન ‘કભી કભી’ માટે વાપરવામાં આવી.

ઇરાને એકસાથે આઠ દેશો પર કર્યો હુમલો

તહેરાન: ઇરાન પર થયેલા હુમલાની જ્વાળાઓમાં હવે આખું મધ્ય-પૂર્વ સળગી રહ્યું છે. ઇઝરાયલ અને અમેરિકાના ‘ઓપરેશન રોરિંગ લાયન’ના જવાબમાં ઇરાને એ પગલું ભર્યું છે, જેને કારણે વિશ્વમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઇરાને હવે આ યુદ્ધની આગ આખા ખાડી ક્ષેત્રમાં ફેલાવી દીધી છે. અહેવાલો અનુસાર ઇરાને પાડોશી દેશો UAE અને બહેરીન પર પણ મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલો સીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે પ્રતિષ્ઠા પર પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં તેમણે ખાડી દેશોને સુરક્ષાની ખાતરી આપી હતી. હવે આ લડાઈ માત્ર બે દેશો વચ્ચેની નથી રહી, પરંતુ આખા મધ્ય-પૂર્વને ભસ્મિભૂત કરી શકે તેવા મહાયુદ્ધમાં ફેરવાઈ રહી છે.

ટ્રમ્પની પ્રતિષ્ઠા પર ઇરાનનો મોટો પ્રહાર

UAE, બહેરીન, કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરેબિયા, જોર્ડન અને ઇરાકમાં અમેરિકાના મોટા સૈન્ય ઠેકાણાં છે. ઇરાને પહેલેથી જ ચેતવણી આપી હતી કે જો તેની જમીન પર હુમલો થશે, તો તે એ દેશોને પણ નહીં છોડે જેમણે અમેરિકાને પોતાના દેશમાં સૈન્ય મથકો આપ્યાં છે. દુબઈ અને મનામા (બહેરિન)ના બાહ્ય વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા છે. જોકે આ દેશોના પેટ્રિયટ જેવી એર ડિફેન્સ સિસ્ટમોએ ઘણી મિસાઇલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હોવાનું કહેવામાં આવે છે, છતાં આ હુમલાઓએ રોકાણકારો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. ઇરાને સ્પષ્ટ કહ્યું છે કે આ યુદ્ધની કોઈ સીમા નહીં હોય અને તેનો જવાબ લાંબા સમય સુધી ચાલશે.

ટ્રમ્પ અને નેતાન્યાહુની ચેતવણી

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની કડક નીતિને કારણે ઇરાન ભયભીત છે, પરંતુ આ જવાબી હુમલાએ બતાવી દીધું છે કે ઇરાન ‘આરપાર’ની લડાઈ માટે તૈયાર છે. ઇરાનના ચાબહાર શહેર પર થયેલા હુમલાઓ બાદ ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ઇરાનમાં સત્તા પલટાવીને જ શાંતિ માનશે. ટ્રમ્પે પણ ચેતવણી આપતાં કહ્યું છે કે ‘સમર્પણ કરો નહીં તો પરિણામો ભોગવો.’

મુંબઈ: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રિદિવસીય `મુંબઈ સાહિત્યોત્સવ’ યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર પુસ્તક પ્રકાશન વૈવિધ્યસભર કાર્યક્રમોના આયોજન દ્વારા સાહિત્યના સંવર્ધનનું પરિણામલક્ષી કાર્ય કરે છે. તાજેતરમાં જ વિવિધ જિલ્લાઓમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં 575 (પાંચસો પંચોતેર)થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉપરાંત ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા મુંબઈમાં પણ અકાદમી સમયાંતરે કાર્યક્રમો યોજે છે.

આ વર્ષે `મુંબઈ સાહિત્યોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમનો ગત વર્ષે શુભારંભ થયો હતો. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સંયુક્ત ઉપક્રમે આગામી 6થી 8 માર્ચ સુધી એસ.પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (વેસ્ટ), મુંબઈ ખાતે ત્રિદિવસીય સાહિત્યોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કુલ છ સત્રમાં 35થી વધુ સર્જક, વક્તા અને કલાકાર સહભાગી થશે.

કાર્યક્રમના પહેલા દિવસે એટલે કે 6 માર્ચ, શુક્રવારે સાંજે 6.30 વાગે ઉદ્ઘાટન સત્રમાં નાવીન્યસભર પ્રયોગો દ્વારા અકાદમીની પ્રવૃત્તિને એક નવી ઊંચાઈ આપનાર અકાદમીના અધ્યક્ષ કવિ-લેખક ડૉ. ભાગ્યેશ જ્હા સર્જનાત્મક સાહિત્ય વિશે વક્તવ્ય આપશે.અકાદમીની કાર્યપ્રણાલીને સુદૃઢ કરી આયોજનને સક્ષમ બનાવનાર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રાસંગિક ઉદબોધનમાં વિવિધ પ્રવૃત્તિનું આકલન કરાવશે. ત્યાર બાદ કવિ સંમેલન `કવિતાનો કેકારવ’ યોજાશે, જેમાં મુકેશ જોશીના સંચાલનમાં જવાહર બક્ષી, હેમેન શાહ, ગૌરાંગ ઠાકર, ઈન્તેખાબ અનસારી અને ઉત્સવ સંયોજક હિતેન આનંદપરા કાવ્યપઠન કરશે.

બીજા દિવસે એટલે કે 7 માર્ચ, શનિવારે બપોરે 3:00 થી 4: 00 દરમિયાન બીજા સત્રમાં સ્નેહલ મુઝુમદારની પરિકલ્પના અને સ્વરાંકનમાં, દીપક મહેતાના માર્ગદર્શનમાં `ગીર્વાણગિરાગરિમા’ શીર્ષક હેઠળ કવિ કાલિદાસ રચિત `શાકુંતલ’ના અંશોની સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂમાં તથા સંસ્કૃત ગઝલની સાંગીતિક પ્રસ્તુતિ રેખા ત્રિવેદી, શ્રદ્ધા શ્રીધરાણી અને સોમૈયા વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.

કાર્યક્રમના ત્રીજા દિવસે સાંજે 4.00 થી 5.00 દરમિયાન આયોજિત પરિસંવાદમાં `સાહિત્ય કઈ દિશામાં’ વિશે ડૉ. દર્શના ઓઝા, `એઆઈ અને સાહિત્ય’ વિશે ડૉ. ખેવના દેસાઈ અને `કવિતાની ગતિવિધિ’ વિશે ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે.ચોથા સત્રમાં સાંજે5.00થી 6.00 દરમિયાન `કથાકથન’ શીર્ષક હેઠળ સંજય પંડ્યાના સંચાલનનાં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત વાર્તાનાં પુસ્તકોમાંથી ચૂંટેલી વાર્તાઓનું વાચિકમ્ પ્રતાપ સચદેવ, મેહુલ બુચ અને સેજલ પોન્દા દ્વારા કરવામાં આવશે.

એક્સાઇઝ પોલિસી કેસ: CBI હાઈકોર્ટમાં પહોંચી

નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પૂર્વ દિલ્હી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને નિર્દોષ ઠેરવવાના નીચલી અદાલતના આદેશને પડકારતા દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

આ ઘટનાક્રમની પુષ્ટિ કરતાં CBIની કાનૂની ટીમે જણાવ્યું હતું કે એજન્સીએ સત્તાવાર રીતે ડિસ્ચાર્જ આદેશને પડકાર્યો છે અને તેને રદ કરવાની માગ કરી છે. જોકે એક વિશેષ અદાલતે શુક્રવારે CBI દ્વારા રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સંબંધિત નોંધાયેલા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ આદેશ રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ (પી.સી. એક્ટ) જિતેન્દ્ર સિંહે આપ્યો હતો.વિશેષ અદાલતે માન્યું હતું કે એક્સાઇઝ પોલિસીની રચનામાં કોઈ વ્યાપક ષડયંત્ર અથવા આપરાધિક ઇરાદો નહોતો અને જણાવ્યું હતું કે અભિયોજન પક્ષનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શક્યો નથી. ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે CBIએ આપરાધિક ષડયંત્રની વાર્તા ઘડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સિદ્ધાંત મજબૂત અને માન્ય પુરાવા કરતાં અનુમાનો પર આધારિત હતો.

કોર્ટે નોંધ્યું હતું કે 23માંથી કોઈ પણ આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ કેસ બનતો નથી અને તેથી તેમને નિર્દોષ ઠેરવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ આમ આદમી પાર્ટી (AAP) સરકાર દ્વારા અમલમાં મુકાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયેલો છે. CBIએ આક્ષેપ કર્યો હતો કે આ પોલિસી કેટલાક ખાનગી દારૂ લાયસન્સધારકોને લાભ પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ ફી ઘટાડવી અને નફાની મર્યાદા નક્કી કરવી જેવાં પગલાં સામેલ હતાં, જેને પરિણામે દિલ્હી સરકારને આર્થિક નુકસાન થયું હતું.

વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવવાના આદેશ સાથે નીચલી અદાલતમાં ચાલી રહેલો કેસ હાલ પૂરતો સમાપ્ત થયો છે. હવે CBIની અરજી બાદ દિલ્હી હાઈકોર્ટ આ આદેશની કાનૂની માન્યતા પર વિચારણા કરશે.

સુપ્રીમ કોર્ટના ટેરિફ નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સે, અબજો ડોલરના રિફંડનો ડર

અમેરિકામાં તાજેતરમાં આવેલ એક મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય બાદ રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. Donald Trumpએ અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા ટેરિફ સંબંધિત નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા મુજબ આ ચુકાદાના કારણે સૈંકડો અબજ ડોલર વિદેશી દેશો અને કંપનીઓને રિફંડ રૂપે પરત આપવા પડી શકે છે, જે અમેરિકાના આર્થિક હિતો માટે ગંભીર અસરકારક સાબિત થઈ શકે છે.

આ નિર્ણય Supreme Court of the United States દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં આયાત શુલ્ક સંબંધિત મુદ્દાઓ પર કાનૂની સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્રમ્પના મતે, આ ચુકાદાથી વર્ષો સુધી અમેરિકન વેપાર નીતિનો લાભ લેતી કંપનીઓને વધુ ફાયદો થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે હવે આ સંસ્થાઓ પહેલા કરતા પણ વધુ આર્થિક લાભ મેળવી શકે છે.

અદાલતોમાં ટેરિફ રિફંડ સંબંધિત કેસોની સંખ્યા વધી રહી છે, જેના કારણે વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી છે. જો મોટા પાયે રિફંડની પ્રક્રિયા શરૂ થાય તો તેની અસર અમેરિકાની વર્તમાન અને ભવિષ્યની ટ્રેડ નીતિ પર પડી શકે છે. વિશેષજ્ઞો માને છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અનેક આંતરરાષ્ટ્રીય ટ્રેડ ડીલ્સ પર ચર્ચા ચાલી રહી છે.

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સર્વોચ્ચ અદાલતનો ઉદ્દેશ અમેરિકાને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ આ નિર્ણય ખૂબ નિરાશાજનક છે. તેમના શબ્દોમાં, દાયકાઓ સુધી અમેરિકાથી અબજો ડોલર કમાવતી કંપનીઓને હવે એક અપ્રતિમ અને અયોગ્ય આર્થિક લાભ મળી શકે છે.

આ પરિસ્થિતિમાં ટ્રમ્પે ફરીથી સુનાવણી અથવા રિવ્યૂની માંગ ઉઠાવી છે. તેમણે સંકેત આપ્યો કે કાનૂની વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે જેથી અમેરિકાના આર્થિક હિતોની રક્ષા કરી શકાય. રાજકીય અને આર્થિક વિશ્લેષકો માને છે કે જો રિફંડની પ્રક્રિયા આગળ વધે તો તે ફેડરલ રેવન્યુ અને બજેટ પર પણ અસર કરી શકે છે.

આ નિર્ણયના લાંબા ગાળાના પ્રભાવોને લઈને ચર્ચા વધી રહી છે. રોકાણકારો અને કંપનીઓ નવી કાનૂની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે આયાત શુલ્કમાં ફેરફાર વૈશ્વિક સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય વેપાર સંતુલનને સીધી અસર કરે છે.

 

ઈરાનનો વળતો જવાબઃ. ઇઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઇલ દાગી

નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. હાલમાં બંને દેશો વચ્ચે ભયંકર અથડામણ ચાલી રહી છે. ઈરાને ઇઝરાયલ પર જોરદાર વળતો હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલ તરફ 70 બેલિસ્ટિક મિસાઇલો દાગી છે. ઇઝરાયલની સેના IDFએ જણાવ્યું છે કે ઈરાન તરફથી ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ થવાની ઓળખ થઈ છે અને દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ઇઝરાયલનાં જે શહેરો ઈરાની મિસાઇલોની ઝપેટમાં આવ્યાં છે, તેમાં યેરુશલેમ, હાઇફા અને શેફેલ્લાહ જેવાં શહેરો સામેલ છે. ઈરાને બીજી વખત પણ ઇઝરાયલ તરફ મિસાઇલોની એક વધુ ખેપ મોકલી છે. ઇઝરાયલ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી આ મિસાઇલોને નિષ્ફળ બનાવી રહ્યું છે.

અહેવાલ મુજબ ઉત્તર ઇઝરાયલમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. ઇઝરાયલે પોતાની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. દેશમાં રાષ્ટ્રીય ઈમરજન્સી અને વિશેષ ઇમર્જન્સી સ્થિતિ જાહેર કરવામાં આવી છે. દેશભરમાં સાયરન વાગી રહ્યા છે અને નાગરિકોને સુરક્ષિત સ્થળો (બોમ્બ શેલ્ટર) નજીક રહેવા સૂચના આપવામાં આવી છે. થોડી જ વારમાં IDFએ જણાવ્યું હતું કે ઈરાનથી ઇઝરાયલ તરફ છોડાયેલી મિસાઇલોની ઓળખ કરવામાં આવી છે. આ ખતરાને નિષ્ક્રિય કરવા માટે રક્ષણાત્મક પ્રણાલીઓ કાર્યરત છે. છેલ્લી કેટલીક મિનિટોમાં હોમ ફ્રન્ટ કમાન્ડે સંબંધિત વિસ્તારોમાં સીધા મોબાઇલ ફોન પર સાવચેતીના નિર્દેશો મોકલ્યા છે.

બીજી બાજુ, ઈરાને તાત્કાલિક અસરથી ઈમર્જન્સી જાહેર કરી છે. અમેરિકા તરફથી પણ ઈરાનને સતત ચેતવણીઓ આપવામાં આવી રહી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીના કાર્યાલયને શનિવારે નિશાન બનાવવામાં આવ્યું હતું. એક અધિકારીના હવાલે દાવો કર્યો હતો કે ખોમિની તહેરાન છોડીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હાલ ઈરાનના સર્વોચ્ચ નેતાનું ચોક્કસ સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે અને આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

25 હજાર કરોડના કૌભાંડમાં સ્વર્ગસ્થ અજિત પવાર અને ડેપ્યુટી CM સુનેત્રા પવારને ક્લીનચીટ

NCP વડા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવાર અને તેમના પત્ની, સુનેત્રા પવારને MSC બેંક કૌભાંડમાં મોટી રાહત મળી છે. કોર્ટે તેમને 25,000 કરોડના બેંક કૌભાંડમાં ક્લીનચીટ આપી દીધી છે. આ સાથે, શિખર બેંક કૌભાંડ કેસ હવે બંધ થઈ ગયો છે.

મુંબઈની એક ખાસ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (શિખર બેંક)માં કથિત 25,000 કરોડના લોન કૌભાંડમાં સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારને ક્લીનચીટ આપનાર આર્થિક ગુના શાખા (EOW) ના અહેવાલને સ્વીકારી લીધો છે. કોર્ટે ક્લોઝર રિપોર્ટને મંજૂરી આપતા કહ્યું કે, આ કેસમાં કોઈ ફોજદારી ગુનો સાબિત થયો નથી.

વિશેષ અદાલતે સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી પર આર્થિક ગુના શાખાના “સી-સારાંશ” અહેવાલને સ્વીકારી લીધો છે. આનાથી અજિત પવાર સહિત તમામ રાજકીય નેતાઓને રાહત મળી, જેઓ આ કૌભાંડમાં ફસાયેલા હતા. કોર્ટે ક્લોઝર રિપોર્ટને મંજૂરી આપતા કહ્યું કે, 25,000 કરોડના કથિત કૌભાંડમાં કોઈ ફોજદારી ગુનો સાબિત થયો નથી.

70 થી વધુ લોકોને ક્લીન ચીટ

મુંબઈની એક ખાસ અદાલતે 25000 કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (MSCB) કેસમાં આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને 70 થી વધુ લોકોને આ કેસમાં ક્લીન ચિટ આપવામાં આવી.

કોઈ ફોજદારી ગુનો બહાર આવ્યો નથી

કોર્ટે કાર્યકર અણ્ણા હજારે અને અન્ય લોકો દ્વારા દાખલ કરાયેલ વિરોધ અરજીઓ તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ હસ્તક્ષેપ અરજી ફગાવી દીધી. ખાસ ન્યાયાધીશ મહેશ જાધવે સી-સારાંશ રિપોર્ટ સ્વીકાર્યો, જેમાં જણાવાયું હતું કે સહકારી ખાંડ ફેક્ટરીઓ સાથે સંકળાયેલી કથિત લોન અને વસૂલાતની ગેરરીતિઓમાં કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી. આ આદેશે EOW ના નિષ્કર્ષને પણ સમર્થન આપ્યું કે અજિત પવાર, સુનેત્રા પવાર, તેમના સંબંધીઓ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યવહારોમાં કોઈ ફોજદારી ગુનો નથી.

ત્રણ મોટા વ્યવહારોની તપાસ

2019માં બોમ્બે હાઈકોર્ટે MSCB અને જિલ્લા સહકારી બેંકોએ બેંક અધિકારીઓ અને રાજકારણીઓ સાથે જોડાયેલા લોકોના નામે લોન ખાતા બનાવવા માટે ખાંડ ફેક્ટરીઓને વ્યાજમુક્ત લોન આપી હોવાના આરોપોના આધારે FIR નોંધવાનો આદેશ આપ્યા બાદ આ કેસ શરૂ થયો હતો. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપનીઓએ ત્યારબાદ તેમની યુનિટ સંપત્તિઓ અત્યંત ઓછી કિંમતે વેચી દીધી હતી. EOW ના 35 પાનાના ક્લોઝર રિપોર્ટમાં ત્રણ મોટા વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી અને સાતારામાં જરંદેશ્વર ખાંડ સહકારી ફેક્ટરી સહિત ખાંડ ફેક્ટરીઓના લોન મંજૂર કરવામાં અથવા વેચાણમાં કોઈ ગુનાહિત અનિયમિતતા જોવા મળી નથી.

રાજકોટમાં બે વર્ષમાં તીર્થગામ-પાવનગામ યોજનાઓ હેઠળ ૧૭ ગામો નોંધાયા

ગાંધીનગર: ગુજરાત સરકારે ગુનામુક્ત અને સામાજિક રીતે પ્રગતિશીલ ગામોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. રાજ્યના પંચાયત મંત્રી સંજયસિંહ મહિડાએ રાજ્ય વિધાનસભાને માહિતી આપી હતી કે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં ‘તીર્થગામ’ અને ‘પાવનગામ’ યોજના હેઠળ ૧૭ ગામોની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન શનિવારે એક પ્રશ્નના જવાબમાં સંજયસિંહ મહિડાએ યોજનાઓની મુખ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા, સ્થાનિક સ્તરે વિવાદોનું નિરાકરણ લાવવા અને સર્વાંગી ગ્રામીણ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર “ગ્રામીણ નાગરિકોને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે.”

માપદંડ સમજાવતા મંત્રીએ કહ્યું કે જે ગામોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અકસ્માતો સિવાય કોઈ ગુનો નોંધાયો નથી તેને ‘તીર્થગામ’ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અકસ્માતો સિવાય કોઈ ગુનો ન હોય તેવા ગામોને ‘પાવનગમ’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.વસ્વચ્છ ગુનાનો રેકોર્ડ જાળવવા ઉપરાંત, ગામોએ અસ્પૃશ્યતા નાબૂદી, 100 ટકા શાળા નોંધણી, સ્વચ્છતા જાળવણી અને દારૂબંધીના ધોરણોનું પાલન સહિતના ચોક્કસ સામાજિક માપદંડોનું પાલન કરવું આવશ્યક છે. “ગ્રામીણ વિસ્તારોમાં પરસ્પર સુમેળને પ્રોત્સાહન આપવા, ગામમાં જ વિવાદોનું નિરાકરણ થાય અને વ્યાપક વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે,” મહિડાએ ગૃહને જણાવ્યું.

તેમણે યોજનામાં 2012ના સુધારાનો પણ ઉલ્લેખ કર્યો, જે હેઠળ સામાન્ય શ્રેણીના ગામોને લાભો માટે લાયક બનવા માટે 100 માંથી ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા જરૂરી છે, જ્યારે આદિવાસી ગામોને ઓછામાં ઓછા 60 ગુણ મેળવવા આવશ્યક છે. જિલ્લા સ્તરનો ડેટા આપતા મહિડાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં, નાણાકીય વર્ષ 2023-24 માં યોજનાઓ હેઠળ છ ગામોની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે 2024-25 માં 11 ગામોની પસંદગી કરવામાં આવી હતી.

ઇઝરાયલનો ઇરાન પર હુમલોઃ તહેરાનમાં અનેક જગ્યાએ વિસ્ફોટ

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો તણાવ અચાનક શિખરે પહોંચી ગયો છે. ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. તહેરાન સહિત ઇરાનનાં અનેક શહેરોમાં વિવિધ સ્થળોએ વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા છે. ઇઝરાયલના સંરક્ષણપ્રધાન ઇઝરાયલ કાટ્ઝે દેશભરમાં તાત્કાલિક રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરી છે. આ જાહેરાત તે સમયે કરવામાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ હુમલો શરૂ કરવાની પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર તહેરાનમાં થયેલા આ અચાનક હુમલાઓમાં અમેરિકા પણ સામેલ હતું.

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇરાનની રાજધાની તહેરાનમાં અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેની પુષ્ટિ ઇરાની ટેલિવિઝન ચેનલોના સ્ત્રોતોએ પણ કરી છે. આ રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ઇઝરાયલે ડઝનો સૈન્ય ઠેકાણાં અને કેટલીક સંવેદનશીલ જગ્યાઓને નિશાન બનાવી છે.

ઇઝરાયલે ઇરાન સામે “પ્રિવેન્ટિવ એટેક” એટલે કે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇઝરાયલના સંરક્ષણપ્રધાને શનિવારે આ ઓપરેશનની પુષ્ટિ કરી હતી. એ સાથે જ ઇઝરાયલી સેનાએ પોતાના નાગરિકો માટે “પ્રોએક્ટિવ અલર્ટ” જાહેર કરીને દેશમાં સાઇરન વગાડી, જેથી સંભવિત ઇરાની મિસાઇલ હુમલાથી પહેલાં લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચી શકે.

આ વચ્ચે ઇરાનની રાજધાની તહેરાનમાં અનેક જોરદાર ધડાકાઓ થયાની માહિતી સામે આવી છે. ઇરાની મિડિયા અને સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર રાજધાનીના મધ્ય ભાગમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. જોકે ઇરાનના અધિકારીઓએ હજી સુધી સત્તાવાર રીતે ન તો હુમલાની પુષ્ટિ કરી છે અને ન  તો નુકસાન અંગે કોઈ માહિતી આપી છે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ગુરુવારે જિનિવામાં બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો થઈ હતી અને આજે વધુ એક તબક્કો યોજાવાનો પ્રસ્તાવ હતો. આ દરમિયાન થયેલી સૈન્ય કાર્યવાહીથી કૂટનીતિના પ્રયાસો પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.