Home Blog Page 2134

મોદી મતદાન કરે છે એ શાળાએ રજૂ કરી રામાયણની ઝાંખી

અમદાવાદઃ શહેરના રાણીપ નિર્ણયનગર વિસ્તારમાં આવેલું નિશાન શૈક્ષણિક સંકુલ આમ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતું છે, કારણ કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાણીપ નિર્ણયનગરના આ સંકુલમાં જ આવે છે. શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાને પણ રાણીપ વિસ્તાર અને નરેન્દ્ર મોદી સાથે અનોખું જોડાણ છે. દેશમાં જ્યારે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામની લગની લાગી છે. સૌકોઈ ઉત્સવ, મહોત્સવ, પૂજા, પાઠ, કથા , ભજન કીર્તન સાથે પોતાની આગવી કલા પ્રદર્શિત કરી રહ્યું છે. રાણીપના નિશાન શૈક્ષણિક સંકુલમાં બાળકોએ રામાયણના 17 ભાગ સુંદર રીતે તૈયાર કરી રામલલ્લાને પોતાની કૃતિ સમર્પિત કરી છે.

નિશાન શૈક્ષણિક સંકુલનાં આચાર્યા રિદ્ધિ જોશી ચિત્રલેખા.કોમને કહે છે, શ્રીરામ અને અયોધ્યા મંદિર સાથે સૌકોઈ લાગણીથી જોડાયા છે. અમારા શૈક્ષણિક સંકુલના નર્સરીથી માંડી બારમા ધોરણ સુધીનાં બાળકોએ રામાયણના જુદા-જુદા પ્રસંગોમાં ભાગ લીધો. આબેહૂબ રામાયણનાં પાત્રોની વેશભૂષા કરી અને પ્રસંગોને પ્રસ્તુત કર્યા. બાળ રામાયણ સ્વયંવર,  કોપ ભવન, રામ વનવાસ, સીતા હરણ, લંકાદહન, હનુમાન,  સંજીવની, રામસેતુ, રામ-રાવણ યુદ્ધ અને સીતાની અગ્નિ પરિક્ષા જેવા પ્રસંગ ઉત્કૃષ્ટ રીતે કર્યા છે.

રિદ્ધિબહેન કહે છે, બાળકો આવા ભવ્ય પ્રસંગ સાથે જોડાય તેમ જ રામ, અયોધ્યા અને રામાયણના પ્રસંગોથી વાકેફ થાય. આપણા પરંપરાનું જ્ઞાન મળે એ ઉદ્દેશથી અમે આ પ્રકારના કાર્યક્રમ કરીએ  છીએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

વિશ્વ ઉમિયાધામ મંદિરમાં અંખડ રામધૂનનું આયોજન

અમદાવાદઃ 500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રીરામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય ત્યારે ગુજરાત અને ભારત વર્ષ સહિત દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડી આવી ગઈ છે, જ્યારે તેમાં રામલલ્લા મંદિરમાં પ્રસ્થાપિત થાય.

જે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨-૦૧-૨૦૨૪એ ભવ્યાતિભવ્ય રીતે દેશમાં ઊજવાઈ રહ્યો છે. ત્યારે આધ્યામિક ચેતના સાથે સામાજિક અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા અખંડ રામધૂન અને રામ ભગવાનના ભજનનું આયોજન કર્યું છે.

દરેક ભજન મંડળો, ટ્રસ્ટી પરિવાર, સંગઠનના ભાઈઓ અને બહેનો અને ધર્મપ્રેમી સર્વે ભાવિક-ભક્તોને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. અખંડ રામધૂન 22 જાન્યુઆરી ૨૦૨૪ને સોમવારે સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ કલાક વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં યોજાશે. એ સાથોસાથ રામભક્તો માટે બપોરે અને સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

 

 

 

બોટ દુર્ઘટનામાં SITની રચના: એકમેક સામે દોષારોપણ

વડોદરાઃ વડોદરા હરણી લેકની બોટ દુર્ઘટનામાં ચલક ચલાણું પેલે ઘેર ભાણાની ખો અપાઈ છે. આ કેસમાં માતાપિતા સ્કૂલ સંચાલકો સામે અને સંચાલકો કોન્ટ્રેક્ટરોને દોષારોપણ કરી રહ્યા છે. બીજી બાજુ,  હાઇકોર્ટે વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે.

શહેરના હરણી તળાવમાં પલટી ખાતાં બે શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ત્રણ ડીસીપી, એક ACP, બે પીઆઈ તથા એક પીએસઆઈનો સમાવેશ થયો છે. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને SITને સોંપવામાં આવી છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 18 વ્યક્તિઓ સામ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અટકાયતની પણ કામગીરી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા આદેશ બાદ પોલીસ આ બાબતે સક્રિય થઈ છે. નાના ભૂલકાંના મોત બાદ રાજ્યભરમાં આક્રોશ છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અનેક બાળકોનાં મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીને કારણે બની છે. વડોદરા બોટ દુર્ઘટનામાં પોલીસે ગંભીર બેદરકારી દાખવી કરી છે. પોલીસની FIRમાં આરોપી બિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું સરનામું જ પોલીસ પાસે નથી અને  એક તો હયાત પણ નથી.

 

 

 

 

 

વડોદરામાં ત્રણ દાયકા પહેલાં આવી જ એક દુર્ઘટના થઈ હતી,જાણો એના વિશે..

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં શિક્ષકો અને બાળકોનું ડૂબી જવાથી મૃત્યું થયું છે. આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ થનારા બાળકોને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. ત્યારે આજે 30 વર્ષ પહેલા બનેલી આવી જ ગોઝારી ઘટના યાદ આવે છે.

જન્માષ્ટમીના દિવસે શરૂ થઈ હતી બોટ સવારી

1993માં જન્માષ્ટમીનો એ દિવસ હતો સૂરસાગર તળાવમાં પહેલીવાર બોટ શરૂ થઈ હતી. વડોદરાવાસીઓ માટે આ એક નવું નજરાણું હતું. એ સમયે 20 વ્યક્તિની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં બેસીને આનંદ કરતા લોકોને એ જરાય ખ્યાલ ન હતો કે થોડીક ક્ષણોમાં એમનો જીવ જવાનો છે. વધારે વ્યક્તિનો બોજ બોટ સહન ન કરી શકી અને સુરસાગરમાં પલટી ગઈ. એ દિવસે 17 પરિવારના 22 લોકોના મૃત્યુ થયાં હતા. એ સમય ત્રણ દાયકા પછી ફરી જાણે નજર સમક્ષ આવીનો ઉભો રહ્યો.

બેદરકારીએ લીધા જીવ

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીસ વર્ષ પહેલા બનેલી ઘટનાથી વડોદરા કોર્પોરેશને કોઈ પાઠ શીખ્યા નથી. કદાચ એના કારણે જ આજે 13 બાળકો અને બે શીક્ષકોએ જીવ ગુમાવવો પડ્યો. બંને ઘટનામાં બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવાના કારણે અને લાઈફ જેકેટની વ્યવસ્થા ન કરવાની બેદરકારી લોકોના જીવ લીધા.

વર્ષો પછી મળ્યો ન્યાય

સુત્રોના જણાવ્યા પ્રમાણે સૂરસાગર તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારે એ બોટનું સંચાલન રિપલ એક્વા સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવતું હતું. વીએમસી(વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન)એ 1992માં જ એ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ઓપરેટરે તળાવમાં આ ફેસિલિટીનો ઉપયોગ કરનારા માટે ઇન્શ્યોરન્સ પણ લીધો હતો. પરંતુ દુર્ઘટના બની ત્યારે વીમા કંપનીએ વીમો મંજૂર કરવાની મનાઈ કરી હતી. કારણ કે એ સમયે વધુમાં વધુ 20 લોકોને જ પોલિસીમાં કવર કરવામાં આવ્યા હતા. એ સમયે સમગ્ર ઘટનાની જવાબદારી લેવાના બદલે વીએમસી અને બોટ ઓપરેટરે હાથ ઉંચા કરી દીધા. જેના કારણે આખો મામલો પહેલા કન્ઝ્યુમર કોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટના દ્ધારે પહોંચ્યો હતો. આખરે ઘટનાના વર્ષો પછી 2014માં સુરસાગર તળાવની દુર્ઘટનાનો ઉંચા વળતરનો ચુકાદો આવ્યો. એ સમયે બોટની ક્ષમતા 20 લોકોની હતી જેમાં લગભગ 38 લોકો સવાર થયા હતા. બોટ પલટી જતા એ સમયે 22 લોકોનું જૂબી જવાથી મોત થયું હતું. વર્ષો સુધી લડત આપ્યા પછી વળતળના કેસમાં જીત થઈ હતી.17 વર્ષની લડત બાદ મૃતકના પરિવારજનોને વ્યાજ સાથે રૂપિયા 1.39 કરોડ ચૂકવવાનો હુકમ પાલિકાને કરાયો હતો. જે પછી વડોદરા.મ્યુ કોર્પોરેશનને વળતળ પેટેની રકમ ચૂકવી હતી. આ વખતે પણ બોટ ઓપરેટર તરફથી ગંભીર બેદરકારી થઈ છે.

ન્યાય ક્યારે મળશે..?

આ વખતે હરણી તળાવમાં પિકનિક પર ગયેલા માસુમ બાળકો બોટિંગનો આનંદ લઈ રહ્યાં હતા ત્યારે જ વધારે વજનના કારણે અચાનક બોટ પલટી ગઈ. આ બોટમાં કુલ 32 બાળકો અને 4 શિક્ષકો હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકના મૃત્યુ થયા છે. જેમાં 13 માસુમ બાળકો સહિત બે શિક્ષકો છે. હવે જોવુ એ રહ્યું કે આ વખતે તંત્ર ન્યાય કરશે કે પછી માસુમ બાળકોના સ્વજનને પણ વર્ષો સુધી ઈન્સાફ મળેવવા હવાતીયા મારવા પડશે.

US સ્થિત York IE અમદાવાદમાં વિસ્તરણ કરશે

અમદાવાદ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ હેમ્પશાયરમાં આવેલા માન્ચેસ્ટર સ્થિત સ્ટ્રેટેજિક ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ York IEએ આજે અમદાવાદમાં પોતાની ફર્મનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મનું આ પગલું ટેક્નોલોજી અને નવીનીકરણના અગ્રણી હબ બનવાની દિશામાં ગુજરાતે આરંભેલી વિકાસયાત્રામાં એક મહત્ત્વનું સીમાચિહન છે.

અમદાવાદમાં આવેલી ઓફિસ- કંપનીની પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને ડેવલપમેન્ટ સેવાઓ માટે કંપનીના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તરીકે કામ કરશે, જ્યાં કામ કરી રહેલા ખૂબ જ કુશળ કર્મચારીઓ સોફ્ટવેર એઝ એ સર્વિસ’-(SaaS) કંપનીઓને વિકસાવવા માટે સફળ ઉત્પાદનો અને વેબસાઇટ્સ તૈયાર કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આગામી પાંચ વર્ષમાં કંપની અમદાવાદની ઓફિસને 500 કર્મચારીઓની મદદથી વિવિધ વ્યાવસાયિક એકમો માટેના ગ્લોબલ એક્સેલરેશન સેન્ટરમાં ફેરવવા માગે છે અને આ વ્યાવસાયિક એકમોમાં ઉત્પાદનોનો વિકાસ કરવો, માર્કેટિંગ, નાણાકીય સંચાલનો અને રેવન્યુ સંબંધિત સંચાલનો વગેરેનો સમાવેશ થાય છે. આ કંપની ગુજરાતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોની સાથે પણ સહભાગીદારી કરવા માગે છે, જેથી કરીને ટેક્નોલોજીના ક્ષેત્રને ખૂબ જ કુશળ વ્યાવસાયિકોનો સ્થિર પ્રવાહ મળતો રહે, તેની ખાતરી કરી શકાય.  આ વિસ્તરણ અંગે ટિપ્પણી કરતાં York IE ઇન્ડિયાના હેડ કલરવ પરસાણાએ જણાવ્યું હતું કે અમારી આ મહત્ત્વાકાંક્ષી યોજના કંપનીને ટોચના પ્રોડક્ટ મેનેજર્સ અને એન્જિનિયર્સ માટેના પ્રીમિયર ડેસ્ટિનેશનની હરોળમાં લાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે કંપની ગુજરાતની ઝડપથી વધી રહેલી ક્ષમતાઓની દીવાદાંડી બની રહેશે. તે વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમમાં મહત્ત્વના પ્લેયર બનવાની રાજ્યની વિકાસયાત્રામાં લેવામાં આવેલું એક મહત્ત્વનું પગલું છે.

 

બિહારમાં નીતીશકુમાર ફરી પાલો બદલવાના મૂડમાં?

પટનાઃ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં નીતીશકુમારની પાર્ટી JDUની વાપસીના સવાલ પર કહ્યું હતું કે પ્રસ્તાવ આવ્યો તો વિચાર કરીશું. તેમના આ નિવેદન પછી બિહારમાં રાજકારણમાં રાજકીય પારો ઊંચે ચઢ્યો છે. RJD અને JDU ગઠબંધન તૂટવાની ચર્ચા તેજ થઈ ગઈ છે.

બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિંહાના નિવાસસ્થાને ભાજપના વિધાનસભ્યોની બેઠક ચાલી રહી છે તો નીતીશકુમાર પણ JDUના બધા વિધાનસભ્યો અને સાંસદોને આગામી આદેશ સુધી પટનામાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા હતા. બિહારમાં ભાજપના ગઠબંધનની સહયોગી હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ના પ્રમુખ જીતનરામ માંઝીએ X  પર પોસ્ટ કરીને બધા વિધાનસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવા માટે નિર્દેશ આપ્યા હતા. 

પટનામાં રાજકીય હલચલની વચ્ચે RJD પ્રમુખ લાલુ યાદવ પુત્ર અને ડેપ્યુટી CM તેજસ્વી યાદવની સાથે CM હાઉસ પહોંચ્યા હતા. તેમણે નીતીશકુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ બેઠકને સામાન્ય ગણાવતાં નીતીશકુમારની આગેવાનીમાં કામ કરી રહ્યાની માહિતી આપી હતી.તેમણે લાલુ અને નીતીશને એક ગણાવતાં કહ્યું હતું કે બિહારથી ભાજપ સાફ થઈ જશે. તેમણે ઓલ ઇઝ વેલનો સંદેશ આપ્યો હતો, પરંતુ આ બેઠકને RJD તરફથી ટેન્શન ઓછું કરવા માટે લેવાયેલું પગલું તરીકે જોવામાં આવે છે.

નીતીશકુમારની સરકારના મંત્રી અશોક ચૌધરીએ પટનામાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ દાવો કર્યો હતો કે અશોક ચૌધરી ભવન નિર્માણ વિભાગ તરફથી કરવામાં આવી રહેલા કાર્યની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

ભાજપના વિધાનસભ્યોની બેઠક, JDU સાંસદો-વિધાનસભ્યોને નીતીશનો આદેશ અને માંઝીનો આદેશ –ટનામાં રાજકીય ઘટનાક્રમ જોતા સવાલ થઈ રહ્યા છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનથી માંડીને 25 જાન્યુઆરીની વચ્ચે બિહારમાં મોટો રાજકીય ખેલો થશે?

 

 

 

 

 

 

NSEમાં બિન-કૃષિ ડેરિવેટિવ્ઝ ઓપ્શન્સના ટર્નઓવરમાં 1077 ટકાનો વધારો

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં ડિસેમ્બર મહિનામાં બિન-કૃષિ કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં 1077 ટકાનો વધારો થયો છે. બજારના નિયામક સેબીએ બહાર પાડેલા માસિક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સના ટર્નઓવરમાં આવેલા ઉછાળાને પગલે એનએસઈ આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે.

સેબીના જણાવ્યા પ્રમાણે એનએસઈમાં બિન-કૃષિ કોમોડિટીઝનું ટર્નઓવર મહિના પૂર્વેના રૂ. 1093 કરોડ પરથી વધીને ડિસેમ્બર, 2023માં 12,867 કરોડ થયું છે. આ ઘટના રોકાણકારોના અભિગમ અને વેપાર કરવાની પદ્ધતિમાં થયેલા પરિવર્તનને દર્શાવે છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓપ્શન્સના કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઘટના ડેરિવેટિવ્ઝ માર્કેટમાં બિન-કૃષિ ચીજોના વધી રહેલા મહત્ત્વને પણ દર્શાવે છે. રોકાણકારો પરંપરાગત કૃષિ ચીજો સિવાયનાં ક્ષેત્રોમાં પણ તકો તલાશી રહ્યા છે એનો આ પુરાવો છે. જોખમ વ્યવસ્થાપનના ક્ષેત્રે ડેરિવેટિવ્ઝ મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે એમ છે. આ ઘટનાને કારણે એક્સચેન્જીસને બિન-કૃષિ ચીજોના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ દાખલ કરવાનું ઉત્તેજન મળશે.

 

 

 

 

 

NSE પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ

મુંબઈઃ NSE ગ્રુપ (નેશનલ સ્ટોક એક્સચેન્જ અને NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ) ફરી એક વાર કેલેન્ડર વર્ષ 2023ને અંતે કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ્ઝ ગ્રુપ તરીકે ઊભરી આવ્યું છે. ડેરિવેટિવ્ઝ વેપારના સંઘ ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઈએ) દ્વારા બહાર પાડેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું કે NSE સતત પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની રહ્યું છે. તેનો ઈક્વિટી સેગમેન્ટ ઓર્ડર બુકની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું સૌથી મોટું સેગમેન્ટ બની રહ્યું છે, એમ વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબ્લ્યુએફ)એ જણાવ્યું હતું. આ અંગેની પ્રતિક્રિયામાં NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે વિશ્વમાં ત્રીજા ક્રમના ઈક્વિટી સેગમેન્ટ અને સૌથી મોટા ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ તરીકે NSE દેશના મૂડીબજારને વિશ્વના નકશામાં વિપુલ સંભાવનાઓના વિસ્તાર તરીકે સ્થાપે છે.

કેલેન્ડર વર્ષ 2023માં NSEએ ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમ કે NSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર લાખ કરોડ યુએસ ડોલરને આંબી ગયું છે, એસએમઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. એક લાખ કરોડની સપાટી વટાવી ગયું છે અને નિફ્ટી પ્રથમ વાર 20,000 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો. કેલેન્ડર વર્ષના અંતે એનએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 8.5 કરોડને વટાવી ગઈ છે. એક્સચેન્જના ઈક્વિટી સેગમેન્ટમાં પણ રેકોર્ડ ટર્નઓવર થયું હતું.

એક્સચેન્જે સોશિયલ સ્ટોક એક્સચેન્જ લોન્ચ કર્યું છે, જેને પગલે સામાજિક સાહસોને તેમની કામગીરી વિશાળ વર્ગને દર્શાવવાની અને આવશ્યક ભંડોળ એકત્ર કરવાની તક પૂરી પાડે છે. આ સેગમેન્ટમાં 42 નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ નોંધાયેલાં છે. વર્ષ દરમિયાન NSEએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 21 નવા કોમો઼ડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા. ત્રીજી જુલાઈ, 2023થી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જે NSE આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટે પૂર્ણ કામગીરી શરૂ કરી હતી જેથી ગિફ્ટ આઈએફએસસીમાં પ્રવાહિતા વધી હતી. આઈએફએસસીમાં 21 કલાક ટ્રેડિંગ થાય છે.

 

 

 

 

 

 

 

ભગવદ ગીતાના કોર્સમાં ૧૭૫ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ ઊજવાયો

મુંબઈઃ કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા આયોજિત વૈદિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ સ્વરૂપે હાજર રહેલા સ્વામીનીજીએ વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષાવલી અને દીક્ષાંત તેમ જ ધર્મ, કર્મ અને આચારણ વિશે સરળ શબ્દોમાં સમજ આપતું વક્તવ્ય કર્યું હતું. કેઈએસના પંચોલિયા સભાગૃહમાં આયોજિત આ કાર્યક્રમમાં સંખ્યાબંધ શિક્ષકો તેમ જ ભગવદ ગીતાના ૧૮ દિવસનાં કોર્સમાં સહભાગી બની પરીક્ષા આપનાર આશરે ૧૭૫ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સ્વામીનીજીને હસ્તે સર્ટિફિકેટનો સ્વીકાર કર્યો હતો. આ ઉજવણી નોખી રીતે ઉજવવા વિદ્યાર્થીઓને ખેસ પહેરીને આવ્યા હતા અને તેમને પશ્રિમી ઢબે નહીં, બલકે ભારતીય ગુરુકુળની પરંપરાના ભાગરૂપ સજજ કરાયા હતા.

તેમણે. દીક્ષાંતના મહત્વ વિશે જણાવતાં તેમણે ૧૬ સંસ્કારોની વાત કરી હતી. આપણા દેશની વૈદિક સંસ્કૃતિ જેવી શ્રેષ્ઠ સંસ્કૃતિ જગતમાં કયાંય નથી.  આ ૧૬ સંસ્કારોમાં છેલ્લે અંતિમ સંસ્કાર આવે છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યુ હતું કે ધર્મનું શિક્ષણ લીધા બાદ ધર્માચરણ થવું જોઈએ, તેના વિના જીવન નિરર્થક છે. છેલ્લે યમરાજ લેવા આવે ત્યારે આપણે તૈયાર હોવા જોઈએ, પણ જીવનના સત્ય-ધર્મને સમજયા વિના જીવી જનારા આખર સુધી તૈયાર થઈ શકતા નથી. હવે તમે વિદ્યાર્થીઓ ભગવદ ગીતાનો અભ્યાસમાંથી પસાર થયા છો તો તમારા જીવનમાં તેનું આચરણ કરો એવો તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

છેલ્લે અમુક વિદ્યાર્થીઓએ પોતાના આ અભ્યાસ-કોર્સ વિશેના અનુભવ અને લાગણી  વ્યકત કર્યા હતા. કેઈએસ સંસ્થા છેલ્લાં ચારેક વરસથી ભગવદ ગીતાનો કોર્સ ચલાવે છે, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહે આ અવસરે પ્રસન્નતા વ્યકત કરતાં પ્રાસંગિક વિચારો જણાવ્યા હતા. ડિરેક્ટર ડો. લીલી ભૂષણે પણ વિદ્યાર્થીઓમાં આ વિષયનો ઉત્સાહ વધારવા સાથે તેમને બિરદાવ્યા હતા.

 

 

 

છીછરા સરોવરમાં ખીલતું અભિનયનું ‘પંકજ’

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રજાસત્તાક દિવસ અને લોક સભા ચૂંટણીના આગમન ટાણે લેખક-દિગ્દર્શક રવિ જાધવ ભારતના એક શ્રેષ્ઠતમ વડા પ્રધાનનું જીવન આપણી સામે લઈને આવ્યા છેઃ ‘મૈં અટલ હૂં.’ સંયોગથી 2024 એ અટલબિહારી રામબિહારી વાજપેયીનું જન્મ શતાબ્દી વર્ષ છે. રાષ્ટ્રીય સેવક સંઘમાં પ્રવેશથી લઈને ભારતીય જનતા પક્ષના સ્થાપક અને સ્વતંત્ર ભારતના 10મા વડા પ્રધાન બનવા સુધીનો વાજપેયીનો પ્રવાસ દર્શાવતી આ ફિલ્મ સાથે સંકળાયેલાં બે નામઃ અભિનેતા પંકજ ત્રિપાઠી અને ડિરેક્ટર રવિ જાધવ.
બન્ને નૅશનલ એવૉર્ડ વિજેતા. રવિ જાધવ એટલે ‘બાલગંધર્વ,’ ‘નટરંગ,’ ‘બાલક પાલક,’ ‘ટાઈમપાસ’ જેવી મરાઠી ફિલ્મોના સર્જક. થોડા જ સમય પહેલાં એમની ‘તાલી’ ફિલ્મ (સુસ્મિતા સેનવાળી) ઓટીટી પર રિલીઝ થઈ. -અને પંકજ ત્રિપાઠી. એક સક્ષમ કલાકાર. આવા બે મહારથી ભેગા મળીને, જેમના વેરી પણ વખાણે એવા રાજકારણીના જીવન વિશે ફિલ્મ સર્જે તો કંઈ જબરદસ્ત જોવા મળશે એવી અપેક્ષા સાથે ગયેલો હું નિરાશા લઈને આવ્યો. અપેક્ષા હતી કે અટલજીના જીવનનાં, એમના વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં જોવા-જાણવા મળશે. કમનસીબે, આ ફિલ્મ ભારતીય રાજકારણ વિશેનું પાઠ્યપુસ્તક કે રેફરન્સ બુક પરદા પર વાંચતા હોવાની કે દસ્તાવેજી ચિત્રપટ જોયાની પ્રતીતિથી વિશેષ કંઈ નથી. નવાઈની વાત એ કે અટલજીની કેટલીક સિદ્ધિ તથા એમની કવિતા એન્ડ ટાઈટલ્સમાં વૉઈસઓવર અને તસવીરો સાથે દેખાડવામાં આવી છે. કેટલા પ્રેક્ષક અંત બાદ આ બધું જોશે?

ફિલ્મ શરૂ થાય છે 1999થી, પડોશી મુલ્કે આપણી પીઠ પાછળ ખંજર ભોંક્યું ત્યારથી. અર્થાત્ પાકિસ્તાને કારગિલમાં ઘુસણખોરી ત્યારથી. PMO ઑફિસમાં ત્રણેય લશ્કરી પાંખના વડા સાથેની બેઠકમા વાજપેયી મહત્વનો નિર્ણય લે છે.


કટ ટુ ફ્લૅશબૅક. સર્જક આપણને અટલજીનું બાળપણ બતાવે છે. શાળામાં અટલને કાવ્યપઠન કરવાનું હોય છે. જે રાજકારણી પોતાનાં વક્તવ્ય માટે જાણીતા બન્યા એ અણીના ટાંકણે સ્ટેજ ફીઅરના લીધે ઘેર ભાગી છૂટે છે. તે પછી પિતા (પીયૂષ મિશ્રા) બાળ અટલને કાવ્યપઠન કે પ્રવચન કેવી રીતે કરવું એની ટિપ્સ આપે છે. તે પછી અટલ ક્યારેય એમાં ફેલ થતા નથી.

અચાનક ફિલ્મ વિચિત્ર વળાંક લઈને રોમાન્ટિક બની જાય છે. કૉલેજમાં સાથે ભણતી રાજકુમારી (એકતા કૌલ) અને અટલજી એકમેકની નજીક આવે છે, વરસતો વરસાદ, પુસ્તકમાં મોરપિચ્છ ને એવું બધું… આ સાથે જ પટકથાની ગતિ ફ્રેક્ચરવાળા પગે ચાલતા કાચબા જેવી થઈ જાય છે. ઈન ફૅક્ટ, મધ્યાંતર પહેલાં ફિલ્મ કંટાળાજનક લાગે છે. વર્ષો વીત્યે વાજપેયીજી સંસદસભ્ય બનીને દિલ્હી જાય છે ત્યાં ફરી એમને ફરી રાજકુમારી મળે છે. આ રાજકુમારી કૌલ, પતિ પ્રોફેસર બ્રિજનાથ કૌલ તથા એમની પુત્રી નમિતા સાથે વાજપેયીના સંબંધનાં સમીકરણ પણ ઉપરછલ્લા દર્શાવવામાં આવ્યાં છે.

મધ્યાંતર બાદ ફિલ્મ થોડી ગતિ પકડે છે. કવિ, લેખક, વક્તા, ઉમદા ઈન્સાન ને એટલા જ ઉમદા મુત્સદ્દી-રાજકારણી અટલજીની રાજકીય કારકિર્દીનાં એક પછી એક પડળ ખૂલતાં જાય છે. એક્સટર્નલ અફૅર્સ મિનિસ્ટર તરીકે એ ભારતને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. વડા પ્રધાન તરીકે પોખરાણમાં સફળ ન્યુક્લીઅર ટેસ્ટ, કારગિલ યુદ્ધમાં વિજય, વગેરે.


આમ છતાં ફિલ્મ કોઈ અસર છોડતી નથી એનું કારણ છે નબળો સ્ક્રીનપ્લે (રિશી વીરમણિ-રવિ જાધવ). વાજપેયીજીની બે મોટી સફળતા એટલે દેશને ન્યુક્લીઅર નૅશન બનાવવું તથા કારગિલ યુદ્ધમાં વિજય. આ બન્ને ઐતિહાસિક ઘટનામાં વડા પ્રધાન તરીકે એમનો ફાળો શું અને કેટલો એ વિશે જાણવાની મનની મનમાં જ રહી જાય છે. એવી જ રીતે ઑપરેશન બ્લુ સ્ટાર, ઈમરજન્સી, બાબરી મસ્જિદ-રામમંદિરની ઘટના, હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ, વગેરેમાં ભાગ્યે જ કોઈ ઊંડાણ છે. ફિલ્મમાં અટલજીની માનવીય બાજુ રજૂ થાય છે બાબરી મુદ્દે. ભાજપના જ કાર્યકરો આપસી વાતચીતમાં કહે છે કે બાબરી ડિમોલિશનથી એ વ્યથિત છે.

140 મિનિટ પ્રેક્ષકને ખુરશીમાં બેસાડી રાખે છે વાજપેયીજીનાં મૂળ પ્રવચનના અંશ (ખાસ કરીને રામલીલા મેદાન પર તથા એ પહેલાં કૉલેજમાં), એમની કવિતા અને પંકજ ત્રિપાઠીનો દાદૂ અભિનય. ફિલ્મને મારા ખભે ઊંચકી લેવી છે એવા પંકજના ‘અટલ’ નિશ્ચયના કારણે આ સહ્ય બને છે.!ક્લિયરલી, પંકજભૈય્યા આનાથી વધુ સારી પટકથા ડિઝર્વ કરે છે. અન્ય કલાકારોમાં રાજા રામસેવક (લાલ ક્રિશન અડવાની), દીનદયાળ ઉપાધ્યાય (દયાશંકર પાંડે), જેવા સપોર્ટિંગ ઍક્ટર્સ પણ છાપ છોડી જાય છે.