Home Blog Page 1923

અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવે પર અકસ્માતઃ 10નાં મોત

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત થયો છે. એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે એ કાર ફુલ સ્પીડમાં હતી, ત્યારે એ કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડ્રાઇવરે સમયસર બ્રેક ના મારતાં આ અકસ્માત થયો હતો. આ  અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જેમાં ઘટનાસ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની છે.  આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગિરિશભાઈ બ્રહ્મભટ્ટને નામ કારનું રજિસ્ટ્રેશન છે.

જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે જવા રવાના થયા છે. બે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમના જણાવ્યા અનુસાર આઠ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.આ પહેલા પણ થોડા સમય પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક ભંયકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ખાનગી બસ પલટી મારતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ 2 વ્યક્તિના મોત પણ થયા હતા. બસ પલટી મારી જતાં જ સામે આવતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 

 

 

 

 

 

 

 

‘અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન’ પર યોજાઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200થી વધુ પ્રેક્ટિશનર્સ ભેગા થયા હતા. તેમણે પોતાના અનુભવો શેર કર્યા અને બાળપણને વધુ સુંદર બનાવવા માટે કેટલાંક સૂચનો કર્યા. રિલાયન્સ ફાઉન્ડેશનમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) સ્પેક્ટ્રમમાં જોડાયેલા જાહેર અને ખાનગી પ્રેક્ટિશનર્સે ભાગ લીધો હતો. જેમાં દરેક વ્યક્તિએ રમતા-રમતા શિક્ષણ આપવાના પોતાના અનુભવો શેર કર્યા. મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં ECCE સિસ્ટમના વિવિધ પ્રેક્ટિશનરો, ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણવિદો અને નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા.બે દિવસીય કોન્ફરન્સમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને બાળકોના વિકાસ માટે નવીન પ્રણાલીઓ અને અભિગમોની ચર્ચા કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં દર્શાવ્યા મુજબ ECCE ના સાર્વત્રિકરણના ધ્યેય તરફ યોગદાન આપવા વિશે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી. જેમાં 10 માસ્ટર ક્લાસ, 15 ઇન્ટરેક્ટિવ લર્નિંગ સ્ટેશન્સ અને 30 સ્પીકર સત્રો યોજવામાં આવ્યા.

કોન્ફરન્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અને વાઈસ ચેરપર્સન શ્રીમતી ઈશા અંબાણી હાજર રહ્યા હતા અને સત્રમાં ઉત્સુક્તાપૂર્વક ધ્યાન આપતા જોવા મળ્યા. મુખ્ય વક્તાઓમાં જાણીતા પ્રેક્ટિશનર સંપત કુમાર(IAS), મેઘાલય સરકારના અગ્ર સચિવ અને ધી લર્નિંગ સ્ક્વેરમાંથી એની વેન ડેમ, ઉમ્મીદ બાળ વિકાસ કેન્દ્રના ડૉ. વિભા કૃષ્ણમૂર્તિ, યુનિસેફના સુનિષા આહુજા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત નિયામક ડૉ. રીટા પટનાયક હાજર રહ્યા હતા. આ ઉપરાંત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર મહેશ બાલસેકર, , DAISના ડીન અને સીઈઓ અભિમન્યુ બસુ અને રિલાયન્સ ફાઉન્ડેશનના એજ્યુકેશન હેડ ડૉ. નિલય રંજને પણ કોન્ફરન્સમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના વિચારોનું પ્રતિબિંબ રિલાયન્સ ફાઉન્ડેશન શાળામાં જોવા મળે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘હેપ્પી સ્કૂલ, હેપ્પી લર્નર્સ’ની વિચારધારા અનુસાર શિક્ષકો ભારતીય અને આંતરરાષ્ટ્રીય બાળપણની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓમાંથી જ્ઞાન લઈને બાળકોને પ્રોત્સાહન મળે તેવું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. આ અનુભવ સાથે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વિઝન ભારતભરમાં અર્લી ચાઈલ્ડહુડ કેર અને એજ્યુકેશન લેન્ડસ્કેપને બદલવામાં મદદ કરવાનું છે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકો માટે.

IMDએ જારી કર્યું એલર્ટઃ મોતનું બીજું નામ હીટ વેવ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે 20 એપ્રિલ સુધી કેટલાંય રાજ્યો માટે હીટ વેવનું અલર્ટ જારી કર્યું છે. આ સપ્તાહે તાપમાન બહુ વધારે વધવાનું છે, જેને કારણે ભીષણ ગરમી પડશે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જરૂરી હોય તો જ બહાર નીકળે. બીજી બાજુ ઉત્તર ભારતનાં કેટલાંય રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

IMDએ કહ્યું હતું કે આગામી પાંચ દિવસોમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગાણના કેટલાક ભાગોમાં હીટ વેવ કે લૂની સ્થિતિ બની રહેવાની સંભાવના છે. IMDએ કેટલાક દિવસો પહેલાં જ ચેતવણી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા ત્રણ મહિનામાં દેશના લગભગ દરેક રાજ્ય અને ક્ષેત્રમાં કાળઝાળ ગરમી પડશે આ વર્ષે હીટ વેવ બાકીનાં વર્ષોની તુલનાએ વધુ દિવસો ચાલશે.

દેશમાં ગ્રીન હાઉસ ગેસને કારણે થનારા ક્લાયમેટ ચેન્જની અસર ખતરનાક થઈ રહી છે. દેશનું તાપમાન ખતરનાક રીતે વધી રહ્યું છે. આવામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડે એવી શક્યતા છે. ક્લાયમેટ ચેન્જને કારણે હીટ વેવ વધુ દિવસો સુધી રહે છે.છેલ્લાં 12 વર્ષોમાં અત્યાર સુધી 11,000થી વધુ લોકોનાં હીટ વેવને કારણે મોત થયાં છે. વર્ષ 2012થી 2014 સુધી દરેક વર્ષે આશરે 1200 લોકોનાં મોત હીટ વેવને કારણે થયાં છે. વર્ષ 2015માં તો એ આંકડો 1900ને પાર પહોંચ્યો હતો. 2020 પછી ચલાવવામાં આવતી જાગરુકતાની ઝુંબેશને કારણે મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. એને કારણે જ વર્ષ 2023માં હીટ વેવથી 14 રાજ્યોમાં 264 લોકોનાં મોત થયાં હતાં.

ગરમી વચ્ચે કયા રાજ્યોમાં પડશે વરસાદ?

ભારતીય હવામાન વિભાગે 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ ચેતવણી જારી કરી છે. IMDએ કહ્યું છે કે આ આખા અઠવાડિયે તાપમાન ખૂબ જ વધશે, જેના કારણે તીવ્ર ગરમી પડશે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, ઘણા રાજ્યોમાં ગરમીના મોજાંની સાથે આકરી ગરમી જોવા મળશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કોંકણ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કચ્છ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા અને પાણી પીવા માટે જણાવ્યું છે. IMDએ કહ્યું છે કે લોકોએ સુતરાઉ કપડાં પહેરીને, માથું ઢાંકીને અથવા કપાળ પર કપડું લપેટીને બહાર જવું જોઈએ. તે વધુ સારું છે કે લોકો ફક્ત ટોપી અથવા છત્રી સાથે જ બહાર જાય.

કયા રાજ્યોમાં અને ક્યારે આવશે હીટવેવ?

હવામાન વિભાગે કહ્યું છે કે 16-20 એપ્રિલ દરમિયાન ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની અપેક્ષા છે. મંગળવાર-બુધવાર દરમિયાન ઉત્તર કોંકણ, સૌરાષ્ટ્ર અને કચ્છ; બુધવાર-ગુરુવારે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં અને મંગળવાર-ગુરુવાર દરમિયાન તેલંગાણામાં હીટ વેવની અસર જોવા મળશે.

heatwave

IMD એ પશ્ચિમ બંગાળના દક્ષિણી જિલ્લાઓ માટે 20 એપ્રિલ સુધી હીટ વેવની ચેતવણી પણ જારી કરી છે, કારણ કે આ પ્રદેશમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે. દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા, ઝારગ્રામ, બીરભૂમ, મુર્શિદાબાદ અને બાંકુરા જિલ્લામાં આ સપ્તાહના અંત સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે.

કયા રાજ્યોમાં પડશે વરસાદ?

જ્યારે આ અઠવાડિયે દક્ષિણ અને પૂર્વના કેટલાક રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે, જ્યારે ઉત્તરીય રાજ્યોમાં વરસાદ વધતા તાપમાન અને ગરમીથી રાહત આપશે. IMD એ 18-20 એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. IMDનો અંદાજ છે કે 17 એપ્રિલે દિલ્હી-NCR વાદળછાયું રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. RWFC દિલ્હીએ 18 એપ્રિલ, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં અંશતઃ વાદળછાયું આકાશ અને તીવ્ર પવનની આગાહી કરી હતી. 19 એપ્રિલે વાવાઝોડાં અને ભારે પવન સાથે ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આવતીકાલે ફોર્મ ભરશે અમિત શાહઃ રોડ શો પણ યોજશે

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ભાજપના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તારીખ 19 એપ્રિલ 2024, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી ફોર્મ ભર્યા પહેલા પ્રચંડ શક્તિ પ્રદર્શન કરશે. અમિત શાહ તારીખ ૧૮ એપ્રિલ, ગુરુવારના રોજ તમેના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્યાતિભવ્ય મેગા રોડ શો યોજશે. રોડ શો બાદ અમિત શાહ વેજલપુર ખાતે જાહેરસભામાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધિત કરશે.

 

તારીખ 18 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે સાણંદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરશે. જેમાં સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડથી રોડ શો શરૂ થઈ સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઈ સાણંદ નળ સરોવર ચોકડી પર ભવ્ય રોડ શોનું સમાપન થશે.

જે બાદ ગૃહ મંત્રી અમિત શાહનો બીજો રોડ શો કલોક શહેર ખાતે સવારે 9:30 કલાકે રોડ શોનો પ્રારંભ થશે. કલોલ શહેરમાં જેપી ગેટથી રોડ શો શરૂ થઈ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા થઈ ભવાની નગર ચાલી ખુની બંગલા તળાવ રોડ થઈ ટાવર ચોક રોડ શોનું સમાપન થશે

ત્યાર બાદ અમિત શાહ બપોરે 3 વાગ્યે સાબરમતી વિસ્તારમાં રોડ શો કરશે. જે બાદ 04:30 કલાકે ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એટલે કે ઘાટલોડિયામાં રોડ શોનું આયોજન કરશે. ત્યાર બાદ 05:30 કલાકે નારણપુરા વિસ્તારમાં ગૃહ મંત્રીનો ભવ્ય થી અતિ ભવ્ય રોડ શો યોજાશે. જે બાદ વેજલપુરના જીવરાજ પાર્કમાં અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ વેજલ પુરમાં કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે ખાતે શ્રી અમિતભાઈ શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સંબોધિત કરશે.

રામ લલ્લા સૂર્ય તિલક: PM મોદીએ આસામમાં રેલી વચ્ચે સમય કાઢ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના નલબારીમાંથી રામ લલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા. તેઓ અહીં ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સમય કાઢીને રામલલાના સૂર્ય તિલક તરફ જોયું અને કહ્યું કે આ દરેક માટે આનંદની ક્ષણ છે. રામનવમીના અવસરે અયોધ્યામાં અરીસા અને લેન્સથી બનેલા મિકેનિઝમ દ્વારા રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દર્શનની તસવીરો શેર કરી છે. આમાં તેઓ હેલિકોપ્ટરમાં બેસીને ટેબલેટ પર રામ લલ્લાના દર્શન કરતા જોઈ શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું, નલબારી બેઠક પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનન્ય ક્ષણના સાક્ષી બનવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક છે. વિકસિત ભારતનું પ્રતિક તે દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે. તમને જણાવી દઈએ કે અયોધ્યાથી આસામના નલબારીનું અંતર 1100 કિલોમીટરથી વધુ છે.

પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં પ્રથમ રામનવમી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરાયેલા નવા મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેક પછી આ પહેલી રામનવમી છે. આ પ્રસંગે અરીસા અને લેન્સ દ્વારા કરવામાં આવતા સૂર્ય તિલક દરમિયાન સૂર્યના કિરણો ભગવાન રામની મૂર્તિના કપાળ સુધી પહોંચ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રામલલાના કપાળ પર પ્રકાશ ચમકતો જોઈ શકાય છે. જે અરીસાઓ અને લેન્સ દ્વારા સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું તેનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રિની હવન સાથે પૂર્ણાહુતિ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ: ચૈત્ર સુદ નોમને આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ છે. હિંદુ સંસ્કૃતિમાં શક્તિની ઉપાસના સાથે વ્રત, અનુષ્ઠાન, હવન અને ભક્તિનું અનેરું મહત્વ છે. નવરાત્રિના આઠમ અને નોમના દિવસે વિવિધ મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં આઠમના દિવસે રાત્રે બાર વાગ્યે હવન કરવામાં આવ્યો. વહેલી સવારે શ્રીફળ હોમવામાં આવ્યું. મંગળા આરતી બાદ રામનવમીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.પ્રસાદમાં ભક્તોને લીમડાનો રસ આપવામાં આવ્યો હતો.400 વર્ષ જૂના શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં નવચંડી હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના માધુપુરા માર્કેટમાં બિરાજમાન અંબાજી મંદિરમાં નોમના દિવસે વહેલી સવારથી જ યજ્ઞની શરૂઆત થઈ.શહેરના બહુચરાજી મંદિર, મહાકાળી મંદિર, વૈષ્ણોદેવી, અર્બુદાધામ જેવા અનેક મંદિરોમાં નવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કેરળ હાઇકોર્ટે પરાઠા પર GST ઓછો કરવાનો ચુકાદો આપ્યો

નવી દિલ્હીઃ માલાબાર ‘પરાઠા’ બ્રેડ (રોટી)ના સમાન છે અને આ પ્રકારને એને ટેક્સેશન અંતર્ગત લાવવા માટે હેડિંગ 1905 હેઠળ કેટેગરી કરવામાં આવવી જોઈએ, એમ કેરળની હાઇકોર્ટે જણાવ્યું હતું. આ ચુકાદો ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) અને એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAAR)ના પાછલા નિર્ણયોનું ખંડન કરે છે.

કેરળ હાઇકોર્ટે નક્કી કર્યું છે કે ક્લાસિક માલાબાર પરાઠા અને હોલ વ્હીટ માલાબાર પરાઠા- બંને ઉત્પાદનો પર 18 ટકાને બદલે પાંચ ટકાના GSTનો દરે ટેક્સ લગાવવામાં આવવો જોઈએ, કેમ કે એ HSN કોડ 1905 હેઠળ આઇટમ્સ (જેવા કે બ્રેડ)ની સાથે સમાનતાઓ શેર કરે છે. કેરળ હાઇકોર્ટમાં જસ્ટિસ દિનેશકુમાર સિંહે એ નિર્ણય કર્યો હતો. હાઇકોર્ટે કહ્યુંહ તું કે પ્રોડક્ટ 18 ટકાને બદલે પાંચ ટકા GST (2.5 ટકા CGST+ 2.5 ટકા SGST) અને AAARનો આદેશો હવાલો આપીને 18 ટકા દરનો બચાવ કરી રહી હતી. AAR અને AAARએ પરાઠા પર 18 ટકા GST નિર્ધારિત કર્યો હતો.

શું હતો મામલો?

મોર્ડન ફૂડ એન્ટરપ્રાઇઝિસ પ્રા. લિ. ક્લાસિક માલાબાર પરોઠા અને હોલ વ્હીટ માલાબાર પરાઠાનું ઉત્પાદન અને સપ્લાય પણ કરે છે. કંપનીએ કેટેગરાઇઝેશન, GSTનો દર અને પ્રોડક્ટને GST હેઠળ બ્રેડના રૂપે માની શકાય છે. એના પર પહેલ પર નિર્ણય પર સત્તાવાળાથી સફાઈ માગી હતી.

 

 

 

રાજકોટમાં માત્ર 3 ફોર્મ ભરાયા, 384 ફોર્મ ભરવાનો પ્લાન સફળ થશે ?

રાજકોટ: લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રણનીતિના ભાગરૂપે ક્ષત્રિય સમાજની મહિલાઓ – આગેવાનો 384થી વધુ ઉમેદવારી પત્રક ભરી ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવું આયોજન કર્યુ હોવાનું અગાઉ જાહેર કરાયું હતું. પરંતુ ફોર્મ ઉપડ્યા બાદ ફોર્મ ભરવામાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.સત્તાવાર રીતે તા. 12 એપ્રિલે જાહેરનામું બહાર પડ્યું ત્યારથી ફોર્મ ભરવાનું અને વિતરણ શરૂ થઈ ગયુ છે. પ્રથમ દિવસે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમટી પડી હતી. પહેલા દિવસે 95 વ્યકિતએ 297 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ 16મી એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 111 વ્યક્તિઓના નામે 318 ફોર્મ લેવામાં આવ્યા છે. જ્યારે ફોર્મ ભરીને માત્ર 3 વ્યક્તિના નામે 9 ફોર્મ ભરીને પરત આવ્યા છે. આજે રામનવમીની રજા હોવાથી કોઈ ફોર્મ ભરવા કે ઉપાડવાની કામગીરી થઇ નથી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

રામ નવમીએ ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ પુસ્તકનું વિમોચન

અમદાવાદ: કચ્છના ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’નું રામ નવમીના દિવસે એટલે કે 17મી એપ્રિલના રોજ વિમોચન થવાનું છે. આ પહેલાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કચ્છના અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવાં ગુણોનું સિંચન કરતી ચલો રામ બને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યશાળામાં બાળકોએ ભગવાન રામના ગુણ ‘ધૈર્ય’નું જ્ઞાન મેળવ્યું. આર્યુવેદ તબીબ અને કૃપેશભાઈના પત્ની ડૉ. પૂજા ઠક્કરના નેતૃત્વ હેઠળ આ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃતિઓની મજા માળી. ડૉ. કૃપેશે રામ ધૂન અને મંત્રો દ્વારા બાળકોને મ્યુઝિક થેરાપી પણ આપી. આ ડોક્ટર દંપતીનું કહેવું છે કે, “આ પુસ્તકમાં વર્ણવેલા ભગવાન રામના વિવિધ ગુણો પર આધારિત અમે આવી દસ કાર્યશાળાઓ કરવાના છીએ. આ કાર્યશાળાઓ લઈ અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ પ્રથમ ચરણમાં કચ્છ ભ્રમણ કરીને ત્યારબાદ ગુજરાત ભ્રમણ કરશે.”ભગવાન રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’થી પ્રેરિત છે. ડૉ. કૃપેશ ઠક્કર કે જેમણે હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવીને સાત વર્ષ સુધી અમેરિકામાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરી. આજે જ્યારે યુવાનો બધું જ ભૂલીને અમેરિકામાં સ્થાયી થવાના સપનાં જોતા હોય છે. ત્યારે કૃપેશભાઈએ અમેરિકાની ઉજ્જવળ કારકિર્દી છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે મા, માટી અને માતૃભાષાને કારણ બતાવ્યા. તેઓ આ ત્રણેય માટે કંઈ કરવા માંગતા હતા. કૃપેશભાઈ કવિ હ્રદયી અને કલાકાર જીવ, એટલે કલાના માધ્યમથી કંઈક કરવાની ઈચ્છાએ તેઓ વર્ષ 2013ના અંતમાં ભારત પરત ફર્યા. કૃપેશભાઈ ડોક્ટર ઉપરાંત સંગીતકાર, ગીતકાર, ગાયક અને દિગ્દર્શક પણ છે. પરિણામે 2014માં જન્મ થયો ‘વાચા ફાઉન્ડેશન’નો. જેની શરૂઆત વેલેન્ટાઈન પર્વ સાથે થઈ. કૃપેશભાઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું ફ્યૂઝન કરીને યુવા પેઢીમાં માતા, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ જગાડવા માંગતા હતા. આથી તેમણે એક મહિના સુધી વેલેન્ટાઈન પર્વની ઉજવણી કરી. જેમાં તેમણે સમગ્ર ગુજરાતના અલગ-અલગ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની વંદના કરી. આ સિવાય તેઓ ફ્રેન્ડશીપ પર્વ, મા પર્વ, વુમ્નસ પર્વ, ટ્રી પ્લાન્ટેશન પર્વ, હેલ્થ કેમ્પ, ક્લબ ફૂટ અવેરનેસ કેમ્પ તેમજ ગીતા જયંતિ પર્વની ઉજવણી કરે છે. આ દરેક પર્વ તેઓ લગભગ એક મહિના સુધી ઉજવે છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન, કૃપ ફિલ્મસ અને કૃપ પબ્લિસિંગ નામની સંસ્થાઓના ફાઉન્ડર છે.

કૃપેશભાઈએ માતૃ વંદના માટે મા પર્વ અને વેલેન્ટાઈન પર્વ જેવા અનેક કાર્યક્રમો કર્યા. માતૃભૂમિની વંદના માટે તેમણે પોતાની જન્મભૂમિ કચ્છને જ પોતાની કર્મભૂમિ બનાવી અને ત્યાંથી જ દરેક કાર્યક્રમોની શરૂઆત કરી. હવે વાત આવી માતૃભાષા વંદનાની. આ માટે કૃપેશભાઈએ અનેક પુસ્તકો લખીને ભાષા વંદના કરી છે. તેમણે સૌપ્રથમ પોતાની કવિતાઓનું પુસ્તક ‘ક્યાં છે કાનો?’ પ્રસિદ્ધ કર્યું. ત્યાર બાદ અર્જુન ઉવાચ: ધી સ્પિરિચ્યુલ યાત્રા, બંસરી નાદ, નારી હૈ નારાયણી: યત્ર નારયસ્તુ પુજયન્તે, અર્જુન ઉવાચ: મા પર્વ, અર્જુન ઉવાચ: આધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ચલો રામ બને અને અધૂરાં પ્રેમની કહાની જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત તેઓ કૃપ લિટરેચર ફેસ્ટિવલનું પણ દર વર્ષે આયોજન કરે છે.કૃપેશભાઈના પત્ની પૂજાબેન, દીકરી વાચા અને દીકરા પર્વ સાથે મળીને ફર્સ્ટ ફેમિલી બેન્ડ, ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ બનાવ્યું છે. વાચા ફાઉન્ડેશન રામને સમર્પિત વિવિધ કાર્યક્રમો છેલ્લાં દસ વર્ષોથી ચલાવે છે. જેમાં સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે પર્વ અને વાચાના કંઠે રામ ભગવાનને સમર્પિત વિવિધ ગીતો, મંત્રો અને ધૂન ખુબ જ લોકપ્રિય બન્યા છે. પર્વએ તો માત્ર બે વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરી દીધું હતું. તે આજે પણ સૌથી યંગેસ્ટ સિંગર અને એક્ટર છે. તેણે પિતા અને બહેન સાથે મળીને ગુજરાતી અને હિન્દી ગીતોમાં કંઠ આપ્યો છે, સાથે જ અભિનય પણ કર્યો છે. કૃપેશભાઈની દીકરી વાચા હાલમાં 11 વર્ષની છે. તેણે પણ 3 વર્ષની ઉંમરથી જ પ્લેબેક સિંગિંગ અને અભિનય શરૂ કરી દીધો હતો. વાચા એક સારી લેખક પણ છે. તેનું પ્રથમ પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ 2022માં પ્રસિદ્ધ થયું હતું. જેમાં તેણે ભારતના ઈતિહાસ અને સનાતન સંસ્કૃતિના અનેક શબ્દોના કોયડા બનાવીને બાળકો માટે ખાસ પુસ્તક તૈયાર કર્યું છે. એક વર્ષ બાદ 2023માં વાચાએ ભગવત ગીતા પર આધારિત ‘ગીતા વર્ડ સર્ચ: ઈન્ડિયન કલ્ચર ફોર કિડ્સ’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. કૃપેશભાઈ અને તેમનો પરિવાર વિવિધ તહેવારોને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે પર્વ કી પાઠશાળાના નામે ઉજવે છે. જેમાં બાળકો અને યુવાનોને વિવિધ વિષય પર ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. આખો પરિવાર ગીવ વાચા ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર તરીકે સેવા આપે છે.કૃપેશભાઈનો દીકરો પર્વ ક્લબ ફૂટ સાથે જન્મયો હતો. પોતે એક ડોક્ટર હોવાથી તેઓ આ બિમારી અને તેના ઈલાજ વિશે સારી રીતે જાણતા હોય તે સ્વાભાવિક છે. તેમણે દવા અને કસરતની સાથે-સાથે પર્વને મ્યુઝિક થેરાપી પણ આપી. કૃપેશભાઈનું માનવું છે કે સંગીતમાં દરેક દર્દને ભૂલાવીને સાજા કરવાની તાકાત છે. આની સાથે જ જન્મ થયો કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરનો. કૃપેશભાઈ ભારતના સૌથી ઉત્તમ મ્યુઝિક થેરાપીસ્ટ છે. તેઓ મ્યુઝિક થેરાપી દ્વારા ગર્ભ સંસ્કાર પણ કરાવે છે અને તેમના ગર્ભ સંસ્કારના સેશનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ વખાણ થયા છે. કૃપેશભાઈ અને તેમના પત્ની પૂજાબેન ક્લબ ફૂટ માટે અવેરનેસ લાવવા માટે અનેક કાર્યક્રમો કરે છે. હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલા અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2024માં કલા અને સાહિત્ય દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે કૃપેશભાઈ, વાચા અને પર્વને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ નોંધ લીધી છે અને કામને બિરદાવ્યું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)