અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવે પર અકસ્માતઃ 10નાં મોત

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત થયો છે. એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે એ કાર ફુલ સ્પીડમાં હતી, ત્યારે એ કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડ્રાઇવરે સમયસર બ્રેક ના મારતાં આ અકસ્માત થયો હતો. આ  અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જેમાં ઘટનાસ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની છે.  આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગિરિશભાઈ બ્રહ્મભટ્ટને નામ કારનું રજિસ્ટ્રેશન છે.

જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે જવા રવાના થયા છે. બે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમના જણાવ્યા અનુસાર આઠ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.આ પહેલા પણ થોડા સમય પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક ભંયકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ખાનગી બસ પલટી મારતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ 2 વ્યક્તિના મોત પણ થયા હતા. બસ પલટી મારી જતાં જ સામે આવતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.