રાજકોટમાં માત્ર 3 ફોર્મ ભરાયા, 384 ફોર્મ ભરવાનો પ્લાન સફળ થશે ?

રાજકોટ: લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રણનીતિના ભાગરૂપે ક્ષત્રિય સમાજની મહિલાઓ – આગેવાનો 384થી વધુ ઉમેદવારી પત્રક ભરી ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવું આયોજન કર્યુ હોવાનું અગાઉ જાહેર કરાયું હતું. પરંતુ ફોર્મ ઉપડ્યા બાદ ફોર્મ ભરવામાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.સત્તાવાર રીતે તા. 12 એપ્રિલે જાહેરનામું બહાર પડ્યું ત્યારથી ફોર્મ ભરવાનું અને વિતરણ શરૂ થઈ ગયુ છે. પ્રથમ દિવસે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમટી પડી હતી. પહેલા દિવસે 95 વ્યકિતએ 297 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ 16મી એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 111 વ્યક્તિઓના નામે 318 ફોર્મ લેવામાં આવ્યા છે. જ્યારે ફોર્મ ભરીને માત્ર 3 વ્યક્તિના નામે 9 ફોર્મ ભરીને પરત આવ્યા છે. આજે રામનવમીની રજા હોવાથી કોઈ ફોર્મ ભરવા કે ઉપાડવાની કામગીરી થઇ નથી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)