દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ED અને CBI બંને કેસમાં જામીનની માંગ કરતી સિસોદિયાની અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. તેમની જામીન અરજી બીજી વખત ફગાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. જામીનનો વિરોધ કરતાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે સિસોદિયા કૌભાંડના ‘કિંગપિન’ છે અને તેથી તેમને જામીન ન આપવા જોઈએ. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે જો તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
આગળનું પગલું શું હશે?
હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે સિસોદિયા દિલ્હી હાઈકોર્ટમાં જશે. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, EDએ 9 માર્ચ, 2023 ના રોજ આ જ કેસમાં તેની ધરપકડ કરી.
અમદાવાદઃ સોના-ચાંદી બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી છે, તેમાંય ખાસ કરીને સોનાની કિંમતો આસમાને પહોંચી છે અને મધ્યમ વર્ગની પહોંચની બહાર પહોંચી છે. તેમ છતાં સોનાની માગ ધીમી પડવાનું નામ નથી લેતી. સોનાની કિંમતોમાં સતત તેજી જારી રહી છે. માર્ચ ત્રિમાસિકમાં દેશમાં સોનાની માગ આઠ ટકાની તેજી આવી છે, જ્યારે કિંમતોમાં સરેરાશ 11 ટકાની તેજી થઈ છે. વધતી માગને કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ગોલ્ડની કિંમત રૂ. 74,000ને પાર પહોંચી છે અને સોનામાં આવેલી તેજીને જોતાં આર્થિક સલાહકારે અંદાજ લગાવ્યો છે કે આ વર્ષના અંતમાં સોનાની કિંમતો રૂ. એક લાખને પાર પહોંચે એવી શક્યતા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો વાર્ષિક રિપોર્ટ ગોલ્ડ ડિમાંડ ટ્રેન્ડ્સ Q1 24 મુજબ દેશમાં સોનાની માગ ઘરેણાં અને મૂડીરોકાણ-બંને આ વર્ષના જાન્યુઆરીથી માર્ચમાં વધીને 136.6 ટન થઈ હતી, જે એક વર્ષ પહેલાંના સમાનગાળામાં 126.3 ટન હતી. દેશમાં માગ વધવાનું કારણ એ છે કે દેશમાં આશરે રૂ. 75,470 કરોડના સોનાની ખરીદી કરવામાં આવી હતી. આ વેચાણ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કરવામાં આવી હતી. દેશમાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, જેથી પણ માગ વધી છે. દેશમાં સોનાની કુલ માગમાં આભૂષણોની માગ ચાર ટકા વધીને 95.5 ટન થઈ ગઈ છે, જ્યારે સિક્કા વગેરેની માગ 19 ટકા વધીને 41.1 ટન થઈ ગઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં સતત અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે, જેથી સોનાની માગમાં મૂડીરોકાણની દ્રષ્ટિએ તેજી જોવા મળી રહી છે.આ વર્ષ દેશમાં સોનાની માગ 700-800 ટનની આસપાસ રહે એવી શક્યતા છે. આ પહેલાં વર્ષ 2023માં દેશમાં સોનાની માગ 747.5 ટન હતી.
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પાર્ટીઓએ કમરકસી લીધી છે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. ત્યારે 1મે ના ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદી માદરે વતન આવશે. આગામી બે દિવસ PM ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે.
1 મેના રોજ PM મોદી બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે જાહેર સભાઓને સંબોધશે. ડીસામાં યોજાનારી જાહેરસભામાં બનાસકાંઠા અને પાટણની લોકસભા બેઠકોને નિશાન બનાવવામાં આવશે. 2 મેના રોજ PM મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જાહેર સભાઓને સંબોધશે. જ્યારે જૂનાગઢમાં પોરબંદર, અમરેલી અને જામનગરની લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે.
જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા વિશે જો વાત કરીએ તો, ગત વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના મત ભેગા કરીએ તો તે ભાજપથી વધુ હતુ. પરંતુ આ વખતે તો આપ અને કોંગ્રેસ સાથે છે. આથી બંન્ને ભેગા થઈને ભાજપને કાંટે કી ટક્કર આપી રહ્યા છે. સામાન્ય રીતે PM નબળી બેઠક પર પ્રચાર અર્થે પહોંચતા હોય છે. હાલ સુધીમાં જૂનાગઢમાં કોઈપણ પાર્ટી પોતાનો ગઢ બાંધી શકી નથી. એટલે એવુ માની શકાય જૂનાગઢમાં કાંટાની ટક્કર છે. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લઈ કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી હતી. જો કે બાદ 2019ની લોકસભા ચૂંટણી સમયે PM મોદી પ્રચાર માટે જૂનાગઢ પહોંચ્યા હતા. જેના પગલે ભાજપને જૂનાગઢમાં સફળતા મળી હતી. 2022ની વિધાનસભા પ્રમાણે જોવા જઈએ તો આપ અને કોંગ્રેસના મત સામે ભાજપનું વર્ચસ્વ નબળું પડી રહ્યું છે. જેથી ફરી ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક જૂનાગઢમાં જન સભાને સંબોધન કરશે. જ્યારે જૂનાગઢમાં રોડ શોનું આયોજન થવાની પણ સંભાવના છે.
જૂનાગઢ લોકસભામાં કુલ 19,66,616 મતદારો છે. જેમાં કોળી સમાજના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચ સમાજના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.
અમરેલી: ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી વિશે એવું કહેવાય છે કે આ જિલ્લાએ નેતાઓ ખૂબ આપ્યા પણ વિસ્તારનો વિકાસ થયો નથી. અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. અમરેલી લોકસભા બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર જયાબેન શાહને ટિકિટ ફાળવી હતી. જયાબેન શાહ આ ચૂંટણીમાં પી.એસ.પી. પક્ષના માથુરદાસ મહેતાને હરાવીને સાંસદ બન્યા હતા. અમરેલી લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. ત્યારે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવાર
ભાજપ: ભરત સુતરીયા
ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. વર્ષ 1991થી ભાજપ કેડર છે. વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરિયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા.
કોંગ્રેસ: જેની ઠુમ્મર
જેની ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુમ્મરના પુત્રી છે. કોંગ્રેસમાં હાલ તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરનો જન્મ 23 એપ્રિલ 1984ના દિવસે અમરેલીમાં થયો હતો. તેઓ લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે. નિરમા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક બન્યા બાદ બે વર્ષ સુધી તેમણે ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.
PROFILE
અમરેલી લોકસભા બેઠકમાં લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, ધારી, ગારીયાધાર અને અમરેલી વિધાનસભાનો સમાવેશ થાય છે.
2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,01,431 વોટની લીડથી જીત્યા હતા.
મતદારોની સંખ્યા
કુલ મતદારો 17,29,797
પુરુષ મતદાર 8,94,537
સ્ત્રી મતદાર 8,35,243
વિધાનસભાબેઠકોનીસ્થિતિ
બેઠક
પક્ષ
વિજેતા
વોટ
લીડ
લાઠી
ભાજપ
જનક તળાવીયા
64,866
35,592
સાવરકુંડલા
ભાજપ
મહેશ કસવાલા
63,757
60,265
રાજુલા
ભાજપ
હીરા સોલંકી
78,482
63,019
મહુવા
ભાજપ
શિવા ગોહિલ
86,463
55,991
ગારીયાધાર
આપ
સુધીર વાઘાણી
60,944
56,125
ધારી
ભાજપ
જયસુખ કાકડિયા
46,466
37,749
અમરેલી
ભાજપ
કૌશિક વેકરિયા
89,034
42,377
અમરેલી બેઠકની વિશેષતા
1957માં બોમ્બે સ્ટેટની ગીરનાર બેઠક તરીકે ઓળખાતી
1962માં આ સીટ પરથી કોંગ્રેસના જયાબેન શાહ પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા.
વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે.
ઠુમ્મર પરિવાર વર્તમાન સમયમાં કદાચ રાજ્યનો એકમાત્ર એવો પરિવાર છે જેના તમામ સદસ્યોને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે.
વર્ષ 2002માં વિરજી ઠુમ્મર અમરેલીના સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2009માં કોંગ્રેસ પાર્ટીએ વિરજી ઠુમ્મરના પત્ની નીલાબેન ઠુમ્મરને લોકસભાની ટિકિટ આપી. તેઓ ભાજપના નારણ કાછડિયા સામે પરાજિત થયા હતા.
પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપરાંત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીએ આપ્યા છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 94 સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 1352 ઉમેદવારોમાથી માત્ર નવ ટકા મહિલાઓ છે, જ્યારે 18 ટકા ઉમેદવારોએ નામાંકન પત્રના એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ ગુનાઇત કેસ જાહેર કર્યા છે, એમાં પાંચ પર મર્ડર તો 24 પર હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે, સાત ઉમેદવારો પહેલેથી કયા કેસોમાં દોષી કરાર ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. 38 ઉમેદવારોના કેસ મહિલાઓની વિરુદ્ધ અપરાધોથી જોડાયેલા છે. 17 ઉમેદવારો પર હેટ સ્પીચના કેસ છે, એમ ADR રિપોર્ટ કહે છે.
કુલ 95 મત વિસ્તારોમાંથી 43 મતક્ષેત્ર (45 ટકા) એવાં છે, જેમાં ત્રણ કે વધ ઉમેદવારો પર ગુનાઓ દાખલ થયેલા છે. અહેવાલ મુજબ કુલ ઉમેદવારોમાંથી 392 ઉમેદવાર કરોડપતિ છે, એમાં પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ રૂ. 5.66 કરોડ છે. ભાજપના 82માંથી 77, કોંગ્રેસના 68માંથી 60, SPના 10માંથી નવ, TMCના છમાંથી ચાર, શિવસેના (UBT)ના પાંચમાંથી પાંચ અને શિવસેનાના બંને ઉમેદવારો કરોડપતિ છે. JDU, RJD, NCP, અને NCPના ત્રણે ઉમેદવારો કરોડપતિ છે.
કુલ ઉમેદવારોમાંથી 639 ઉમેદવારો પાંચમાથી 12 ધોરણ સુધી ભણેલા છે, જ્યારે 591 સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી હાંસલ કરેલી છે.ડિપ્લોમાધારક 44 ઉમેદવારો છે, જ્યારે શિક્ષિત 56 અને અશિક્ષિત 19 ઉમેદવારો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25-40 વર્ષના 411 ઉમેદવાર છે, જ્યારે 41થી 60 વર્ષની વયના 712 ઉમેદવારો છે. 61થી 80 વર્ષના 228 ઉમેદવારો છે, જ્યારે એક ઉમેદવારની વય 80ને પાર છે, એમ અહેવાલ કહે છે.
નવી દિલ્હી: ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સરદાર પટેલ વિદ્યાલયની ગણના ફકત દિલ્લીની જ નહિ પરંતુ દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં થાય છે. નવી દિલ્લીના હ્રદય સમાન પ્રસિદ્ધ લોધી ગાર્ડન વિસ્તારમાં વિશાળ પરિસરમાં સ્થપાયેલી આ શાળામાં દિલ્લીના “who is who” પરિવારોના બાળકો અભ્યાસ કરે છે.
સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી એચ. એમ. પટેલ (હિરૂભાઈ મૂળજીભાઇ પટેલ)ની આગેવાનીમાં દિલ્લીના ગુજરાતીઓએ ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને સરદાર પટેલ વિદ્યાલયની સ્થાપના ૧૯૫૮માં કરી. એચ.એમ.પટેલ ચરોતર વિદ્યા મંડળના પણ ચેરમેન હતા. આ જ ચરોતર વિદ્યા મંડળએ બાદમાં વલ્લભ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી જે હવે સરદાર પટેલ યુનવર્સિટી – વલ્લભ વિદ્યાનગરના નામે પ્રસિદ્ધ છે. આવા દીર્ઘદ્રષ્ટાના માર્ગદર્શન હેઠળ રચાયેલી સરદાર પટેલ વિદ્યાલય એક અલગ જ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે.ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ જગદીપ રાણાએ ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે “60 વર્ષથી વધારે સમયથી અમારી આ શાળા ચાલી રહી છે. સરદાર પટેલ વિદ્યાલયનું નિર્માણ જ રાષ્ટ્રભાવના સાથે કરવામાં આવ્યું હતું. અત્યારે નવી એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષા પર ભાર મુકવાની વાત થાય છે. જ્યારે કે આ શાળાની સ્થાપના સમયે જ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને માતૃભાષા-રાષ્ટ્રભાષાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. જેના પરિણામે સરદાર પટેલ વિદ્યાલયમાં ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે. આખા ભારતમાં કદાચ સરદાર પટેલ વિદ્યાલય જ એક પબ્લિક સ્કૂલ છે, જેમાં ધોરણ ૫ સુધી શિક્ષાનું માધ્યમ હિન્દી છે અને તેમ છતાં વિદ્યાલયમાં એડમિશન માટે પડાપડી થાય છે. દેશના ટોચના રાજકીય નેતા, સિવિલ સર્વન્ટ અને મિડિયા કર્મીઓના બાળકો અમારી શાળામાં ભણે છે.”
હાલમાં જ શાળાના ઓડિટોરિયમનું નવિનીકરણ વિદ્યાલયના ૧૯૮૧ના બેચના વિદ્યાર્થીઓની મદદથી કરવામાં આવ્યું. આ રીફર્બિશડ ઓડિટોરિયમનું ઉદઘાટન ગત ૨૭મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતના પ્રસિદ્ધ ‘ગાંધર્વ ગાયક વૃંદ’ (Gandharv Choir)એ પરફોર્મન્સ આપ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત એજ્યુંકેશન સોસાયટીએ દાતાઓનું બહુમાન પણ કર્યું. દાતાઓની સૂચિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર, કોર્પોરેટ અફેરસ અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ છે.કાર્યક્રમમાં ગુજરાત એજ્યુકેશન સોસાયટીએ વિદ્યાલયના ક્લાસરૂમના આધુનિકરણ માટે ફંડની અપીલ કરી હતી. સોસાયટીની અપીલના ફકત ૨૪ કલાકમાં જ ₹ એક કરોડથી વધારેનું દાન દિલ્હીના ગુજરાતીઓએ આપી ગુજરાતની અસ્મિતા અને ઉદારતાનો દાખલો દિલ્હીમાં આપ્યો છે.
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે પોતાના બનાવટી વિડિયોને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે વિપક્ષે ઘોષણાપત્ર પર ચૂંટણી લડવી જોઈએ ના કે બનાવટી વિડિયો પર. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજકારણ નીચલા સ્તરે પહોંચ્યું છે.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની હતાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેમને મારા કે અન્ય ભાજપના નેતાઓના બનાવટી વિડિયો ફેલાવ્યા છે. મુખ્ય મંત્રીઓ. પ્રદેશાધ્યક્ષ અને અન્ય લોકોએ પણ એવું કર્યું હતું. આજે કોંગ્રેસ પાર્ટીના એક મુખય નેતા પર ગુનાઇત કેલ ચાલી રહ્યો છે. એ કાર્યવાહી તેમની હતાશા અને નિરાશાનો સંકેત છે, જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે, રાજકારણનું સ્તર નવા નીચલા સ્તરે ચાલી ગયું છે.
Shame on Congress Party. I strongly condemn Congress for spreading a fake & edited video. Home Minister @AmitShah ji's words have been twisted. Misleading the public is a disservice to democracy. This irresponsible behaviour has the potential to disrupt peace. pic.twitter.com/47seqGvNH2
— Kiren Rijiju (मोदी का परिवार) (@KirenRijiju) April 29, 2024
મારું માનવું છે કે નકલી વિડિયો પ્રસારિત કરીને જનતાનું સમર્થન હાંસલ કરવાના પ્રયાસ નિંદનીય છે અને ભારતીય રાજકારણમાં કોઈ પણ મુખ્ય પાર્ટી દ્વારા એવું ક્યારેય નથી કરવામાં આવવું જોઈએ. દિલ્હીની પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે માહિતી આપી હતી કે તેણે શાહના છેડછાડ વિડિયો કરવામાં આવેલા વિડિયોને પ્રસારિત કરવા માટે જવાબદાર વ્યક્તિઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં અનામતને ખોટા બતાવ્યા હતા.
ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના અધિકારી સિંકુ શરણ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે સોશિયલ મિડિયા પર કેટલાક નકલી વિડિયો ફેલાવવામાં આવી રહ્યા છે અને આ વિડિયોથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. જ્યારે દિલ્હી પોલીસે વિડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ વિડિયો ફેસબુક, X સહિત ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર છે.
રાજકોટ : લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારની પસંદગીમાં જેમના નામનું લોબિંગ કરવામાં આવી રહ્યું હતું તેવા સામાજિક કાર્યકર અને શિવાજી સેનાના ગુજરાતના અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય કોળીસેનાના યુવા પ્રમુખ વિક્રમભાઇ સોરાણી તેમના સર્મર્થકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમા જોડાતા એવી અટકળો વહેતી થઈ છે, કે સુરતમાં ખેલો થયો એ પહેલા રાજકોટમાં આવો ખેલો કરવાનો પ્લાન હતો.
રાજકોટ કોંગ્રેસના એક જૂથે વિક્રમ સોરણીને ટિકિટ આપવા પાર્ટીને દબાણ કરતું હતું. પરંતુ રાજકોટના એક કોંગ્રેસના આગેવાન ડૉ .હેમાંગ વસાવડા એ વિક્રમ ને ટિકિટ આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેમને ટિકિટ આપશો તો તે ભાજપમાં ભળી જશે અંતે રાજકોટમાં પરેશ ધાનાણી ને ટિકિટ અપાઈ હતી. ગઈકાલે સાંજે રાજકોટ નજીક એક ગામમાં પાટીલની હાજરીમાં વિક્રમ સોરણી તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં જોડાતી વખતે તેમણે કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે”. વિક્રમભાઇ સોરાણી ગત ડિસેમ્બરમાં વાંકાનેર વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચુંટણી લડ્યા હતા. આમ આપને પણ ફટકો પડ્યો છે.
જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, “આજે વિક્રમભાઇ સોરાણી ભાજપમાં જોડાયા છે. તેમનું હ્રદયથી સ્વાગત કરુ છું”. આ કાર્યક્રમમા સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ, ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 78 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,031 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,586 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,738 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 81 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 841 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,989 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.