Home Blog Page 119

એક વધુ શીશમહેલઃ ભાજપે કેજરીવાલને દિલ્હીના રહેમાન ડકૈત કહ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભાજપે મોટો આરોપ લગાવ્યો છે. દિલ્હીની સરકારમાં મંત્રી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના ફિલ્મ ધુરંધરના રહમાન ડાકુ સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોધી એસ્ટેટમાં કેજરીવાલને ફાળવાયેલા બંગલાની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સરકારી નિવાસમાં કેજરીવાલે ભારે ખર્ચ કર્યો – પરવેશ વર્મા

તેમણે કહ્યું હતું કે લોધી એસ્ટેટના સરકારી નિવાસસ્થાને કેજરીવાલે ખૂબ ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું કે આ સરકારી ઘર છે, પરંતુ તેમાં સરકારી પૈસા લાગ્યા નથી. તેમણે કહ્યું હતું કે અગાઉ 6 ફ્લેગ સ્ટાફ રોડ (જેને ભાજપ ‘શીશમહેલ’ કહે છે)ના ખર્ચ અંગે પ્રશ્નો ઊઠ્યા ત્યારે કેજરીવાલે દાવો કર્યો હતો કે આ ખર્ચ PWDના ચીફ એન્જિનિયરે કર્યો હતો અને તેમને તેની જાણ નહોતી, પરંતુ હવે નવા ઘરને લઈને તેઓ એવો દાવો કરી શકતા નથી.

‘આમ આદમી પાર્ટીનું નામ ‘અલીશાન આદમી પાર્ટી’ હોવું જોઈએ’

તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું નામ ‘આલિશાન આદમી પાર્ટી’ હોવું જોઈએ. શું કેજરીવાલ અમને જણાવશે કે લોધી રોડના બંગલા અથવા નવા શીશમહેલમાં કેટલો ખર્ચ થયો છે? પૈસા ક્યાંથી આવ્યા અને કોના છે? શું એ સાચું નથી કે તમારી લાલચને કારણે તમારી પાર્ટીના ઈમાનદાર કાર્યકરો તમને છોડીને જઈ રહ્યા છે? વારંવાર આવા શીશમહેલ બનાવવાની શું જરૂર છે? આ શીશમહેલમાં કઈ કંપનીના પૈસા લાગ્યા છે? તેમણે આખા ઘરની રચનામાં જેટલું દિમાગ લગાવ્યું છે, એટલો સમય જો દિલ્હીના કામોમાં લગાવ્યું હોત તો કદાચ આજે કાર્યકરો પાર્ટી ન છોડતા.

કેજરીવાલ પર ‘બીજો શીશમહેલ’ બનાવવાનો આરોપ

પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ પર પંજાબમાં ‘બીજો શીશમહેલ’ બનાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી ભગવંત માનના સરકારી નિવાસની આસપાસનાં ચાર મકાનો પર અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કબજો કરી લીધો છે. તેમણેએ કહ્યું હતું  કે પંજાબમાં ભગવંત માન પરેશાન છે. ત્યાં પણ એક વધુ શીશમહેલ બનાવી દીધો છે.

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલમાં 26.77 રૂપિયાનો ભાવવધારોઃ ગેસ સપ્લાય પણ અસ્તવ્યસ્ત

ઇસ્લામાબાદઃ એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ કરાવી દુનિયામાં વખાણ મેળવવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ત્યાંની સરકારે ફરી એક વાર જનતા પર મોંઘવારીનો ‘બોમ્બ’ ફોડ્યો છે. શહબાઝ સરકારે પહેલેથી જ મોંઘવારીથી પરેશાન જનતા પર વધુ એક મોટો બોજ મૂકી પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવોમાં ભારે વધારો કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી તાજી સૂચના મુજબ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર 26.77 રૂપિયાનો સમાન વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર 393.35 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ 380.19 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. આ નવી કિંમતો 25 એપ્રિલ (શનિવાર) મધરાતથી અમલમાં આવી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

આ મોટા ફેરફારનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઊથલપાથલ અને સરકાર દ્વારા પેટ્રોલિયમ લેવીમાં કરાયેલ વધારો માનવામાં આવે છે. ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારાની સીધો અસર માલવહન અને કૃષિ ક્ષેત્ર પર પડશે, જેને કારણે આવનારા દિવસોમાં ખાદ્યવસ્તુઓ અને અન્ય આવશ્યક સેવાઓના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તણાવ યથાવત

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય અને રાજદ્વારી તણાવને કારણે કાચા તેલના ભાવમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. હાલની પરિસ્થિતિમાં સૌથી મોટી ચિંતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને છે.

પાકિસ્તાન ફરી ગેસ સપ્લાય ચેન અસ્તવ્યસ્ત

 

પડોશી દેશ પાકિસ્તાન ફરી એક વાર મોટા ઊર્જા સંકટના મુખે ઊભો છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિએ પાકિસ્તાનની ગેસ સપ્લાય ચેનને સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધી છે. આ ભૂરાજકીય અસ્થિરતાને કારણે પાકિસ્તાનમાં એલપીજી અને કુદરતી ગેસની ભારે અછત ઊભી થઈ છે. ઘરેલુ સ્તરે ગેસ સપ્લાય લગભગ બંધ થવાની કગાર પર છે, જેને કારણે સામાન્ય જનતાના ચૂલા ઠંડા પડી રહ્યા છે, એ સાથે જ વીજ ઉત્પાદન અને ઉદ્યોગો પર પણ ગંભીર અસર પડી રહી છે.

મણિપુર: ગોળીબારમાં 3 લોકોના મોત,અનેક ઘરો બળીને ખાખ

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા.તેમજ 5 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.


મણિપુરના ઉખરુલ જિલ્લામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગૂમાવ્યા. કુકી અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણમાં અનેક ઘરોમાં આગ લાગી હતી અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ અન્ય કુકી ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના જિલ્લાના મુલ્લામ ગામ નજીક બની હતી, જ્યાં સુરક્ષા દળોએ બે મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મૃતકોની ઓળખ એલ. સિતલહોઉ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંને ગોળીઓના ઘા સાથે મળી આવ્યા હતા અને તેમણે છદ્માવરણ ગણવેશ પહેર્યો હતો. અગાઉ, સવારે લગભગ 5:30 વાગ્યે, તાંગખુલ ​​નાગા-પ્રભુત્વ ધરાવતા વિસ્તારના મુલ્લામ ગામમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ અથડામણ દરમિયાન ગામની બહારના કેટલાક ઘરોને પણ આગ લગાવી દેવામાં આવી હતી.

કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મુલ્લામ અને સોંગફાલ ગામમાં બે ગામ સ્વયંસેવકોની હત્યા અને ઘરોને બાળી નાખવાની નિંદા કરી છે. સંગઠને તાત્કાલિક FIR નોંધવાની અને સમયસર તપાસની માંગ કરી છે.

આતંકવાદી હુમલામાં યુવકનું મોત
એક અલગ ઘટનામાં, કામજોંગ જિલ્લાના ચાટ્રિક ખુલ્લેનના રહેવાસી 29 વર્ષીય એચ. જામંગનું શુક્રવારે વહેલી સવારે ઉખરુલ જિલ્લાના સિનાકેઇથેઈ ગામ નજીક સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય ચાર સ્વયંસેવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાંગખુલ ​​નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા, તાંગખુલ ​​નાગા લોંગે જામંગની હત્યા પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિરારાખોંગ અને સિનાકીથેઈ વિસ્તારોમાં સતત પ્રવૃત્તિઓ અને વિક્ષેપોને કારણે નાગા ગ્રામ રક્ષકોને પેટ્રોલિંગ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તાંગખુલ ​​નાગા સંગઠનોએ હુમલા માટે કુકી આતંકવાદીઓને દોષી ઠેરવ્યા હતા, જ્યારે કુકી સંગઠનોએ કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

બંગાળ ચૂંટણીમાં પક્ષપાતના આરોપમાં પાંચ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે થયેલા પ્રથમ તબક્કાના વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષપાતના આરોપી ગણાયેલા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં IPS અધિકારી, SDPO અને ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. આ અધિકારીઓના સસ્પેન્શનના આદેશ ચૂંટણી પંચે આપ્યા હતા. હવે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અધિકારીઓ પર ગંભીર દુર્વ્યવહાર અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. ચૂંટણી પંચ મતદાનના દિવસે નિષ્પક્ષતા ન રાખવા અને દુર્વ્યવહાર બદલ અનેક અધિકારીઓના સસ્પેન્શન તથા અન્ય શિસ્તાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની યાદી

  1. સંદીપ ગરાઈ, IPS, એડિશનલ SP, ડાયમંડ હાર્બર
  2. સજલ મંડલ, SDPO, ડાયમંડ હાર્બર
  3. મોસમ ચક્રવર્તી, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશન
  4. અજય બાગ, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, ફાલ્ટા પોલીસ સ્ટેશન
  5. શુભેચ્છા બાગ, ઇન્ચાર્જ અધિકારી, ઉસ્તી પોલીસ સ્ટેશન

આ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ડાયમંડ હાર્બરની પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડો. ઈશાની પાલને ચૂંટણી જેવા સંવેદનશીલ મામલાઓમાં પોતાના હેઠળના અધિકારીઓમાં શિસ્ત અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચેતવણી આપવામાં આવી છે.

સસ્પેન્શન લિસ્ટમાં પ્રથમ નામ ASP સંદીપ ગરાઈનું

સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસ અધિકારીઓ ડાયમંડ હાર્બર વિસ્તારના છે. ચૂંટણી પંચ ઉપલબ્ધ પુરાવાઓને આધારે તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તમામ પર કથિત કૃત્યભંગ અને પક્ષપાતના આરોપ છે. સસ્પેન્ડ અધિકારીઓની યાદીમાં પ્રથમ નામ ડાયમંડ હાર્બરના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (ASP) સંદીપ ગરાઈનું છે. તેમની સામે પુરાવા સાથેનો અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી શકે છે.

ચૂંટણી દરમિયાન છૂટક અથડામણો થઈ હતી

23 એપ્રિલે બંગાળની 152 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક સ્થળોએ છૂટક અથડામણોની ઘટનાઓ સામે આવી હતી. ભાજપ ઉમેદવારો પર હુમલાના બનાવો પણ બન્યા હતા. એક ઉમેદવારને તો દોડાવીને માર મારવામાં આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26મી એપ્રિલે મતદાન

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગજવી રહેલા પ્રચારના પડઘમ આખરે શાંત થયા છે. રાજકીય પક્ષોની રણનીતિ હવે ‘ડોર-ટુ-ડોર’ સંપર્ક પર કેન્દ્રિત થઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોને રીઝવવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જો કે આ વખતે લોકોમાં નિરસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સૌની નજર 26મી એપ્રિલના મતદાન પર છે.ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત
ચૂંટણીના 48 કલાક પહેલાં, એટલે કે આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને AAPના  નેતાઓએ રાજ્યના ખૂણેખૂણે રેલીઓ, રોડ-શો અને જાહેર સભાઓ ગજવીને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી મતદારોના ઘર આંગણે જઈને વિકાસના વાયદાઓ અને પરિવર્તનની આશાઓ સાથે પ્રચાર કર્યો હતો.
હવે થશે ડોર ટુ ડોર પ્રચાર
15 મહાનગરપાલિકા, 76 નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતો માટે જાહેર પ્રચાર બંધ થયો છે. જેના સ્થાને હવે ઉમેદવારો ‘ડોર ટુ ડોર’ સંપર્ક પર ભાર મૂકશે. 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ, હવે બાકીની બેઠકો પર દરેક પક્ષો પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ચૂંટણી પંચના નિયમો અનુસાર, હવે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સભા, સરઘસ કે લાઉડસ્પીકર દ્વારા જાહેર પ્રચાર કરી શકશે નહીં. વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષોના બેનરો, પોસ્ટરો અને અન્ય પ્રચાર સામગ્રી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર લોકશાહીનું આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય..
26મી એપ્રિલે મતદાન 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26મી એપ્રિલે યોજાવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીનોની ફાળવણી અને મતદાન મથકો પરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રચારના પડઘમ શાંત થતા જ હવે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે અને કોને સત્તાના સૂત્રો સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે. દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હીટવેવની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.  લોકો અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરી રહ્યા છે. કામ વગર ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધુ વધવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સૌથી ઊંચો

તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

વિવિધ શહેરોમાં તાપમાનનો અંદાજ

રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે. અમદાવાદ, કંડલા અને કેશોદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. ગાંધીનગર, ભુજ અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાશે. ડીસા, સુરત અને વિદ્યાનગરમાં પણ પારો 40 ડિગ્રીને સ્પર્શી શકે છે. વધતી ગરમીને પગલે તંત્ર દ્વારા નાગરિકોને પુષ્કળ પાણી પીવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ

અમદાવાદ: ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદાણીની સંપત્તિમાં તોફાની તેજી જોવા મળી છે. માત્ર 24 કલાકમાં $7.16 અબજ (આશરે ₹60,000 કરોડ)ની કમાણી કરીને અદાણીએ વિશ્વના અમીરોની યાદીમાં મોટું ઉલટફેર કરી નાખ્યું છે.

આ સાથે જ ધનિકોની વૈશ્વિક યાદીમાં નવો ઈતિહાસ રચાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અદાણીની નેટવર્થ હવે $106 અબજ પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 17મા સ્થાને પહોંચ્યા છે. તેમણે માઈક્રોસોફ્ટના દિગ્ગજ બિલ ગેટ્સ ($104 અબજ)ને પાછળ છોડી દીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $21.4 અબજનો જંગી વધારો થયો છે.

આ તરફ અદાણી અને અંબાણી જૂથની સંપત્તિની રેસમાં પણ અંતર વધ્યું છે. એક તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ રિલાયન્સના મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ $1.11 અબજ ઘટીને હવે $90.2 અબજ થઈ છે, જેના કારણે તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 20મા સ્થાને પહોંચી ગયા છે. અદાણી હવે અંબાણી કરતા આશરે $16 અબજ વધુ સંપત્તિ ધરાવે છે.

બજારના નિષ્ણાતોના મતે, અદાણીના શેરોમાં આવેલી તેજી પાછળના મુખ્ય કારણોમાં અદાણી ગ્રુપની કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો અને રોકાણકારોનો વધતો ભરોસો છે. ખાસ કરીને પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ગ્રુપના આક્રમક વિસ્તારે તેમની નેટવર્થને નવી ઊંચાઈ આપી છે.

વિશ્વના ટોપ-5 અમીરોની યાદી જોઈએ તો,
1. એલોન મસ્ક: $645 અબજ (ટેસ્લા/સ્પેસએક્સ)
2. લેરી પેજ: $289 અબજ (ગૂગલ)
3. જેફ બેઝોસ: $274 અબજ (એમેઝોન)
4. સર્ગેઈ બ્રિન: $269 અબજ (ગૂગલ)
5. માર્ક ઝકરબર્ગ: $233 અબજ (મેટા)

ગૌતમ અદાણીની આ સફળતા માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય અર્થતંત્રના વધતા પ્રભાવનું પ્રતિક છે. જે રીતે તેમણે બિલ ગેટ્સ જેવા વૈશ્વિક દિગ્ગજોને પાછળ છોડ્યા છે, તે જોતા આગામી સમયમાં તેઓ ટોપ-10માં ફરી સ્થાન મેળવે તેવી પૂરી શક્યતા છે.

પંચાંગ 25/04/2026

ઘેંસ

સખત તાપવાળા ઉનાળાના દિવસોમાં પારંપરિક વાનગી ઘેંસ પ્રકૃતિમાં ઠંડક ધરાવતી વાનગી છે. પેટમાં પણ તકલીફ હોય તો પાચનમાં હલકી તેમજ ફાયદાકારક છે.

સામગ્રીઃ ચોખાની કણી 1 કપ (કોઈપણ ચોખાની કણી લઈ શકાય), ખાટ્ટી છાશ 3 કપ, જીરૂ 1 ટી.સ્પૂન, આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટી.સ્પૂન, કળીપત્તાના પાન 8-10, ઘી 3 ટે.સ્પૂન

રીતઃ ચોખાની કણીને 2-3 પાણીએથી ધોઈને ફરીથી બીજું ચોખ્ખું પાણી લઈ તેમાં 15-20 મિનિટ માટે પલાળી રાખો.

ત્યારબાદ એક કૂકરને કપડા વડે અંદરથી લૂછીને કોરું કરી લો અને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં 2 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે જીરૂનો વઘાર કરો. જીરૂ તતડે એટલે આદુ-મરચાંની પેસ્ટ તેમજ લીમડાના પાન ઉમેરીને સાંતડો. ત્યારબાદ છાશ તેમજ ધોયેલા ચોખાની કણી કૂકરમાં ઉમેરો.

થોડીવાર ગેસની આંચ મધ્યમ કરીને 8-10 મિનિટ કૂકરને બંધ કર્યા વગર ચોખાની કણી રંધાવા દો. વચ્ચે વચ્ચે ચમચા વડે ચારવતા રહો. ત્યારબાદ કૂકરને ઢાંકીને ગેસની મધ્યમ આંચે 4-5 સીટી કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું થાય, બધી વરાળ નીકળી જાય એટલે તેનું ઢાંકણું ખોલીને ઘેંસને એક વાસણમાં કાઢી લો.

જ્યારે ઘેંસ પ્લેટમાં પીરસો. ત્યારે તેની ઉપર 1 ચમચી ઘી રેડીને થોડી કોથમીર ઉપર ભભરાવીને પીરસો.

 

૨૫ એપ્રિલ ૨૦૨૬