Home Blog Page 120

રાઘવ ચઢ્ઢા સહિત કેટલાક આપ સાંસદો વિધિવત ભાજપમાં સામેલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ 24 એપ્રિલના રોજ રાજીનામાં આપ્યા. રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી. ત્યારબાદ તમામ સીધા ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.નીતિન નબીને મોં મીઠું કરાવી સ્વાગત કર્યું

ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ચઢ્ઢાએ ભાજપ અધ્યક્ષને ગુલદસ્તો ભેટ કર્યો. આ સત્તાવાર મિલનની સાથે રાઘવ ચઢ્ઢા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા. પાર્ટી કાર્યકર્તાઓમાં આ રાજકીય ઘટનાક્રમમાં જશ્નનો માહોલ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ હવે રાજ્યસભામાં નબળી થઈ ગઈ છે.

કયા કયા નેતાઓએ રાજીનામાં આપ્યા?

રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીમાંથી 7 સાંસદોએ રાજીનામાં આપ્યા છે. જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ છે.

મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી

નવી દિલ્હીઃ દિગ્ગજ સોશિયલ મિડિયા કંપની મેટાએ ફરી એક વાર પોતાના વર્કફોર્સમાં મોટી છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી કે તે પોતાના 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરશે. કંપનીના આ નિર્ણય બાદ મેટાના આશરે 8000 કર્મચારીઓની નોકરી જોખમમાં આવી ગઈ છે. આ ઉપરાંત કંપનીએ હજુ સુધી ન ભરાયેલા 6000 પદોને કાયમ માટે બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. મેટાની ચીફ પીપલ ઓફિસર જેનેલ ગાલેએ મેમો દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી હતી. આ જાહેરાત બાદ મેટાના શેરોમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેટા છટણી શા માટે કરી રહી છે?

મેટાએ મેમોમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા અને જનરેટિવ AI ક્ષેત્રમાં રોકાણનું સંતુલન જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. માર્ક ઝુકરબર્ગ ના નેતૃત્વ હેઠળ હવે કંપની પોતાનું સંપૂર્ણ ધ્યાન અને મૂડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પર કેન્દ્રિત કરી રહી છે. ઓપન AI, ગૂગલ અને એન્થ્રોપિક જેવી કંપનીઓથી મળતી કડક સ્પર્ધાએ મેટાને પોતાની વ્યૂહરચના બદલવા મજબૂર કરી છે.

AI પર મેટાનો વધતો ખર્ચ

કંપનીએ વર્ષ 2025માં ડેટા સેન્ટર અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 72.2 અબજ ડોલર ખર્ચ્યા હતા અને અંદાજ છે કે 2026માં આ ખર્ચ 115 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. નવી ટેક્નોલોજી અપનાવવાની દોડમાં માનવબળ ઘટાડવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યના વર્ક કલ્ચર માટે મોટો સંકેત માનવામાં આવે છે.

પ્રભાવિત કર્મચારીઓને રાહત પેકેજ

20 મેથી શરૂ થનારી આ છટણી પ્રક્રિયા દરમિયાન કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને રાહત આપવા પણ પ્રયત્ન કર્યો છે. અમેરિકામાં જેમની નોકરી જશે તેમને 16 સપ્તાહની મૂળ સેલેરી આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીમાં કામ કરેલા દરેક વર્ષ બદલ બે વધારાના સપ્તાહનો પગાર પણ મળશે. મેટાએ વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકા બહાર કામ કરતા કર્મચારીઓ માટે પણ આવા જ પેકેજ તૈયાર કરવામાં આવશે.

બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 1000 અંક તૂટ્યો, બંધ, નિફ્ટી 24,000ની નીચે

અમદાવાદઃ ઘરેલુ શેરબજારો માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. સતત ત્રીજા દિવસે બજાર ઘટીને બંધ થયું હતું. નિફ્ટીના બધા સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. સૌથી વધુ પાંચ ટકા નિપ્ટી IT તૂટ્યો હતો. ફાર્મા ઇન્ડેક્સ આશરે બે ટકા અને હેલ્થકેર તેમ જ રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.90 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

એશિયન બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા સાથે બંધ થયું. અમેરિકા-ઈરાન વાટાઘાટો  ઘોંચમાં પડતાં અને હોર્મુઝ જળમાર્ગમાં નાકાબંધીને કારણે કાચા તેલના ભાવમાં તેજી આવી. તેને કારણે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર અસર પડી હતી. એ સાથે જ આઈટી શેરોમાં ભારે વેચવાલીએ બજારને વધુ નીચે ધકેલ્યું.

બીએસઈ સેન્સેક્સ 150થી વધુ અંકના ઘટાડા સાથે 77,483.80 પર ખૂલ્યો હત અને અંતે 999.79 પોઇન્ટના ઘટાડા સાથે 76,664.21 પર બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી-50 275.10 પોઇન્ટના ઘટાડા સાથે 23,897 પર બંધ થયો હતો. ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી થઈ હતી. જેના પર પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા પડતા રૂપિયાનો દબાણ રહ્યો. નિરાશાજનક ત્રિમાસિક પરિણામો બાદ આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો, જ્યારે વેચવાલીનો દબાણ લગભગ તમામ સેક્ટરમાં વ્યાપક રહ્યો. હતો, એમ બજારના વિશ્લેષકે જણાવ્યું હતું.

BSE પર કુલ 4437 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3828 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 508 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 101 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 62 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 220 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે સાત શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 14 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

રાઘવ ચઢ્ઢાનું AAPમાંથી રાજીનામું, કહ્યું બે તૃતીયાંશ સાંસદો સાથે BJPમાં જોડાશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારી જાહેરાત કરી છે.  તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ(2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે. રાઘવ ચઢ્ઢાએ પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની પણ જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે. તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’

વિશ્વનાં 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતનાં

નવી દિલ્હીઃ  હવામાન વિભાગ (IMD) એ પણ ચેતવણી આપી છે કે આ વર્ષે મેદાની વિસ્તારો સાથે પહાડી વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડશે. હવામાન વિભાગના માસિક રિપોર્ટ મુજબ જળવાયુ સંકટને કારણે દેશમાં હવે દરેક ઋતુ પ્રભાવિત થઈ રહી છે. એપ્રિલ, 2026ના આંકડા અનુસાર ભારતમાં ભારે ગરમી પડવાની છે. આંકડાઓ મુજબ  વિશ્વનાં 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતનાં છે. AQI.in અનુસાર ટોપ 20 સૌથી ગરમ સ્થળોમાંથી 19 ભારતનાં છે, જ્યાં એપ્રિલમાં જ તાપમાન 45°Cથી ઉપર પહોંચી રહ્યું છે.

આવતા વર્ષે વધુ વધશે ગરમી

અહેવાલઅનુસાર ભારતનો 55 ટકા વિસ્તાર હવે હાઈ હીટ રિસ્ક ઝોનમાં આવી ગયો છે. ભારત સિવાય વિશ્વનાં સૌથી ગરમ દેશોમાં ઘણી વાર માલી, બુર્કિના ફાસો, સેનેગલ, કુવૈત અને ઇરાક જેવા દેશોનો સમાવેશ થાય છે, પરંતુ હાલ ભારત સૌથી વધુ અસરગ્રસ્ત છે. વિશ્વ સ્તરે જોવામાં આવે તો છેલ્લા અંદાજે દોઢ દાયકાથી વૈશ્વિક સરેરાશ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. વર્ષ 2026માં સામાન્ય કરતાં 1.44 ડિગ્રી વધુ તાપમાન વધ્યું છે. આગામી વર્ષ એટલે કે 2027માં ગરમી પ્રચંડ સ્વરૂપ ધારણ કરી શકે છે અને જૂના બધા રેકોર્ડ તોડી શકે છે.

 વધતી ગરમીનું કારણ શું?

દેશમાં વધતી ગરમી એટલે કે હીટવેવ પાછળ હીટ ડોમ, નબળો પશ્ચિમ વિક્ષોભ અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. હીટ ડોમ ગરમ હવામાં જમીન નજીક કેદ કરી રહ્યો છે. વાયુમંડળમાં ઊંચા દબાણને કારણે એક “અદ્રશ્ય ઢાંકણ” બની ગયું છે, જે ગરમ હવાને ઉપર જવા દેતું નથી અને જમીન નજીક જ અટકાવી રાખે છે, જેને કારણે તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. પૃથ્વીના વધતા તાપમાનને કારણે હીટવેવની તીવ્રતા ઘણી વધી ગઈ છે.

જળવાયુ પરિવર્તન સૌથી મોટું કારણ

શહેરોમાં કોંક્રીટની ઇમારતો અને રસ્તાઓ દિવસભર ગરમી શોષી લે છે અને રાત્રે છોડે છે, જેને કારણે રાતો પણ ગરમ થઈ રહી છે. વૃક્ષોની અછત અને ઘટતા ભૂગર્ભ જળ સ્તરને કારણે ભેજ ઘટી ગયો છે, જેને કારણે સૂકી ગરમીનો પ્રભાવ વધ્યો છે. એ સાથે જ અલ નીનોનો પ્રભાવ અને શહેરોમાં કોંક્રીટના વધતા ઉપયોગથી (અર્બન હીટ આઇલેન્ડ અસર) તાપમાન વધુ વધી રહ્યું છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) એ પણ ચેતવણી આપી છે કે અલ નીનો અને લા નીના હવે જલવાયુ સંકટ સાથે મળીને હવામાન પેટર્નમાં ફેરફાર લાવી રહ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે કર્યું ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં શહેર પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 26મી એપ્રિલે યોજાનારા મતદાન બાદ તમામ મતપેટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંને નિયત કેન્દ્રો પર લાવવામાં આવશે, જ્યાં 28 એપ્રિલે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે પોલીસે ‘થ્રી-લેયર’ સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. જી.એસ. મલિકે વિગતો આપતા જણાવ્યું કે, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં શહેરના 27 વોર્ડની મતગણતરી થશે, જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડના મતો ગણવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડીઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. જે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સજ્જ છે.

 

 

મતદાનના દિવસે શહેરભરમાં અંદાજે 8,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શહેરમાં અવરજવર કરતા મહાનુભાવો અને VVIP સુરક્ષા માટે અલગથી 2500 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે હંમેશા મોટો પડકાર રહ્યો છે, પરંતુ આ વખતે ટેકનોલોજી અને સીસીટીવી સર્વેલન્સના સમન્વય સાથે અભેદ કિલ્લા જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક પહેરો રાખવાની સૂચના પણ કમિશનર દ્વારા આપવામાં આવી છે, જેથી જનતાના મતોની વિશ્વસનીયતા જળવાઈ રહે.

બિહાર વિધાનસભામાં સમ્રાટ સરકારે જીત્યો વિશ્વાસ મત

પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ શુક્રવારે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બહુમતથી પાસ થયો હતો. વિશ્વાસ મત પ્રસ્તાવ ધ્વનિ મતથી મંજૂર થયો. તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના વિપક્ષે મત વિભાગની માગ કરી નહોતી, જેને કારણે સરકારે સરળતાથી બહુમત સાબિત કર્યું. હકીકતમાં, આ માત્ર એક ઔપચારિક પ્રક્રિયા હતી. રાજ્યની NDA સરકાર પાસે પૂર્ણ બહુમત છે. ગઠબંધન પાસે વિધાનસભામાં કુલ 201 સભ્યોનું સમર્થન છે.

મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીને ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હમ અને રાષ્ટ્રીય લોક મોરચાના 201 ધારાસભ્યોનું સમર્થન છે. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં એનડીએ પાસે બે તૃતીયાંશથી પણ વધુ બહુમત છે. હાલમાં સદનમાં કુલ 242 ધારાસભ્યો છે, કારણ કે ભાજપના ધારાસભ્ય નીતિન નવીન, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી ચૂક્યા છે. તેઓ પટનાની બાંકિપુર બેઠક પરથી ધારાસભ્ય હતા.

જોકે સદનમાં વિશ્વાસ મત રજૂ થવાથી લઈને તેની મંજૂરી સુધી વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને સમ્રાટ ચૌધરી આમનેસામને દેખાયા. ‘ઇલેક્ટેડ સીએમ’ અને ‘સિલેક્ટેડ સીએમ’ મુદ્દે બંને પક્ષો આક્રમક રહ્યા. તેજસ્વી યાદવે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન 25થી 30, ફરીથી નીતીશ કહેતી ભાજપે હવે નીતીશકુમારને પૂર્ણ રીતે ખતમ કરી દીધા છે.

તેમણે સમ્રાટ ચૌધરીને કહ્યું કે પોતાની પઘડી સંભાળી રાખે, કારણ કે તેના પર વિજય સિન્હાની નજર છે. વિપક્ષના આક્ષેપોનો ઉપ મુખ્ય મંત્રી વિજય કુમાર ચૌધરીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે 2025થી 2030 સુધી નીતીશકુમારના માર્ગદર્શન હેઠળ જ સરકાર ચાલશે. તેમાં કોઈ શંકા નથી. 2020માં ઓછી બેઠકો આવ્યા છતાં ભાજપે JDUના નેતા નીતીશકુમારનું સન્માન કર્યું અને તેમના નેતૃત્વમાં સરકાર બનાવી.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ મહિને નીતીશ કુમારથી સમ્રાટ ચૌધરીને સત્તા હસ્તાંતરણ એક મિશાલ બની ગયું છે. આ ઐતિહાસિક નિર્ણય છે. એનડીએ પ્રત્યે જનતાનો વિશ્વાસ અડગ છે.

જ્યારે સચિન તેંડુલકરે પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી…

સચિન તેંડુલકરે 1989માં પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમી હતી, પરંતુ તે પહેલાં તે એક વાર મેદાનમાં ગયા હતા અને પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી, આ વાત ઘણા લોકો જાણતા નથી.

સચિન તેંડુલકર આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તમે સચિન તેંડુલકરના ઘણા રેકોર્ડ અને સિદ્ધિઓ જાણતા હશો,પરંતુ શું તમે જાણો છો કે સચિન એક સમયે પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરતો હતો? એક સમયે સચિને પાકિસ્તાન માટે છગ્ગા ફટકાર્યા હતાં.

સચિને 1987માં પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી

સચિન તેંડુલકરે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે પહેલાં, તે ઘણીવાર મેચ જોવા અને અન્ય કાર્યો કરવા જતા હતા. 1987માં સચિને પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી, જ્યારે સચિને પોતાનું ડેબ્યૂ કર્યું ન હતું અને તે ખૂબ જાણીતા નહોતા. 1987માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. આ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નહોતી, પરંતુ એક પ્રદર્શની મેચ હતી. આ મેચ 20 જાન્યુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.

તો આ વાત એમ હતી કે મેચ દરમિયાન જ્યારે લંચ બ્રેક પૂરો થયો ત્યારે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર આરામ કરવા ગયા.પાકિસ્તાનને એક અવેજી ફિલ્ડરની જરૂર હતી. તે સમયે સચિન તેંડુલકર હાજર હતા. પાકિસ્તાનના તત્કાલીન કેપ્ટન ઇમરાન ખાને સચિન તેંડુલકરને જ્યાં સુધી તેમના ખેલાડી ના આવે ત્યાં સુધી થોડા સમય માટે પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરવા વિનંતી કરી હતી.

આ પછી, સચિન તેંડુલકરે મેદાનમાં ઉતરીને આ પ્રદર્શની મેચમાં પાકિસ્તાન માટે લગભગ 25 મિનિટ સુધી ફિલ્ડિંગ કરી. આ સમય દરમિયાન, સચિનને ​​કપિલ દેવનો કેચ મળ્યો, પરંતુ તે તેને લેવામાં નિષ્ફળ ગયા હતા. આ એક અનોખી ઘટના છે. લગભગ બે વર્ષ પછી 1989માં, સચિન તેંડુલકરે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું, તે પણ પાકિસ્તાનમાં. જોકે, તેમનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું નહીં, અને તેઓ તેમની પહેલી મેચમાં શૂન્ય રન પર આઉટ થયા. પરંતુ એકવાર સચિને રન બનાવવાનું શરૂ કર્યું, પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ક્રિકેટમાં બહુ ઓછા બેટિંગ રેકોર્ડ છે જે સચિને બનાવ્યા ન હોય.

સચિને પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે

તેણે તે જ પાકિસ્તાન ટીમ સામે પણ ઘણા રન બનાવ્યા છે જેના માટે તેમણે એક સમયે ફિલ્ડિંગ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સચિને પાકિસ્તાન સામે 18 ટેસ્ટ રમી છે, જેમાં 1057 રન બનાવ્યા છે. આમાં બે સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. સચિને પાકિસ્તાન સામે 69 વનડે મેચ રમી અને 2526 રન બનાવ્યા, જેમાં પાંચ સદી અને 16 અડધી સદીનો સમાવેશ થાય છે.

સિંધુના પાણી માટે UNSCમાં પાકિસ્તાનની કાકલૂદીઃ સંધિ ફરી શરૂ કરવાની માગ

નવી દિલ્હી: સિંધુ જળ સંધિ (IWT) મુદ્દે ભારતના કડક વલણથી ગભરાયેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચોની શરણમાં ગયું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ ભારતના નિર્ણયનો મુદ્દો ઉઠાવી સંધિને “પૂર્ણ રીતે અમલમાં મૂકવા”ની માગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિfખાર અહમદે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે તેમણે પાકિસ્તાનના ઉપ વડા પ્રધાન અને વિદેશમંત્રી તરફથી લખાયેલો પત્ર યુએન જનરલ એસેમ્બલીના અધ્યક્ષને સોંપ્યો છે. આ પત્રમાં ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હોવાનો નિર્ણય “પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો” ગણાવ્યો છે.

ભારતના નિર્ણયથી અકળાયેલા પાકિસ્તાને સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તે ભારતને સિંધુ જળ સંધિ સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવા આહવાન કરે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો નિર્ણય પાકિસ્તાનમાં માનવીય સંકટ ઊભું કરી શકે છે. એ સાથે જ ભારત પર “પ્રચાર અભિયાન” ચલાવવાનો આરોપ મૂકતાં કાશ્મીર મુદ્દો ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવ્યો છે.

ભારતે પાણીને વ્યૂહાત્મક હથિયાર બનાવ્યું

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે ભારતે પહેલી વાર પાણીના મુદ્દાને વ્યૂહાત્મક અને શરતો સાથે જોડાયેલા વિષય તરીકે રજૂ કર્યો છે. યુરોપાવાયર માટે લખતાં ગ્રીક વિશ્લેષક દિમિત્રા સ્ટાયકૌએ કહ્યું હતું કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું કે લોહી અને પાણી સાથે-સાથે વહે શકતા નથી.

પાકિસ્તાનની ધમકીઓ પર ભારતનો કડક જવાબ

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતના નિર્ણયે પાકિસ્તાનને કૂટનીતિ અને વ્યૂહાત્મક બંને મોરચે બેકફૂટ પર ધકેલી દીધું છે. UNSCમાં અપીલ કરીને પાકિસ્તાન પોતે પીડિત છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો સંદેશ વધુ સ્પષ્ટ છે કે આતંક અને કરાર સાથે ચાલી શકતા નથી.

શા માટે સંધિ સ્થગિત કરાઈ?

ભારતનું સ્પષ્ટ કહેવું હતું કે લોહી અને પાણી એકસાથે વહે શકતા નથી. સરકારે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રીતે સમાપ્ત નહીં કરે, ત્યાં સુધી 1960ની સંધિને જૂની રીતથી ચાલુ રાખવી ભારતના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની સુરક્ષાના વિરોધમાં છે.

અન્નુ કપૂર સ્વર્ગસ્થ ઓમ પુરી પર કેમ ભડકયા?

અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં સ્વર્ગસ્થ ઓમ પુરીના અભિનયની પ્રશંસા કરી હતી, અને તેમના વિશે કઠોર ટિપ્પણીઓ પણ કરી હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અન્નુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી સાથેના તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે ઓમ પુરીને એક અદ્ભુત અભિનેતા તરીકે પ્રશંસા કરી, પરંતુ તેમણે તેમના પર તેમની બહેનનું જીવન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો.

ઓમ પુરીએ અન્નુ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા

અન્નુ કપૂરની બહેન સીમા કપૂરના લગ્ન ઓમ પુરી સાથે થયા હતા, પરંતુ થોડા મહિનામાં જ આ સંબંધનો અંત આવ્યો. સીમાને ખબર પડી કે ઓમ પુરીએ તેની સાથે છેતરપિંડી કરી છે. જોકે, ઓમ પુરી જીવનના અંતિમ તબક્કામાં હતા ત્યારે બંને ફરી જોડાયા.

તેણે મારી બહેન સાથે દગો કર્યો

અન્નુ કપૂરે કહ્યું,”ઓમ પુરી એક તેજસ્વી અભિનેતા હતા. તેમનાથી મોટો કોઈ અભિનેતા નહોતો, પણ એ વાત અલગ છે. તે કોઈનો પતિ બન્યો, અને પછી તેણે એક સ્ત્રી સાથે દગો કર્યો. ત્યાં જ બધું ખોટું થયું, અને હું તે સ્ત્રીનો ભાઈ છું.”

તેમણે આગળ કહ્યું,”તેણે 10 વર્ષ પહેલાં જવું જોઈતું હતું, પરંતુ મારી બહેને તેની સંભાળ રાખી. જ્યારે તેનું શરીર નબળું અને નાજુક થઈ ગયું ત્યારે તે પાછો ફર્યો. હું મારી બહેનથી ગુસ્સે અને દુઃખી પણ હતો.”

મારી બહેનનું જીવન બરબાદ થઈ ગયું

અન્નુ કપૂરે કહ્યું કે તેમણે હવે ભૂતકાળને પાછળ છોડી દીધો છે. “આજે, ઓમ પુરી સાહેબ હયાત નથી, પણ તેમનો પુત્ર છે. હું હજુ પણ તેમના પુત્ર અને તેમની ભૂતપૂર્વ પત્ની નંદિતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.મારે કોઈ સાથે દુશ્મની નથી, પરંતુ મને દુઃખ છે કે મારી બહેન સીમા કપૂરનું જીવન બરબાદ થઈ ગયું, અને તેમને કોઈનો સહારો નથી.”

તેમણે ઉમેર્યુ કે,”જો હું તે બાબતો વિશે વાત કરવાનું શરૂ કરીશ, તો તે પરિસ્થિતિને વધુ ખરાબ કરશે કારણ કે મારામાંનો ભાઈ બહાર આવશે. ઓમ પુરી મારાથી ડરતા પણ હતા કારણ કે હું સ્પષ્ટપણે બોલું છું. મને ડર નથી. હું લાચાર હતો, હું કંઈ કરી શકતો ન હતો.” અભિનેતા ઓમ પુરીનું 2017 માં અવસાન થયું.