Home Blog Page 106

રાશિ ભવિષ્ય 27/04/2026 થી 03/05/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન માનસિકથાકના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય. મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

પશ્ચિમ બંગાળમાં EVM સાથે છેડછાડ અંગે 77 ફરિયાદો  મળી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં બુધવારે થયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન EVM સાથે કથિત છેડછાડ અંગે 77 ફરિયાદો મળી છે.  જોકે ચૂંટણી પંચ આ વિસ્તારોમાં ફરી મતદાન કરાવવા અંગે નિર્ણય લે એવી શક્યતા છે. ફરિયાદોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)નાં બટનો પર કાળી ટેપ ચોંટાડવામાં આવી હતી  તેમ જ  શાહી અને અહીં સુધી કે પરફ્યુમના નિશાન પણ જોવા મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં ટેપ અથવા શાહીનો ઉપયોગ કરીને EVM સાથે છેડછાડના આક્ષેપ સાચા સાબિત થશે, ત્યાં ચૂંટણી પંચ ફરી મતદાનનો આદેશ આપશે. ચૂંટણી પંચનાં સૂત્રો મુજબ આ ફરિયાદો ફાલ્ટા, મગરાહાટ, ડાયમંડ હાર્બર અને બજ-બજ વિધાનસભા ક્ષેત્રોમાંથી મળી છે. ફાલ્ટા સૌથી મોટું રાજકીય અથડામણનું કેન્દ્ર બનીને સામે આવ્યું છે, જ્યાંથી 32 ફરિયાદો મળી છે. ત્યારબાદ ડાયમંડ હાર્બર (29), મગરાહાટ (13) અને બજ-બજ (3)નો ક્રમ આવે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 23 કેસોની પ્રાથમિક રીતે પુષ્ટિ થઈ ગઈ છે, જેમાંથી 20 કેસ ફાલ્ટાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ફરિયાદોની તપાસ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ તેની સંપૂર્ણ પીઠની બેઠકમાં આ પરિણામોની સમીક્ષા કરશે અને ત્યાર બાદ ક્યાં અને ક્યારે ફરી મતદાન કરાવવું તે અંગે નિર્ણય લેશે.

ચૂંટણી પંચે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના CEOએ જણાવ્યું હતું કે EVM પર ટેપ અથવા શાહીથી થયેલી છેડછાડના આક્ષેપો અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અથવા નિરીક્ષકોની રિપોર્ટની તપાસ કર્યા પછી જ ફરી મતદાનનો આદેશ આપવામાં આવશે. મનોજ અગ્રવાલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન કેટલાંક મતદાન કેન્દ્રોમાં તેમના ચૂંટણી ચિહ્નને ટેપથી ઢાંકી દેવામાં આવ્યું હતું અથવા તેના પર શાહી નાખવામાં આવી હતી.

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ X પર એક વિડિયો શેર કરીને દાવો કર્યો કે ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના મતદાન કેન્દ્ર નં. 144 અને 189 પર પાર્ટીના ચિહ્ન પર સફેદ ટેપ લગાવવામાં આવી હતી અને ત્યાં ફરી મતદાન કરવાની માગ કરી હતી.

સાતત્ય… તમારી પ્રગતિનું એન્જિન!

થોડા દિવસ પહેલાં સમાચાર વાંચવામાં આવ્યા કે અમેરિકાની વિશ્વવિખ્યાત ‘એપલ’ કંપનીની કમાન સંભાળી રહેલા ટિમ કુક ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરનું પદ છોડી રહ્યા છે. આવતા 4-5 મહિનામાં જ ટિમનું સ્થાન પચાસ વર્ષી જૉન ટર્નસ લેશે. 2011માં ‘એપલ’ના સ્થાપક સ્ટિવ જૉબ્સના નિધન બાદ સીઈઓ બનેલા ટિમ કંપનીને નવી ઊંચાઈએ લઈ ગયા, માર્કેટ કેપિટલાઈઝેશન 4 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડ્યું, ભારતમાં એપલની પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરાવ્યું. એમના સ્થાને આવનારા જૉન ટર્નસ ‘એપલ’ના હાર્ડવેર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ છે.

અહીં સવાલ થાય કે આશરે  4 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીનાં સુકાન જૉન ટર્નસને આપવા પાછળનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો હશે? અહીં સુધી પહોંચવા એમની કેટલાં વર્ષની મહેનત હશે? એમ માનવામાં આવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં આઈફોન, આઈપેડ તથા મેકબુકની ટેક્નોલોજી પાછળ જૉનનું ભેજું છે ને એટલા માટે જ એમને આટલું મહત્વનું પદ આપવામાં આવે છે.

અહીં એક પ્રસંગ સાંભરે છેઃ ‘માઈક્રોસોફ્ટ’ના સ્થાપક બિલ ગેટ્સ એક વાર અમેરિકાની કોઈ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરી રહ્યા હતા. પોતાના અનુભવનો અર્ક રજૂ કરતાં એમણે કહ્યું કે ‘તમે સ્કૂલ કે કૉલેજ કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળશો એટલે તરત વર્ષે 60,000 ડૉલરના પગારવાળી નોકરી મળી નહીં જાય. અથવા તો કોઈ કંપનીના એક્ઝિક્યુટિવ બનીને શોફર-ડ્રિવન કારમાં ફરવાલાયક બની જવાના નથી. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.’

બિલ ગેટ્સના કહેવાનો અર્થ એ હતો કે વિદ્યાર્થીઓએ સાતત્યપૂર્ણ પરિશ્રમ કરવો પડશે, જે તેમણે પોતે કર્યો હતો. એમણે આગળ કહ્યું કે, ‘જીવન એ શાળાનાં સત્રોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી તેમ જ એમાં તમને સમર વેકેશન પણ મળતું નથી.’ જોન ટર્નસ પણ સાતત્યથી એપલની પ્રોડક્ટસને વધુ ને વધુ બહેતર બનાવવાના પ્રયત્ન કરી રહ્યા હશે, તો જ એ મેનેજમેન્ટની નજરમાં આવ્યા હશે.

આજે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય, ઉચ્ચ પદ પર પહોંચવું હોય તો સાતત્યપૂર્ણ કામ કરવું અતિ આવશ્યક છે. સાતત્યને અંગ્રેજીમાં કન્ટિન્યુઈટી અથવા કન્સિસ્ટન્સી કહે છે. સાતત્યને તમે નિયમિતતા પણ કહી શકો. જે કામ તમે સતત કરો અથવા સાતત્યપૂર્ણ કરો તો એ કામ સિદ્ધ થાય જ છે.

બિહારના માઉન્ટ મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝીનો કિસ્સો આપણે જાણીએ છીએ. એમણે એકલા હાથે પહાડ કાપીને 110 મીટર લાંબો રસ્તો બનાવેલો. 1960માં એમણે આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો. રોજ સવારે એ હથોડી છીણી લઈને નીકળી પડતા. 1982માં એમનું કામ પૂર્ણ કરીને જ જંપ્યા. 2007માં 73 વર્ષની વયે એમનું અવસાન થયું… આપણી ગરવીલી ગુજરાતીમાં પેલી કહેવત છેનેઃ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય.

ધારો કે, રૉકેટના લૉન્ચિંગ વખતે જરૂરી પ્રમાણમાં એને સતત ઈંધણ ન મળે તો? તો તે હેઠું પડે. કાર કે બાઈકના એન્જિનને સતત મળતાં પેટ્રોલમાં ઍર કે કચરો આવી જાય તો? ડચકાં ખાય. જેમ એમાં ઈંધણનો સતત પ્રવાહ વહેતો રહેવો જોઈએ તેવી જ રીતે જીવનમાં પણ સફ્ળતા પામવા માટે સાતત્યતા રૂપી ઈંધણ જોઈએ.

રમત કે બિઝનેસ, વિજ્ઞાન કે કલા, કોઈપણ ક્ષેત્ર હોય, અરે, અધ્યાત્મ ક્ષેત્ર કેમ ન હોય? તેમાં પણ સાતત્ય વિના ચાલે તેમ નથી. બી.એ.પી.એસ. સંસ્થાની કીર્તિમાં સમયે સમયે યશકલગી ઉમેરતા રહેનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી ક્યારેય રજા લીધી નથી કે ક્યારેય વેકેશન પાડ્યું નહોતું. અનેકવિધ બીમારીમાં પણ સતત કાર્યશીલ તેઓશ્રી 85 વર્ષે દિલ્હી-અક્ષરધામ તથા 91 વર્ષે સચિત્ત-આનંદ વૉટર-શોનું જેવાં વિશ્વવિખ્યાત સર્જન કરી શકતા, કારણ વર્ષો સુધીનો એકધારો પુરુષાર્થ. સાતત્ય.

જેમ સૂર્ય-ચંદ્ર-નક્ષત્રો તેમની દિનચર્યા અતૂટ નિયમિત રાખે છે, તેથી જ બ્રહ્માંડોની સ્થિતિ,પરિસ્થિતિ સમતોલ રહે છે અને જીવપ્રાણીમાત્રનું જીવન સરળ ને સહજ રીતે ગતિમાન છે તેમ વ્યક્તિ પણ તેની દિનચર્યા અતૂટ નિયમિત રાખે તો જ તેનું અને તેના પરિવારનું જીવન સરળ, સહજ અને સુખી બની રહે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પાકિસ્તાન સાથે ભારત લાંબા યુદ્ધ માટે તૈયારઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહેએ જણાવ્યું હતું કે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ પોતાની શરતો પર રોક્યું હતું અને જરૂર પડે તો દેશ લાંબા યુદ્ધ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે અમે આ ઓપરેશન એટલા માટે બંધ કર્યું નહોતું કે અમારી ક્ષમતા ઘટી ગઈ હતી, પરંતુ અમે તેને અમારી ઇચ્છા અને શરતો પર રોક્યું હતું. જરૂર પડે તો અમે લાંબી લડાઈ માટે પણ તૈયાર હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે ભારતને પરમાણુ હુમલાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, પરંતુ ભારત તે ધમકીઓથી ડગ્યું નહીં. દેશે આવી ધમકીઓને સંપૂર્ણપણે નકારી કાઢી અને જે રાષ્ટ્રહિતમાં જરૂરી હતું તે જ કર્યું હતું. આ જ નવા ભારતની ઓળખ છે, જે વિશ્વને સંદેશ આપે છે કે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. ભારતે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને હવે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ વિરુદ્ધ પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશન માત્ર 72 કલાકમાં પૂર્ણ થયું હતું, પરંતુ તેની પાછળ લાંબી તૈયારી હતી. જરૂર પડે તો ભારત લાંબી લડાઈ માટે પણ તૈયાર હતું.આતંકવાદનાં ત્રણ પાસાં અને તેની મૂળભૂત જડ

તેમણે આતંકવાદને માનવજાત માટે એક કાળો ડાઘ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદ માત્ર એક વિકૃત માનસિકતા છે. આ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ માનવીય મૂલ્યોની રક્ષા માટેની લડાઈ છે. આતંકવાદને ઘણી વાર ધર્મ અથવા હિંસક વિચારધારાને નામે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થાય છે, જે હકીકતમાં આતંકીઓને આવરણ પૂરું પાડે છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું  આતંકવાદ માત્ર રાષ્ટ્રવિરોધી કૃત્ય નથી, પરંતુ તેનાં ત્રણ પાસાં છે – ઓપરેશનલ (સંચાલન સંબંધિત), આઇડિયોલોજિકલ (વૈચારિક) અને પોલિટિકલ (રાજકીય). આતંકવાદની સાચી શક્તિ તેની વૈચારિક અને રાજકીય જડોમાં છે. તેમણે તેને રાવણની નાભિ સાથે સરખાવીને સમજાવ્યું હતું કે જ્યાં સુધી આ જડોને સમાપ્ત નહીં કરવામાં આવે, ત્યાં સુધી આતંકવાદ સંપૂર્ણપણે ખતમ નહીં થાય. તેથી આતંકવાદ સામે લડત માત્ર સૈનિક સ્તરે નહીં, પરંતુ તમામ ત્રણ સ્તરે લડવી જરૂરી છે.

હર્ષ સંઘવી સાથે કેપ બ્રેન્ટન યુનિવર્સિટીના પ્રતિનિધીઓની મહત્વની બેઠક

ગાંધીનગર: ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવા અને રાજ્યમાં આકાર લઈ રહેલા મેગા પ્રોજેક્ટ્સ માટે કુશળ માનવબળ તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કેનેડાની કેપ બ્રેન્ટન યુનિવર્સિટી (CBU) અને નેશનલ ઇકોનોમિક ફોરમ (NEF)ના પ્રતિનિધિમંડળે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી (તથા યુવા બાબતોના મંત્રી) હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.

બેઠકના મુખ્ય મુદ્દાઓ:

  • ટેલેન્ટ મેપિંગ: NEF અને CBU દ્વારા ઉદ્યોગોની જરૂરિયાતો પ્રમાણે સંશોધન આધારિત મૅપિંગ કરવામાં આવશે. આ અભ્યાસના આધારે એક શૈક્ષણિક માર્ગદર્શિકા તૈયાર કરાશે, જે ગુજરાતની સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓને સોંપવામાં આવશે જેથી તેઓ ઉદ્યોગને અનુરૂપ કોર્સ શરૂ કરી શકે.

  • મેગા પ્રોજેક્ટ્સ પર ધ્યાન: GIFT City ઉપરાંત ઢોલેરા SIR, સેમિકન્ડક્ટર હબ, એનર્જી અને ઓટો ક્લસ્ટર્સ જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે જરૂરી ‘ટેલેન્ટ પાઇપલાઇન’ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો.

  • વિકસિત ભારત @2047: હર્ષ સંઘવીએ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વૈશ્વિક સ્તરે સક્ષમ બનવા આહ્વાન કર્યું હતું.

ગુજરાતના વિદ્યાર્થીઓને સીધો લાભ

આ બેઠકમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ માટે પૂર્ણ સહયોગ આપશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં સ્થાપિત થઈ રહેલા મેગા પ્રોજેક્ટ્સમાં જે રોજગારીની તકો ઉભી થાય, તેનો મહત્તમ લાભ ગુજરાતમાં તાલીમ પામેલા સ્થાનિક વિદ્યાર્થીઓને મળે.

“આ સહયોગથી ગુજરાતના વિદ્યાર્થીઓ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક બજારની જરૂરિયાતો મુજબ સજ્જ થશે, જે ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં પાયાનું પગલું સાબિત થશે.” – હર્ષ સંઘવી

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ CBU ના પ્રેસિડન્ટ ડેવિડ ડિંગવાલ અને NEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જગદીપ રાણાએ કર્યું હતું. આ વ્યૂહાત્મક ભાગીદારીથી આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુ નિર્માણ થશે.

“અનિત્ય દેહ અને વૈરાગ્યનો માર્ગ: કબીરદાસનું તત્વચિંતન”

 

હાડ જરૈ જ્યોં લાકડી, કેસ જરે જ્યોં ઘાસ,

 સબ જગ જરતા દેખિ કરી, ભયે કબીર ઉદાસ.

 

દેહનું, તેના રૂપનું કે બળનું અભિમાન કરવું મિથ્યા છે. જે અનિત્ય છે; આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા ત્રિતાપથી પીડિત છે; રોગ, જરા અને મૃત્યુથી હા નિ પામે છે તેવા દેહનો ગર્વ ગમે ત્યારે ચકનાચુર થઈ જાય છે.

મૃત શરીરની અંતિમ ક્રિયા – અગ્નિદાહના દૃશ્યનું વર્ણન કરતાં કબીરજી કહે છે કે, હાડકાં લાકડીની માફક અને વાળ ઘાસ જેમ બળી જાય છે. અનેક દુ:ખોથી પીડિત આ જગ પણ હંમેશાં જલતું જ રહે છે જેથી કબીરજી ઉદાસી અનુભવે છે.

જગ પ્રત્યે ઉદાસીન થઈએ તો મનની ઉદાસી ટળે. મનમાં ત્યારે જ ખરો વૈરાગ્ય થયો ગણાય જ્યારે મનની તૃષ્ણા છૂટી જાય. કબીરજી તેથી જ ગાય છે કે, ‘મન લાગો મેરો યાર ફકીરીમેં, જો સુખ પાવું ગરીબીમેં, વો નહીં અમીરીમેં.” જગતમાં કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી.

જીવનને સાર્થક કરવા માટે મૃત્યુનો ડર કાઢીને રાગદ્વેષથી પર રહી અનાસક્ત ભાવે કર્મ કરવાનો બોધ વિષાદનું નિરાકરણ કરે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

“વાઘ આવ્યો રે વાઘ” – હવે ગુજરાત પણ ટાઈગર સ્ટેટ

આઝાદી બાદ ઘણાં વર્ષો સુધી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જ્યાં વનોમાં વાઘ અને સિંહ બંને જોવા મળતા હતા, પણ કાળક્રમે વાઘ લુપ્ત થયા અને સિંહ ગુજરાતની ઓળખ બની. દરમ્યાનમાં મહિસાગર જિલ્લામાં વાઘ દેખાતા ફરી આશા જીવંત બની પણ એ વાઘના આકસ્મિક મૃત્યુથી એ શક્ય બન્યું નહી.

દાહોદ જિલ્લાના રતનમહાલ અભ્યારણ્યમાં વાઘ દેખાયો હોવાના સમાચાર લગભગ 1 વર્ષ પહેલાં મળ્યા અને ફરી આશા જીવંત બની.

હવે લગભગ 1 વર્ષથી આ જંગલોમાં વાઘ સતત વિચરણ કરી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા હેબીટેટ મેનેજમેન્ટ, પ્રેયબેઝ વધારવા જેવા પ્રયત્નો સતત થઈ રહ્યા છે. સ્થાનિક વનકર્મીઓ પણ સતત પેટ્રોલિંગ કરી વાઘની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક લોકોનો વનકર્મીઓને સહયોગ મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ એક માદા વાઘ આ વિસ્તારમાં લાવવા અને વાઘની વસ્તી વધે તે માટેના પ્રયત્ન થઈ રહ્યા છે.

હાલ લગભગ 1 વર્ષથી આ વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો હોવાથી દેશમાં ગુજરાત એવું એક માત્ર રાજ્ય છે જ્યાંના જંગલમાં વાઘ અને સિંહ બંને રહે છે.

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે હેમંત શાહને સોંપી મહત્ત્વની જવાબદારી

કેનેડા: કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) અને તેની સમગ્ર કેનેડામાં ફેલાયેલી શાખાઓએ એક પહેલ કરી છે. તેમણે ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોને વેગ આપવા અને સરકારી પહેલોને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત ‘ઇન્ડિયા ટ્રેડ ડેવલપમેન્ટ કમિટી’ (ITDC)ની રચના કરી છે.

હેમંત એમ. શાહ સમિતિનું નેતૃત્વ કરશે

વિનીપેગ સ્થિત જાણીતા બિઝનેસ લીડર અને ગુજરાતી મૂળના હેમંત એમ. શાહને આ મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હેમંત શાહ મેનિટોબા-ભારત વેપાર ક્ષેત્રે પાંચ દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની કુશળતા અને અનુભવ નીચે મુજબના ક્ષેત્રોમાં વિસ્તરેલો છે:

  • કૃષિ નિકાસ: અનાજ અને અન્ય ખેત પેદાશો.

  • ઉદ્યોગ અને મશીનરી: માઇનિંગ સાધનો, મશીનરી અને ઉડ્ડયન (કોર્પોરેટ એરક્રાફ્ટ).

  • શિક્ષણ: પાઇલટ ટ્રેનિંગ અને કૌશલ્ય વિકાસ.

‘મિસ્ટર ઇન્ડિયા’ તરીકેની ઓળખ

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ ખેડનાર હેમંત શાહ ભારત અને ઉપખંડમાં અનેકવાર મુલાકાત લઈ ચૂક્યા છે. વિનીપેગમાં તેઓ “મિસ્ટર ઇન્ડિયા” તરીકે લોકપ્રિય છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા બદલ તેમને વિવિધ બિઝનેસ સમુદાયો અને સરકારો તરફથી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. કેનેડાના ગુજરાતી સમાજમાં એમનું નામ અગ્રણી હરોળમાં છે.

હેમંતભાઇ કહે છે એમ, અમે સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને કામ કરવા આતુર છીએ, જેથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકોમાં મોટો વધારો કરી શકાય. 

CHCC નો મુખ્ય ઉદ્દેશ્ય: આ નવી સમિતિ દ્વારા CHCC ભારત અને કેનેડાના ઉદ્યોગ સાહસિકો વચ્ચે સેતુ બનીને બંને દેશોના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. સંસ્થા અને હેમંત શાહની ટીમ આગામી સમયમાં વેપારી પ્રતિનિધિમંડળો અને રોકાણલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરી શકે છે.

યુદ્ધને લીધે ઓઇલ બિલ નોંધપાત્ર વધતાં પાકિસ્તાનનું અર્થતંત્ર અસ્થિર

ઇસ્લામાબાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તોડી નાખી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ચેતવણી આપી છે કે છેલ્લાં બે વર્ષમાં દેશે જે પણ આર્થિક પ્રગતિ કરી હતી, તે વૈશ્વિક ફ્યુઅલની વધતી કિંમતો અને પ્રાદેશિક અસ્થિરતાને કારણે જોખમમાં પડી ગઈ છે. શરીફે કેબિનેટ બેઠકમાં સ્વીકાર્યું કે યુદ્ધને કારણે દેશનું સાપ્તાહિક ઓઇલ આયાત બિલ ભારે વધી ગયું છે, જેને કારણે દેશનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે.

$ 300 મિલિયનથી વધીને $ 800 મિલિયન થયું ઓઇલનું બિલ

વડા પ્રધાન શહબાઝ શરીફે યુદ્ધના આર્થિક પ્રભાવ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. યુદ્ધ પહેલાં પાકિસ્તાનનું સાપ્તાહિક ઓઇલ બિલ આશરે 300 મિલિયન ડોલર હતું, જે હવે વધીને 800 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારે આ સંકટ અને ફ્યુઅલની કિંમતો પર નજર રાખવા માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે, જે દરરોજ સ્થિતિની સમીક્ષા કરી રહી છે.

શાંતિ માટે પાકિસ્તાનના કૂટનીતિના પ્રયત્નો નિષ્ફળ

આર્થિક નુકસાન ઘટાડવા માટે પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઇસ્લામાબાદમાં 11 એપ્રિલથી અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત માટે સુવિધા આપી હતી, જે સતત 21 કલાક ચાલી હતી. હાલમાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ છે અને પાકિસ્તાન બીજા તબક્કાની ચર્ચા માટે યજમાની કરવાની યોજના બનાવી રહ્યું છે. શરીફે શાંતિ પ્રયત્નો માટે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઇશાક દારની પ્રશંસા કરી છે.

વિશ્વભરમાં ગરીબીનું વધતું જોખમ

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) એ આ યુદ્ધનાં પરિણામોને લઈને ગંભીર ચેતવણી આપી છે. UNDP મુજબ આ યુદ્ધ અને મોંઘવારીને કારણે વિશ્વના 160 દેશોમાં ત્રણ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. UNDPના વડા અલેક્ઝાન્ડર ડી ક્રૂએ આ સ્થિતિને “ડેવલપમેન્ટ ઇન રિવર્સ” એટલે કે વિકાસની ઊલટી ગતિ તરીકે વર્ણવી છે.

ક્રૂડ ઓઇલની કિંમતો 120 ડોલરને પારઃ શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

નવી દિલ્હીઃ વિશ્વનાં બજારોમાં ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent) અચાનક ઊછળીને પ્રતિ બેરલ 120 ડોલર પાર પહોંચ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આ તેજી સામાન્ય નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઉછાળાનું મુખ્ય કારણ અમેરિકા અને ઇરાન વચ્ચે વધતો ભૂરાજકીય તણાવ છે. ખાડી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિએ રોકાણકારો અને ઓઇલ કંપનીઓમાં ગભરાટ ફેલાવ્યો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી ઓઇલ કંપનીઓ પર ભાર વધે છે, જેને કારણે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, જ્યાં બંને દેશ પોતાની શરતો પર અડગ છે. ઇરાન પાછળ હટવા તૈયાર નથી અને ટ્રમ્પ પ્રશાસન પણ બ્લોકેડ હટાવવા તૈયાર નથી. આ દરમિયાન ફેડરલ રિઝર્વે વ્યાજદર 3.5 ટકાથી 3.75 ટકા વચ્ચે સ્થિર રાખ્યા છે. એ સાથે જ UAE દ્વારા OPEC અને OPEC+માંથી બહાર નીકળવાના સંકેતોથી બજારમાં અનિશ્ચિતતા વધી છે. આ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે અને ગુરુવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ત્રણ ડોલર વધીને 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.

બ્લોકેડનો ભય

અમેરિકા હવે ઇરાનની લાંબા સમય સુધી ઘેરાબંધી (Blockade) કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને કારણે ક્રૂડ ઓઇલના બજારમાં ભારે ઊથલપાથલ સર્જાઈ છે. આ તણાવની સીધી અસર બુધવારે જોવા મળી, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર પાર પહોંચી ને થોડા સમય માટે 122 ડોલર પ્રતિ બેરલ સુધી ગયું. બીજી તરફ, ઇરાને પણ આકરું વલણ દાખવ્યું છે અને ચેતવણી આપી છે કે તે અમેરિકન પ્રતિબંધોના જવાબમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થતા ઓઇલના જહાજોની અવરજવર રોકી શકે છે, જે વૈશ્વિક તેલ સપ્લાય માટે મોટું જોખમ છે.