Home Blog Page 107

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂઃ અડિયાલા જેલ પાસે ટેન્શન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડા સમયમાં અડિયાલા જેલ તરફ વિરોધ પ્રદર્શન માટે માર્ચ કરશે. ઇસ્લામાબાદની હાઇકોર્ટ પાસે વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. હાઇકોર્ટ પાસે સમર્થકો ઇમરાન ખાનતરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ઇમરાનના સમર્થકો અડિયાલા જેલ પહોંચવા લાગ્યા છે, વાહનોમાં ભરાઈને લોકો જેલ તરફ નીકળી ગયા છે. જેલમાં ઇમરાન અને તેમના પરિવાર વચ્ચે મુલાકાતની માગ ચાલી રહી છે.  એ દરમિયાન ઇમરાનની બહેન નોરિન નોરિન નિયાઝી અનુસાર જેલમાં ઇમરાન પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે. તેમને કેદમાં રાખીને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. નોરિને કહ્યું હતું કે જો મુનિર ઇમરાનને તેમના કોઈ પણ એક પરિવારજન સાથે મળવા દે તો મામલો એટલો ન બગડે.

બીજી તરફ, પાકિસ્તાની મિડિયાના જણાવ્યા મુજબ શહબાઝ શરીફ નવાઝ શરીફને મળવા લાહોર પહોંચી ગયા છે. પાકિસ્તાની મિડિયાનો દાવો છે કે નોટિફિકેશન બહાર ન આવે ત્યાં સુધી ઇમરાનને કોઈ સાથે મળવા નહીં દેવામાં આવે. એવું પણ કહેવાય છે કે આસિમ મુનિરના નોટિફિકેશનને લઈને મુલાકાત થઈ શકે છે અને આ નોટિફિકેશન પર મોટો નિર્ણય આવી શકે છે.

પાકિસ્તાનમાં અગત્યની બેઠક

આ બેઠકમાં મુકાબલા માટે મુનિરના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે છે. મુનિરના CDF નોટિફિકેશન બહાર પડશે કે નહીં—તે આજે સ્પષ્ટ થઈ જશે. હજુ સુધી મુનિરના નોટિફિકેશન પર સહી થઈ નથી. એટલું જ નહીં, ઇમરાનના નજીકના પત્રકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનામાં હાલમાં ચાર પદ ખાલી છે—CDF, આર્મીના વાઈસ ચીફ, સ્ટ્રેટેજિક કમાન્ડના વડા, અને ISI ચીફનું પદ પણ ખાલી છે. મુનિરના નોટિફિકેશનને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ

રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ ઇમરાન અંગે છેલ્લા 29 દિવસથી કોઈ માહિતી નથી. બીજી બાજુ, ઇમરાનની પાર્ટીના નેતાઓ મોટો વિરોધ માર્ચ કાઢવા તૈયાર છે. PTIના સાંસદો અને ધારાસભ્યો અડિયાલા જેલ પર ધસી ગયા છે. ઇમરાનના સમર્થનમાં થનારા આ વિરોધને દબાવવા માટે મુનિરે દરેક જગ્યાએ સુરક્ષા દળોને તહેનાત કર્યાં છે. સમર્થકો આજની મુલાકાત માટે અડગ છે, પરંતુ મુનિર અને શહબાઝ કોઈ પણ સ્થિતિમાં ઇમરાનને સમર્થકો સાથે મળવા દેવા તૈયાર નથી.

પાંચ વર્ષમાં બે લાખથી વધુ કંપનીઓ બંધ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓના શટડાઉનનો સિલસિલો ઝડપથી વધ્યો છે. સરકારે સોમવારે લોકસભામાં તેના આંકડા રજૂ કર્યા હતા. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણી કંપનીઓને નિયમો મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. તેમાં મર્જર, કન્વર્ઝન, સ્વૈચ્છિક બંધ અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેવાની સ્થિતિ પણ કારણ તરીકે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-2023 વર્ષ કોર્પોરેટ સફાઈ માટે સૌથી મહત્વનું હતું, જેમાં રેકોર્ડ 83,452 કંપનીઓ શટડાઉન થઈ હતી. તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડોરમેન્ટ કંપનીઓને દૂર કરવા માટે ચલાવવામાં આવેલા સ્ટ્રાઈક-ઓફ અભિયાન છે.

કયા વર્ષે કેટલી કંપનીઓ બંધ થઈ?

2020-21: 15,216 કંપનીઓ

2022-23: 83,452 કંપનીઓ

2023-24: 21,181 કંપનીઓ

2024-25: 20,365 કંપનીઓ

સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આ આંકડા બે લાખને પાર પહોંચી ગયા છે. સરકારે એ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ કંપનીઓના બંધ થવા પાછળ માત્ર આર્થિક મંદી અથવા ઉદ્યોગ સંકટ જ જવાબદાર નથી. કેટલાક લોકોએ પોતાનો વ્યવસાય સ્વેચ્છાએ બંધ કર્યો છે. કેટલીક કંપનીઓ મર્જર થવાને કારણે બંધ થઈ છે. જ્યારે કેટલીક કંપનીઓને કંપની અધિનિયમ-2013 મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.

ખાલિદા ઝિયાની તબિયત ખરાબ, ચીનથી ડોકટરોની ખાસ ટીમ બાંગ્લાદેશ પહોંચી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની તબિયત હજુ પણ નાજુક છે. તેમને કોરોનરી કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા છે અને વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન બગડતી હાલતને ધ્યાનમાં રાખીને પાંચ સભ્યોની ચીની તબીબી ટીમ સારવાર માટે બાંગ્લાદેશ પહોંચી છે. હોસ્પિટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ત્રણ વખત બાંગ્લાદેશના વડા પ્રધાન અને રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના અધ્યક્ષ ખાલિદા ઝિયાની તબિયત હજુ પણ ગંભીર છે. તેમને સારવાર માટે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ સભ્યોની ચીની નિષ્ણાત ટીમ સોમવારે ઢાકા પહોંચી અને રાત્રે હોસ્પિટલની સારવાર પ્રક્રિયામાં જોડાઈ. ટીમે તેમના સ્વાસ્થ્યની ચર્ચા કરવા માટે હોસ્પિટલના મેડિકલ બોર્ડ સાથે મુલાકાત કરી.

હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને બોર્ડના વડા ડૉ. શહાબુદ્દીન તાલુકદારે જણાવ્યું હતું કે ખાલિદા ઝિયાની હાલત સ્થિર નથી અને તેઓ હાલમાં સારવાર માટે વિદેશ જવા માટે અયોગ્ય છે. 80 વર્ષીય ખાલિદા ઝિયાને 23 નવેમ્બરના રોજ હૃદય અને ફેફસાની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસ પછી તેમની તબિયત સતત બગડતા તેમને કોરોનરી કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવાર રાતથી તેઓ વેન્ટિલેશન પર છે.

હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દર્દીઓની અવરજવર અને સુરક્ષાને નિયંત્રિત કરવા માટે પોલીસે હોસ્પિટલના મુખ્ય દરવાજા પર બેરિકેડ લગાવી દીધા છે. ખાલિદા ઝિયાની આસપાસના બધા રૂમ ખાલી કરાવવામાં આવ્યા છે. તેમની સલામતી માટે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ જાહેર કર્યા છે. આ પછી હોસ્પિટલમાં સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (SSF) ના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

BNP નેતાએ રાષ્ટ્રને પ્રાર્થના માટે અપીલ કરી
ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે BNP ના ઉપપ્રમુખ એડવોકેટ અહેમદ આઝમ ખાને જણાવ્યું હતું કે ખાલિદા ઝિયાની હાલત અત્યંત નાજુક છે. તેમણે કહ્યું કે હવે કંઈ કરવાનું બાકી નથી, પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્ર પાસેથી પ્રાર્થનાની અપીલ કરે છે. દરમિયાન, BNP ના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે પણ જણાવ્યું હતું કે તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમની હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી.

રાહુલ ગાંધી, ખડગે સહિત વિરોધ પક્ષોનું SIR મુદ્દે પ્રદર્શન

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આજે  બીજો દિવસ છે. દિવસની શરૂઆત વિરોધ પક્ષના હોબાળા સાથે થઈ છે. ઇન્ડિયા બ્લોકના નેતાઓ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં સંસદ પરિસરમાં ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. સૌના હાથમાં ‘STOP SIR’નાં બેનર છે અને નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદસભ્ય પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો છે.

સંસદ પરિસરમાં ગૂંજ્યા નારા

વિપક્ષના નેતાઓએ SIRના વિરોધમાં પોતાના હાથોમાં ‘STOP SIR, STOP VOTE CHORI’ લખેલા બેનર પકડ્યા છે. એસાથે જ તેઓ તાનાશાહી બંધ કરો જેવા નારા લગાવી રહ્યા છે.

સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી

SIRના વિરોધ અંગે JMMનાં સાંસદ મહુઆ માઝીએ કહ્યું કે હકીકત તો એ છે કે સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી. તેઓ સત્રના કામકાજના દિવસો બગાડતા રહે છે અને વિપક્ષ પર આરોપ મૂક્તા રહે છે. અમે SIR મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવા માટે વિરોધ કરી રહ્યા છીએ.

બીજી તરફ સરકારે કહ્યું છે કે તે ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેના માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. રાજ્યસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી સુધારાઓ પર ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેમને જવાબ આપવા માટે થોડો સમય આપવામાં આવે.

SIR શા માટે થઈ રહ્યું છે?

બિહાર બાદ ચૂંટણી પંચ દેશનાં 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નું કામ કરાવી રહ્યું છે. આ પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને અપડેટ કરવામાં આવી રહી છે. નવા મતદારોનાં નામ ઉમેરવામાં આવી રહ્યાં છે અને મૃત્યુ પામેલા લોકોનાં નામ કાઢવામાં આવી રહ્યા છે. એ સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે એક જ વ્યક્તિ બે જગ્યાએથી મતદાર ન બને.

VIDEO: અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં દુકાનોમાં લાગી ભીષણ આગ!

અમદાવાદ: વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં લીધી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો.

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

કોમ્પ્લેક્સ રોડની સાઈડમાં આવેલું હોવાથી, રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ તે ક્યા કારણોસર લાગી છે તેની તપાસ કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન સબવેમાં ફસાઈ, મુસાફરોને ટનલમાંથી ચાલવાની ફરજ પડી

ચેન્નાઈ: અહીં કોઈ પણ વ્યક્તિ સવારની મોર્નિંગ વૉક માટે તૈયાર નહોતું. પરંતુ મેટ્રોના વિમ્કો નગર ડેપો તરફ જતી મેટ્રો ટ્રેન સબવેમાં ફસાઈ ગયા બાદ લોકોએ રેલ્વે ટ્રેક પર ચાલવું પડ્યું. મેટ્રો રેલની બ્લુ લાઇન, જે વિમ્કો નગર ડેપો અને ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે ચાલે છે, તેને મંગળવારે વહેલી સવારે ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો.

સેન્ટ્રલ મેટ્રો અને હાઈકોર્ટ સ્ટેશન વચ્ચેના સબવેમાં ટ્રેન ફસાઈ ગઈ. તેમાં સવાર મુસાફરોએ વીજળી ન હોવાની ફરિયાદ કરી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં, મુસાફરો હેન્ડ્રેલ પકડીને સમસ્યા સમજવા માટે બહાર ડોકિયું કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. 10 મિનિટ ફસાયેલા હોવાનો અનુભવ્યા પછી, મુસાફરો કહે છે કે એક જાહેરાત આવી હતી. જેમાં તેમને નજીકના મેટ્રો સ્ટેશન એટલે કે હાઈકોર્ટ સ્ટેશન, લગભગ 500 મીટર દૂર ચાલવાનું કહેવામાં આવ્યું હતું.

બીજા વીડિયોમાં, મુસાફરો કતારમાં ઉભા રહીને ટનલમાંથી પસાર થતા જોવા મળે છે.આ સમસ્યા કદાચ વીજળી ગઈ હોવાથી અથવા ટેકનિકલ ખામીને કારણે થઈ હશે.

ચેન્નાઈ મેટ્રો રેલે X (અગાઉ ટ્વિટર) પર માહિતી આપી હતી કે સેવાઓ સામાન્ય થઈ ગઈ છે.

“બ્લુ લાઇન પર એરપોર્ટ અને વિમ્કો નગર ડેપો વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ ફરીથી સામાન્ય થઈ ગઈ છે. ગ્રીન લાઇન પર પુરાત્ચી થલાઈવર ડૉ. એમજી રામચંદ્રન સેન્ટ્રલ મેટ્રોથી સેન્ટ થોમસ માઉન્ટ સુધીની મેટ્રો પણ સામાન્ય સમયપત્રક મુજબ ચાલી રહી છે,” ચેન્નાઈ મેટ્રો રેલે X પર લખ્યું.

“અસુવિધા બદલ અમને દુઃખ છે,” તેમણે ઉમેર્યું.

ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે

 

ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે

 

સૌ કોઇ પોતાના ફાયદાને જ જુએ છે. માણસ છેવટે તો સ્વાર્થભરેલો જ નિર્ણય લે છે. સ્વાર્થી માણસ સર્વદા પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવું કામ કરે.

કોઈ પણ નિર્ણય માટે એવો લવાદ ન નિમાય કે જેનો પોતાનો પણ નિર્ણય આ તરફી આવે કે પેલી તરફી, કોઈ ફાયદો થતો હોય કે નુકસાન થતું હોય.

 

જો નુકસાન થતું હશે તો તે પોતાને ફાયદો થતો હશે તેવો નિર્ણય લેવાની જ વાત કરશે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સરકારના ‘સંચાર સાથી’ એપના ઓર્ડર પર વિવાદઃ વિપક્ષે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા નવા ‘સંચાર સાથી એપ અંગે જાહેર કરાયેલા આદેશને લઈને દેશમાં મોટું રાજકીય ઘમસાણ મચી ગયું છે. નવા આદેશ મુજબ ભારતમાં વેચાણ માટે બનેલા અથવા આયાત થનારા તમામ નવા મોબાઇલ હેન્ડસેટમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે. વિરોધ પક્ષે તેને નાગરિકોના ગોપનીયતાના મૌલિક અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો છે.

તાનાશાહીનું સાધન: કોંગ્રેસ

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ આદેશની કડક ટીકા કરતાં જણાવ્યું હતું કે આ ‘ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારો પર થતા સતત હુમલાઓની લાંબી શ્રેણીનો હિસ્સો છે અને આવા આદેશને ચાલુ રાખવાની છૂટ આપવામાં નહીં આવે.

વેણુગોપાલે X પર લખ્યું હતું કે એક પ્રી-લોડેડ સરકારી એપ, જેને અનઇન્સ્ટોલ પણ કરી શકાય નહીં, દરેક ભારતીય પર નજર રાખવા માટેનું તાનાશાહી સાધન છે. આ દરેક નાગરિકની દરેક પ્રવૃત્તિ, વાતચીત અને નિર્ણય પર નજર રાખવાનું એક માધ્યમ છે.

તેમણે કેન્દ્ર સરકારને સંચાર સાથી એપનો આદેશ પાછો ખેંચવાની માગ કરતાં કહ્યું હતું કે બિગ બ્રધર અમને જોઈ શકતો નથી. DoTનું આ નિર્દેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. પાર્ટીના એક અન્ય વરિષ્ઠ નેતા કાર્તિ ચિદમ્બરમે આ પ્રી-ઇન્સ્ટોલ્ડ એપને પેગાસસ (Pegasus++) ગણાવતાં જણાવ્યું હતું કે આ એપની મદદથી બિગ બ્રધર આપણો ફોન અને કંઈક હદ સુધી આપણું સંપૂર્ણ ખાનગી જીવન પોતાના કબજામાં લઈ લેશે.

શું છે સરકારી આદેશ?

સરકારી આદેશ અનુસાર કંપનીઓને ‘સંચાર સાથી એપ’ પ્રી-ઇન્સ્ટોલ કરવાના નિયમનું પાલન કરવા ત્રણ મહિના સમય આપવામાં આવ્યો છે. જોકે ઉદ્યોગના અધિકારીઓ સંભવિત વિરોધની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે યુઝર્સ આ એપને ઇન્સ્ટોલ થયાના બાદ ડિલીટ કરી શકશે નહીં. આ નિયમ Apple, Samsung, Xiaomi, Oppo, Vivo સહિત ભારતના તમામ મુખ્ય સ્માર્ટફોન ઉત્પાદકો પર લાગુ પડે છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ જરૂરિયાતનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે અને યુઝર્સ દ્વારા છેતરપિંડી, સ્પેમ અને ડિવાઇસ ચોરીની ફરિયાદ કરવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.

ફિલ્મ ‘તેરે નામ’ કરવા કોઈ અભિનેતા તૈયાર ન હતો!

સલમાન ખાન- ભૂમિકા ચાવલાની ફિલ્મ ‘તેરે નામ’ (2003) માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ તેના સંગીત માટે પણ આજે એક માઈલસ્ટોન ગણાય છે. એના માટે ગીતકાર સમીર પહેલાં ગીતો લખવા તૈયાર ન હતા અને પછી ગીત-સંગીત તૈયાર થયું ત્યારે કોઈ કંપની આલબમ ખરીદવા તૈયાર ન હતી. એટલું જ નહીં કોઈ અભિનેતા મુખ્ય ભૂમિકા સ્વીકારી રહ્યો ન હતો. પણ બધું જ કેવી રીતે શક્ય બન્યું એની રોમાંચક અને રસપ્રદ વાતો સમીરે એક મુલાકાતમાં કહી છે.

નિર્દેશક સતીશ કૌશિકે જ્યારે તમિલ ફિલ્મ ‘સેતુ’ ની રિમેક ‘તેરે નામ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સૌથી મોટો પડકાર હતો મુખ્ય અભિનેતા શોધવાનો. ફિલ્મના નાયક ‘રાધે’ની ભૂમિકા અલગ અને પડકારજનક હતી. જેના કારણે બોલિવૂડના મોટાભાગના કલાકારોએ પીછેહઠ કરી. આમિર ખાને બે વર્ષનો સમય માંગ્યો જ્યારે અનિલ કપૂર સહિત અનેક કલાકારોએ સીધી ના પાડી દીધી. એક સમય એવો આવ્યો કે સવાલ થયો કે કોઈ અભિનેતા તૈયાર થઈ રહ્યા નથી તો ફિલ્મ બનશે કેવી રીતે? એક સૂચન ફિલ્મ ‘તેરે નામ’ નો હતાશાજનક અંત બદલવાનું થયું.

નિર્માતા-નિર્દેશક વાર્તા સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા. દરમ્યાનમાં સલમાન ખાન પાસે પણ વાર્તા પહોંચી હતી અને એ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો. સમીરે કહ્યું કે એ સમય પર સલમાનની માનસિક સ્થિતિ ફિલ્મના હીરો જેવી જ હતી. ત્યારે ઐશ્વર્યા સાથે સલમાનનો સંબંધ તૂટી ગયો હતો. એને એમ લાગ્યું હશે કે આ મારી જ પ્રેમકહાણી છે. સલમાન માટે પણ બહુ પડકારરૂપ ભૂમિકા હતી. એણે અગાઉ આવી ભૂમિકા કરી ન હતી. પછી જ્યારે ગીત-સંગીતની વાત આવી ત્યારે સમીરે સંગીતકાર હિમેશ રેશમિયા સાથે કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. કેમકે એક-બે વખત સમીરે જોયું હતું કે હિમેશ બહુ એટીટ્યુડવાળો માણસ છે. તેની સાથે જમાવટ થશે નહીં. અને સમીર નદિમ- શ્રવણ સાથે ‘રાઝ’ ના ગીતો તૈયાર કરવા લંડન જતાં રહ્યા.

સતીશ કૌશિકનો આગ્રહ ચાલુ જ હતો. સમીર કહેતા રહ્યા કે મારાથી એની સાથે કામ થશે નહીં. સતીષે કહી દીધું કે તું ગીતો નહીં લખે તો હું ફિલ્મ છોડી દઇશ. સમીરે વાત લંબાવવા કહ્યું કે હમણાં તો લંડન છું. પછી આવીને વાત કરીશું. પણ સતીષને એક ભજન તાત્કાલિક જોઈતું હતું એટલે ‘મન બસીયા’ લખી આપ્યું. અને લંડનથી આવ્યા પછી સમીરની પહેલી મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ ત્યારે એમને નવાઈ લાગી. હિમેશ સમીરના ગીતોનો બહુ મોટો ચાહક હતો. હિમેશે કહ્યું કે હું તમારા અને નદિમ- શ્રવણના ગીતો સાંભળીને સંગીતકાર બન્યો છું. અને ‘તેરે નામ’ થી સમીરની હિમેશ સાથે પણ ટીમ બની ગઈ. ફિલ્મનું ગીત-સંગીત તૈયાર થઈ ગયું અને ‘ટી સીરિઝ’ કંપનીના ગુલશનકુમારને સંભળાવ્યું ત્યારે એ ખરીદવા તૈયાર ના થયા.

સમીરે એમની સાથે ખાસ મુલાકાત કરી અને કહ્યું કે તમે મારા કહેવાથી આ સંગીત લઈ લો. અને ગુલશનકુમારે સંગીતના અધિકાર ખરીદી લીધા. ઓઢની, ઓ જાના, તુમ સે મિલના, તેરે નામ, ક્યું કિસી કો વગેરે ગીતોનું સંગીત જ્યારે બહુ લોકપ્રિય થઈ ગયું ત્યારે એમણે સમીરને બોલાવીને પૈસા આપીને કહ્યું હતું કે તમારા કહેવાથી સંગીત ખરીદી લીધું હતું એના વધારાના તમને આપું છું. ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ માં ‘તેરે નામ’ ને વિવિધ કેટેગરીમાં આઠ નામાંકન મળ્યા હતા. એમાં એકપણ મળ્યો ન હતો. પરંતુ અન્ય એવોર્ડ સમારંભોમાં સાત જીત્યા હતા.

બોમ્બની ધમકીને પગલે કુવૈત-હૈદ્રાબાદ ફ્લાઈટનું મુંબઈમાં લેન્ડિંગ

મુંબઈ: કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો… જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે (Isolation Bay)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

હૈદરાબાદથી કુવૈત માટે ઉડાન ભરી હતી 

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક-ઓફ થયાના થોડા સમય બાદ, હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે.

બોમ્બ સ્ક્વોડ, CISF દ્વારા વિગતવાર નિરીક્ષણ

ઇમરજન્સી લેન્ડિંગ પૂર્ણ થતાંની સાથે જ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ વિમાનને ઘેરી લીધું. બધા મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ, બહુ-સ્તરીય બોમ્બ ધમકી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું.

નોંધનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો પછી સુરક્ષા એજન્સીઓએ તેમની સતર્કતા વધારી દીધી છે. આમ છતાં, બે અઠવાડિયા પહેલા, એરપોર્ટ અને વિમાનોને પણ બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે કેનેડાના ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ વિશે સૌપ્રથમ બોમ્બની ધમકી ફેલાવવામાં આવી હતી, ત્યારે મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટ સામે પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. વધુમાં, કેટલાક અસામાજિક તત્વોએ દિલ્હી એરપોર્ટ, ગોવા એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી છે.