Home Blog Page 105

ક્રિકેટજગતમાં હંગામોઃ  ભારતીય ખેલાડીઓ પર રિવાબા જાડેજાનો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા જાડેજા ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. રિવાબાએ એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર એવો આરોપ મૂક્યો છે કે જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમનું નિવેદન સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સથી લઈને એક્સપર્ટ્સ સુધી સૌ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રિવાબાનો સનસનીખેજ આરોપ

આ કાર્યક્રમમાં પોતાની પતિની ઈમાનદારી અને શિસ્તની પ્રશંસા કરતાં રિવાબાએ અચાનક અન્ય ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાડેજા દુનિયાના અનેક દેશોમાં—લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા—રમવા જાય છે, પરંતુ ક્યારેય કોઈ ખોટી આદત કે વ્યસનમાં પડ્યા નથી. એ પછી તેમણે કહ્યું હતું કે ટીમના બાકીના બધા ખેલાડીઓ વિદેશ જઈને ખોટાં કામ કરે છે. જોકે તેમણે કોઈ ક્રિકેટરનું નામ નહોતું લીધું, પણ આ નિવેદન ટીમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પર એક સામાન્ય આરોપ તરીકે જોવામાં આવે છે.

તેમનો આ આરોપ સૌને આશ્ચર્યમાં મૂકનાર હતો, કારણ કે તેમણે સીધો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે જાડેજા ઇચ્છે તો તે પણ બીજાઓ જેવું કરી શકે, તેમને મને પૂછવાની જરૂર નથી. પરંતુ તેઓ પોતાની જવાબદારીઓ સમજે છે અને હંમેશાં અનુશાસિત રહે છે.

ક્રિકેટ ફેન્સમાં હલચલ

રિવાબાનું નિવેદન બહાર આવતાં જ સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયાઓની વરસાદ શરૂ થઈ ગયો. આ પહેલીવાર નથી કે રિવાબા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી હોય, પરંતુ આ વખતે મામલો ક્રિકેટરો સાથે જોડાયેલો હોવાથી વિવાદ વધુ મોટો બની ગયો છે.

 

ભારત 2030 સુધીમાં અમેરિકાને પાછળ છોડી દેશે: માઈક્રોસોફ્ટ CEO

ભારતના IT અને ટેક ક્ષેત્ર માટે એક સારા સમાચાર છે. માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્યા નડેલાએ બેંગલુરુમાં જણાવ્યું હતું કે 2030 સુધીમાં, ભારત ગિટહબ પર વિશ્વનો સૌથી મોટો ડેવલપર સમુદાય ધરાવતો દેશ બની જશે અને યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ છોડી દેશે.

સરળ શબ્દોમાં કહીએ તો GitHub એ સોફ્ટવેર એન્જિનિયરો અને ડેવલપર્સ માટે તેમના કોડ સ્ટોર કરવા અને સોફ્ટવેર બનાવવા માટે વિશ્વનું અગ્રણી પ્લેટફોર્મ છે. હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્લેટફોર્મ પર સૌથી વધુ વપરાશકર્તાઓ છે, જેમાં ભારત બીજા સ્થાને છે. જોકે, નડેલા માને છે કે ભારત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, તે જોતાં આગામી થોડા વર્ષોમાં તે નંબર 1 દેશ બનશે.

સત્ય નડેલાના મુખ્ય મુદ્દાઓ

નડેલાએ જણાવ્યું હતું કે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. અહીંના ડેવલપર્સ નવી ટેકનોલોજી અપનાવવામાં મોખરે છે. તેમણે સમજાવ્યું કે ભારતમાં ડેવલપર્સનો આંકડો માત્ર વધી રહ્યો નથી, પરંતુ તેઓ વિશ્વના કેટલાક સૌથી પડકારજનક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. નડેલાએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, અને આ પ્રતિભા વૈશ્વિક AI ક્રાંતિનું નેતૃત્વ કરશે. નડેલાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે. સત્ય નડેલા હાલમાં ભારતના પ્રવાસે છે, ડેવલપર્સ અને ટેકનોલોજી લીડર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીઃ  અમેરિકનોથી કરોડોની લૂંટ

બેંગલુરુઃ બેંગલુરુના ટેક્નિકલ કર્મચારીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ઠગવાના મામલે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત ગેંગનો મોટો ખુલાસો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ ઓગસ્ટથી અત્યાર સુધી ઓછામાં ઓછા 150 પીડિતોને નિશાન બનાવ્યા અને દરેક પાસેથી સરેરાશ 10,000 ડોલર (કુલ 13.5 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરી હતી.

ગયા મહિને પોલીસે વ્હાઇટફિલ્ડ સ્થિત મસ્ક કમ્યુનિકેશન્સ પર દરોડો પાડ્યો હતો અને 21 લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગ પોતાને Microsoftના ટેક્નિકલ સપોર્ટ સ્ટાફ તરીકે ઓળખાવતી હતી અને ખોટા ‘Federal Trade Commission (FTC)’ ઉલ્લંઘન બતાવીને પીડિતો પાસેથી રૂપિયા ઉઘરાવતી હતીં. આ ઉપરાંત પોલીસે અમદાવાદથી રવિ ચૌહાણ નામની વ્યક્તિને પણ ધરપકડ કરી છે, જેમણે બેંગલુરુમાં લગભગ 85 કર્મચારીઓની ભરતી કરાવી હતી.

એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતોને Bitcoin ATMમાં પૈસા જમા કરાવવા કહેતા હતા. (બિટકોઇન ATM એ એવું કિયોસ્ક છે, જેઓ બિટકોઇન નેટવર્ક સાથે જોડાયેલા હોય છે અને ક્રિપ્ટોકરન્સી લેવડદેવડ માટે વપરાય છે). અધિકારીએ જણાવ્યું હતું કે અમે પીડિત ગ્રાહકોની બેંક વિગતો એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે અમેરિકા અને બ્રિટનના ઓછામાં ઓછા 150 પીડિતોએ અલગ-અલગ બિટકોઇન માટે ATMમાં આશરે 10,000 ડોલર જમા કરાવ્યા હતા.

એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેંગના ત્રણ માસ્ટરમાઈન્ડ હજી પણ ફરાર છે. તેઓ 2022થી બ્રિટન અને અમેરિકામાં પીડિતોને નિશાન બનાવી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મસ્ક કમ્યુનિકેશન્સે આ વર્ષે ઓગસ્ટમાં 4500 ચોરસ ફૂટનું વિશાળ ઓફિસ 5 લાખ રૂપિયા મહિનાના ભાડે લીધી હતી. આ ગેંગ ખાસ કરીને અમેરિકન યુઝર્સને નિશાન બનાવીને ફેસબુક પર ખોટા અને જોખમકારક જાહેરાતો ચલાવતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કંપનીમાં કુલ 83 કર્મચારીઓ હતા, જેમાંથી આશરે 21 ટેક્નિકલ કર્મચારીઓને આ છેતરપિંડીની જાણ હતી. તેમને મહિને 15,000 થી 25,000 રૂપિયા પગાર આપવામાં આવતા હતા.

‘બ્લૂ રેવોલ્યુશન’: દરિયામાં ઉગતી નવી સમૃદ્ધિ એટલે સીવીડ ફાર્મિંગ

ગાંધીનગર: ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે. જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે. જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાનારી આગામી VGRC સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે કચ્છની સિદ્ધિને પ્રદર્શિત કરશે. કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત ૪૩૦ કિમી વિસ્તારમાં સી-વીડની ખેતી ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે. આ સી-વીડની ખેતી માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે.

શું છે સીવીડ અને તેની ઉપયોગિતા?

સીવીડ એક પ્રકારનો દરિયાઈ શેવાળ છે, જેનો ઉપયોગ સદીઓથી ખાદ્ય અને ઔષધીય હેતુઓ માટે થાય છે. સીવીડ વિટામિન્સ, ખનિજો (ખાસ કરીને આયોડિન), ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો, હૃદયનું સ્વાસ્થ્ય, થાઇરોઇડ કાર્ય અને સંભવિત વજન વ્યવસ્થાપન જેવા ફાયદાઓ પ્રદાન કરે છે. સીવીડનો તેનો ઉપયોગ પોષક તત્વોથી ભરપૂર ખોરાક અને કાર્યાત્મક ઘટક તરીકે થાય છે, જે બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને બ્લડ શુગરના નિયમન માટેના સંયોજનો પૂરા પાડે છે.

દરિયાકાંઠાના સમુદાયોને વિશેષ તાલીમ

દરિયાઈ સીવીડની ખેતી દરિયાકાંઠાના સમુદાયો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે. ચોમાસામાં માછીમારી-પ્રતિબંધિત સમયગાળા દરમિયાન સીવીડ ઉત્પાદનની પ્રવૃત્તિ આવક પ્રદાન કરે છે. ગુજરાતમાં સીવીડ ઉત્પાદન સતત વધી રહ્યું છે. સીવીડ ઉત્પાદનના આંકડાઓ પર નજર નાખીએ તો, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કચ્છમાં સી-વીડની ૧૪ ટન ખેતી કરવામાં આવી હતી. જેમાં મહિલા સ્વ-સહાય જૂથો સી-વીડની ખેતી અને તેની સૂકવણીમાંથી દર મહિને ₹૧૨,૦૦૦–₹૧૮,૦૦૦ કમાય છે. આ ખેતી પર્યાવરણને અનૂકુળ કામ કરવા માંગતી પેઢીઓને આકર્ષે છે અને પરંપરાગત માછીમારી પર દબાણ ઘટાડે છે.

વધુમાં, સીવીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને તાલીમ પણ આપવામાં આવે છે. અત્યારસુધીમાં કચ્છના ૧૭ ગામોમાં મોટી સંખ્યામાં લોકોને તાલીમ આપવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સમયાંતરે તાલીમ વર્ગો યોજાતા રહે છે.

સીવીડ ફાર્મિંગ એક સમયે ફક્ત થોડા દરિયાકાંઠાના સમુદાયો દ્વારા કરવામાં આવતી એક વિશિષ્ટ પ્રવૃત્તિ હતી તે આજે સરકાર-સમર્થિત, સંશોધન-સંચાલિત ચળવળ બની ગઈ છે. નવી નીતિઓ, તકનીકી નવીનતા અને GIS મેપિંગ સાથે, ગુજરાતમાં સીવીડની ખેતી અભૂતપૂર્વ વેગ મેળવી રહી છે.

સીવીડને મેરીકલ્ચર વિઝનના મુખ્ય સ્તંભ તરીકે માન્યતા આપીને ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ હેઠળ અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે. આ પહેલ હેઠળ ખેતી સહાયથી લઈને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યારસુધી રાફ્ટ યુનિટનો ખર્ચ ₹૩,૦૦૦ ની મર્યાદામાં આપવામાં આવતો હતો, તે વધારીને ₹૬,૦૦૦ કરવામાં આવ્યો છે. ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ ₹૮,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરવામાં આવ્યો છે.

આખા વર્ષ દરમિયાન સીવીડ બીજ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સીવીડ બેંક યુનિટ્સ માટે ₹૨ કરોડ આપવામાં આવશે, તેમજ મીઠાના અગર, કેરેજીનન, અલ્જીનેટ અને બાયો-ઉત્તેજકો કાઢવા માટે સીવીડ પ્રોસેસિંગ યુનિટ માટે ₹૫ કરોડ આપવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ઓખા ખાતે સીવીડ સંશોધન અને ઉપયોગિતામાં શ્રેષ્ઠતા કેન્દ્ર માટે ₹૬ કરોડ ફાળવવામાં આવશે.

ઇન્ડિયાAI પ્રી-સમિટ: સુશાસન માટે AI કેવી રીતે ઉપયોગી?

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ ઇન્ડિયાAI મિશન સાથે એક જવાબદાર અને સમાવિષ્ટ AI ઇકોસિસ્ટમ બનાવવા તરફ વધુ એક પગલું ભર્યું છે, ગુરુવારે રાજ્યમાં પ્રાદેશિક પ્રી-સમિટ ઇવેન્ટનું આયોજન કર્યું છે.

ગુજરાત સરકાર અને આઇ.આઇ.ટી. ગાંધીનગરના સહયોગથી મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમ, ભારત-AI ઇમ્પેક્ટ સમિટ એ 2026 પહેલા એક મુખ્ય તૈયારી સ્વરૂપે બેઠક છે. મુખ્ય સમિટ આવતા વર્ષે 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.

પ્રાદેશિક પરિષદનો ઉદ્દેશ્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નેતાઓ, સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોને એકત્ર કરીને ચર્ચા કરવાનો છે કે AI ભારતના આર્થિક, ડિજિટલ અને સામાજિક પરિવર્તનને કેવી રીતે ચલાવી શકે છે. ચર્ચાઓમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાસન, જાહેર સેવાઓ અને વિકાસને મજબૂત બનાવવા માટે AIનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

સમિટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અધિક સચિવ MeitY અને NICના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પુનુગુમાતલા ભારતીનો સમાવેશ થાય છે.

“ગુડ ગવર્નન્સ માટે AI: ભારતના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવું” થીમ પર કેન્દ્રિત, આ કાર્યક્રમમાં MeitY, ભાષિની, ગૂગલ ક્લાઉડ, માઇક્રોસોફ્ટ, IBM રિસર્ચ, NVIDIA, ઓરેકલ અને AWS જેવી સંસ્થાઓના રાષ્ટ્રીય અને વૈશ્વિક નિષ્ણાતો દ્વારા મુખ્ય સત્રો રજૂ કરવામાં આવશે. આ સત્રોમાં શાસન માટે AI, કૃષિમાં AI, સ્માર્ટ ગ્રામીણ વિકાસ, આરોગ્યસંભાળ નવીનતા, ડિજિટલ સમાવેશ, ફિનટેક વૃદ્ધિ અને જનરેટિવ AI સહિત વિવિધ વિષયો પર વિચારવિર્મશ કરવામાં આવશે.બીજો મુખ્ય ધ્યાન બહુભાષી AI અને ભાષિની જેવા પ્લેટફોર્મ દેશભરમાં ભાષા અવરોધોને કેવી રીતે દૂર કરવામાં મદદ કરી રહ્યા છે તેના પર રહેશે. સહભાગીઓને IndiaAI અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલા એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત લેવાની તક પણ મળશે. આ ઝોન શાસન, આરોગ્યસંભાળ, કૃષિ અને ઉદ્યોગમાં AI-સંચાલિત ઉકેલો પ્રદર્શિત કરશે. નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજિસ્ટ અને શિક્ષણવિદોને એક જ પ્લેટફોર્મ પર લાવીને, ગાંધીનગર પ્રી-સમિટનો ઉદ્દેશ્ય એવા AI માળખા બનાવવાનો છે જે સ્કેલેબલ, વિશ્વસનીય અને જાહેર હિત સાથે સુસંગત હોય.

જખૌ સમુદ્રી વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ

કચ્છ: જખૌ સમુદ્રી વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. માછીમારોને કિનારે લાવવાની કાર્યવાહી ચાલુ છે. તેમની પાસે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડનું ઓપરેશન ચાલુ છે અને માછીમારોની અટકાયત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ એક મોટી કાર્યવાહીમાં 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. આ માછીમારોને તેમની બોટ ‘અલ વલી’ (Al Wali) સાથે કચ્છના જખૌ નજીકના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ વલી’ ભારતીય હદમાં ગેરકાયદે રીતે માછીમારી કરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બોટને આંતરી હતી અને તેમાં સવાર તમામ 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી.

કોસ્ટગાર્ડની સફળ કાર્યવાહી

આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઝડપી પાડવામાં આવેલી પાકિસ્તાની બોટ અને તમામ 11 માછીમારોને વધુ તપાસ માટે ગુજરાતના જખૌ બંદરે લાવવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં પાકિસ્તાની બોટનું પકડાવું એ સુરક્ષાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.

વધુ તપાસ હાથ ધરાઈસમગ્ર મામલે કોસ્ટગાર્ડ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા ઇરાદે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા અને તેમની સાથે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલાં ઓગસ્ટમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા કોઠી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને એક એન્જિન લગાવેલી દેશી બોટ જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન મોટી માત્રામાં માછલીઓ, માછલી પકડવાના જાળ, ડીઝલ, બરફ અને ખાવા-પીવાની વસ્તુઓ પણ મળી આવી હતી.

અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડીલ લગભગ ફાઈનલ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગે હવે મોટી આશા જાગી છે. મુખ્ય આર્થિક સલાહકાર (CEA – Chief Economic Advisor) ડો. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું છે કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ સંબંધિત મોટા ભાગના મુદ્દાઓ ઉકેલી દેવામાં આવ્યા છે અને ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વૈશ્વિક બિઝનેસ માહોલ અનિશ્ચિત છે અને બંને દેશો એક સ્થિર અને સંતુલિત કરારની શોધમાં છે. સરકારને વિશ્વાસ છે કે ડીલ થાય તો રોકાણ, નિકાસ અને ટેક સેક્ટરને મોટો ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયા–યુએસ ટ્રેડના મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાઈ ચૂક્યા છે અને જો માર્ચ સુધી ડીલ ન થાય તો તે આશ્ચર્યજનક ગણાશે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જો માર્ચ સુધી ઈન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ ન થાય તો મને આશ્ચર્ય થશે. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી મહિનાઓમાં બંને દેશો વચ્ચે એક મોટા ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાત થઈ શકે છે, જે નિકાસકારો, આયાતકારો અને રોકાણકારો માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

CEAના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે કેટલાક ટેક્નિકલ મુદ્દાઓ હતા જેમાં મતભેદ હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક રાઉન્ડની ચર્ચા બાદ મોટા ભાગના મુદ્દાઓ પર સહમતી બની ચૂકી છે.

સરકારનું માનવું છે કે આ ડીલ માત્ર બિઝનેસને જ નહીં વધારશે પરંતુ ભારત માટે રોકાણ, ટેક્નોલોજી, ડિફેન્સ, ડિજિટલ ટ્રેડ અને સર્વિસ સેક્ટરમાં નવા દરવાજા ખોલશે. અધિકારીઓનું માનવું છે કે અમેરિકન કંપનીઓની ભારતમાં રસ સતત વધતો જાય છે અને આ ડીલ તે વિશ્વાસને વધુ મજબૂત કરશે.

એ જ રીતે ભારતીય નિકાસકારો—ખાસ કરીને ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, IT-સર્વિસિસ અને ફાર્મા સેક્ટર—પણ આ કરારમાંથી મોટો લાભ જોઈ રહ્યા છે.

કબીરવાણી: ભવમાંથી મુક્તિ સુધીનો માર્ગ

 

જા ઘર પ્રેમ ન સંચરૈ, સો ઘટ જાનુ મસાન,

જૈસે ખાલ લુહાર કી, સાસ લેતે બિન પ્રાણ.

 

ચોરાસી લાખ યોનિમાંથી પસાર થતા જીવને માનવજન્મ મળે છે તે અનોખો અવસર છે. માનવીમાં જ્ઞાન-ભક્તિનો સંગમ થાય તો તે મોક્ષનો અધિકારી બની શકે. જે વ્યક્તિ જીવનનો સાચો અર્થ નથી સમજતી તે અનેક વિટંબણામાં અટવાય છે.

જો માણસ સમષ્ટિને પ્રેમ ન કરી શકે અને સ્વાર્થ-મોહમાં રચ્યોપચ્યો રહે તો તેનો દેહ મસાણ-સ્મશાનભૂમિ સમાન જાણવો. જેમ મસાણ દેહને અગ્નિથી ભસ્મ કરે છે તેમ સ્વમાં પરોવાયેલ મનુષ્ય જીવનને નિરર્થક બનાવી દે છે.

અન્ય સાખીઓની જેમ કબીરજી દેશના કારીગરોના રોજબરોજના કામમાં પણ ગૂઢ સંદેશ નિહાળે છે. ક્યારેક વણકર તો ક્યારેક કુંભાર, સોની, સુથાર જેમ આ સાખીમાં લુહારની કોઢની ઉપમા આપે છે.

લોઢું પીગળાવવા માટે આગને હવા આપતી ધમણ આપણા ફેફસાં જેમ ચાલે છે. ફેફસાં પ્રાણવાયુ ગ્રહણ કરે છે. ધમણ જીવંત નથી તેથી તે હવા ફૂંકે છે પણ પોતે પ્રાણહીન છે. મનુષ્યે જીવંત રહી ભવ સુધારવાનો છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાશિ ભવિષ્ય 08/12/2025 થી 14/12/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

માનસિક રીતે ઉત્સાહ સારો  જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવાળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.


સગા-સ્નેહી, જુનાપરિચિત ને મળવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનારવર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ ને વાર્તાલાપમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.


મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સાભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.


કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે  વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.


આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે .


મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે  વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે,  નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.


કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વાહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.


અચાનક જુનાપરિચિત સાથે મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.


તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.

સંપત્તિ નહીં, સંવેદના છે સાચી સિદ્ધિ

વિપ્રો કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીની 2025માં સંપત્તિ 11.8 બિલિયન ડોલરથી 35.9 બિલિયન ડોલર વચ્ચે આંકવામાં આવી. અકલ્પનીય આંકડા, પણ કહે છેને કે જીવનમાં મેળવેલી સાચી સિદ્ધિ સંપત્તિથી મપાતી નથી. અઢળક સંપત્તિ ધરાવતા હોવા છતાં અઝીમભાઈ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે, કંપનીની જ કેન્ટીનમાં જમે છે, કંપનીના કામે બીજાં શહેરમાં જાય ત્યારે ફાઈવ સ્ટાર હોટેલોમાં નહીં, પણ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહે છે.

2019માં એ વિપ્રોના ચેરમેનપદેથી નિવૃત્ત થયા, પરંતુ આજે પણ એ ફાઉન્ડર ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે કંપનીના દિશા-સૂચક બની રહ્યા છે. 2013માં ‘ધ ગિવિંગ પ્લેજ’ પર હસ્તાક્ષર કરનારા પ્રેમજી પ્રથમ ભારતીય બન્યા. પોતાની ઓછામાં ઓછી અડધી સંપત્તિ સમાજને અર્પણ કરી દેવાનો સંકલ્પ. ધ ગિવિંગ પ્લેજ હેઠળ તેમનું પહેલું દાન જ 2.2 બિલિયન ડોલરથી વધારે હતું.

ખરેખર ભગવાને મનુષ્યને આપેલી એક અદભુત ને અનોખી ભેટ છે સંવેદના. માણસને અનુભવાતી બીજી અનેક લાગણીઓનું એ જન્મસ્થાન છે. માનવીનો પરિચય પણ તેની સંવેદનાઓને આધારે જ થતો હોય છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની ડૉ. એ. પી. જે. કલામ કહેતાઃ ‘આઈ ઍમ નૉટ અ હૅન્ડસમ ગાય, બટ આઈ કૅન ગિવ માય ‘હૅન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.

સંત અથવા સંતત્વનો પરિયચ પણ આ જ રીતે આપી શકાય. અન્યનાં હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે, અને તેમાંય કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વ’ની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે.

રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ ‘અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.’

ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર તેમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. અને એમનું હૃદય ભાવાર્દ થઈ ગયું. તેમણે સંત-મહાત્માઓના વરિષ્ઠ સાધુને કહ્યું, ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’

એ વરિષ્ઠ સંતે પૂછ્યું કે, ‘બેટા! આ પૈસા ક્યાંથી લાવ્યો?’

નાનકે કહ્યું, ‘પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’

ત્યારે તે સાધુએ કહ્યું, ‘તો પછી વેપાર માટે જ વાપરને, અમને કેમ આપે છે ?’

ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા એના કરતાં વધુ સારો વેપાર ક્યો?’

આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં, પરંતુ મૂક-અબોલ પશુ- પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્- સમસ્ત પૃથ્વી એક પરિવારની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.

૧૯૮૭માં ગુજરાત કારમા દુષ્કાળની ભીસમાં આવી ગયેલું, મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી સહાય કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કૅમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું, સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે.

આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્ય છે. તેઓની જીવનશૈલી છે. એમનાં પગલે લોકહિતની ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)