ગયા એપ્રિલમાં મુંબઇમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયા પછી હવે વારો હતો અમદાવાદનો…. કેવો રહ્યો અમદાવાદમાં ઉજવણીનો આ જલસો? આ રહ્યો અહેવાલ…
———————————————————

13 ડિસેમ્બર, શનિવારની એ સાંજ અમદાવાદ માટે યાદગાર બની ગઇ, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંચ પર ઉપસ્થિત જાણીતા કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની હાજરીમાં એમ કહ્યું કે, ‘દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોનું સભ્ય બની ગયેલું ચિત્રલેખા એ ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનનું પ્રતિબિંબ રહ્યું છે અને ચિત્રલેખા એ ગુજરાતી ભાષા, કલા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર છે.’ હોલમાં ઉપસ્થિત અમદાવાદ-ગુજરાતના વિવિધ ક્ષેત્રના જાણીતા મહાનુભાવોએ આ વાતને પડઘો પાડીને તાળીઓના ગડગડાટથી ભૂપેન્દ્રભાઇની આ વાતને અનુમોદન આપીને વધાવી લીધી હતી.

પ્રસંગ હતો, ગુજરાતીઓના લાડકા સાપ્તાહિક ચિત્રલેખાના 75 વર્ષની સફરની ઉજવણીનો. સ્થળ હતું, અમદાવાદના શેઢે આવેલા શેલા ગામે આવેલી જાણીતી કલબ ઓ-સેવનનો જાજરમાન ધ કેપિટોલ હોલ. ઉજવણીનું આકર્ષણ હતા પોતાની ગાયકીથી ગુજરાતને ગૌરવ અપાવનાર જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ, આખીય ઉજવણીને વધાવવા, શુભેચ્છા અને આશીર્વચન આપવા પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા. એમાં હરખભેર સામેલ થયા ચિત્રલેખા પરિવાર સાથે સંકળાયેલા જાણીતા મહાનુભાવો એટલે શિયાળાની ઠંડી-મખમલી સાંજ પણ જાણે એ રંગમાં રંગાઇ ગઇ.
આમ તો તમને યાદ જ હશે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં ચિત્રલેખાના 75 વર્ષ પૂર્ણ થયા એ અવસરે 12 એપ્રિલના રોજ મુંબઈમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. એ પછી શુભેચ્છકોની લાગણી હતી કે અમદાવાદમાં પણ આવી કોઇક ઉજવણી થાય. બસ, ચાહકોની એ લાગણીને ચિત્રલેખાએ સ્વીકારી અને ઇજન આપ્યું પાર્થિવ ગોહિલને અમદાવાદ પધારવાનું. 13 ડિસમ્બરની એ ઢળતી સાંજે પાર્થિવભાઇ પધાર્યા અમદાવાદ અને છેડાયા સેલિબ્રેશનના સૂર…
પરંતુ સંગીતના સૂર છેડાય અને આમંત્રિતો એ રંગમાં રંગાય એ પહેલા સમય હતો ચિત્રલેખાની આ 75 વર્ષની ગુજરાતી પત્રકારત્વની ઉજ્જવળ પરંપરા વિશે વાત કરવાનો એટલે કાર્યક્રમના એન્કર ઇશિતા સલોતે સૌ પ્રથમ મુંબઇમાં યોજાએલા એ કાર્યક્રમની એક વિડીયો ઝલક દેખાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક અને વાઇસ-ચેરમેન મનન કોટકને મંચ પર આમંત્રિત કર્યા. આ મહાનુભાવોને હસ્તે દીપ પ્રગટાવીને અવસરનો મંગળ પ્રારંભ કર્યા પછી મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સ્વાગત કરવામાં આવ્યું.
અહીં પહોંચવામાં સૌનું યોગદાનઃ મૌલિક કોટક

ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટકે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘કોઈપણ મેગેઝિનની મહત્વની બાબત વિશ્વનિયતા છે. ચિત્રલેખા હંમેશા તટસ્થ અને સત્યના પડખે રહ્યું છે એટલે જ એની ટેગલાઈન પણ સદા અગ્રસર એવી છે. બીજી એક મહત્વ વાત એ પણ છે કે વજુભાઈના વખતથી ચાલતા વિભાગો આજે પણ અવરિત ચાલે છે, જેમાં રાજકારણ, હાસ્ય, મનોરંજન, માહિતી સભર લેખો, ધારાવાહિક, નવલકથા જેવા વિભાગોનો સમાવેશ થાય છે. એમણે ઉમેર્યું હતું કે, મનન હંમેશા નવા વિચારો લઈને આવે છે અને ચિત્રલેખા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે બધી જ જવાબદારી તેણે ખુબ સારી રીતે પોતાના ખભે ઉપાડી લીધી છે. મૌલિકભાઇએ ચિત્રલેખાને અહીં સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપનારા સ્વર્ગસ્થ તંત્રી હરકિસન મહેતા સહિત તમામ લેખકો-પત્રકારો સહિત સૌને ભાવપૂર્વક યાદ કર્યા હતા.
‘વિકસિત ભારત‘ના સંકલ્પોમાં ‘ચિત્રલેખા‘ની ભૂમિકાઃભૂપેન્દ્ર પટેલ

ઉજવણીમાં સામેલ થયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિત્રલેખાને આ મુકામ પર પહોંચવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ‘જે સમયે સમગ્ર દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી તથા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ની 150 વર્ષની ઉજવણી ચાલી રહી છે, એવા પવિત્ર અવસર પર ચિત્રલેખાના 75 વર્ષ પૂર્ણ થવાનો આ સુભગ સંયોગ સાંપડ્યો છે.’ એમણે ભારપૂર્વક કહ્યું કે, ‘ગુજરાતી પરિવારોમાં એક સભ્યની જેમ વણાઈ ગયેલું ચિત્રલેખા સામયિક લાંબા સમયથી ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનનું સચોટ પ્રતિબિંબ રજૂ કરતું રહ્યું છે.’
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ઝુંબેશનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્રભાઇએ કહ્યું હતું કે, ‘આ રાષ્ટ્રવ્યાપી પહેલમાં ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત માધ્યમો જનજાગૃતિ માટે મહત્વની અને અસરકારક ભૂમિકા ભજવી શકે છે. ‘વિકસિત ભારત’ના નિર્માણના લક્ષ્યને સિદ્ધ કરવા માટે જે ‘પંચ પ્રણ’ અને ’11 સંકલ્પો’ નક્કી કરાયા છે એના વિશે વાચક સમુદાયમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનું કાર્ય ચિત્રલેખા અસરકારક રીતે કરી શકે છે.’

મુખ્યમંત્રીએ ચિત્રલેખાને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું ‘બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે ગણાવ્યું હતું. એમણે મુંબઈથી શરૂ થઈને દેશના અન્ય ભાગો તેમજ વિશ્વભરમાં ગુજરાતીઓ વચ્ચે એના વ્યાપક પ્રચાર અને પ્રસાર અંગે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘આજના ઝડપી ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં પણ ‘ચિત્રલેખા‘ એ પોતાના પ્રિન્ટ મીડિયાના સ્વરૂપની સર્વોપરિતા અને પ્રભાવને જાળવી રાખ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે.’
વધુમાં એમણે ઉમેર્યું કે, ‘સમાચાર, સાહિત્યિક લેખો અને સમીક્ષા ક્ષેત્રે ‘ચિત્રલેખા’ હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્પર્ધાત્મક સમયમાં પણ એણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે.’ એમણે ગૌરવ સાથે ઉલ્લેખ કર્યો કે આ સામયિક સાથે જોડાયેલા પ્રખર લેખકો જેવા કે નગીનદાસ સંઘવી, તારક મહેતા અને ગુણવંત શાહને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર ચિત્રલેખા માટે ગૌરવની બાબત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ગુજરાતી પરિવારોમાં એક સભ્યની જેમ વણાઈ ગયેલું ‘ચિત્રલેખા’ સામયિક લાંબા સમયથી ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું સચોટ પ્રતિબિંબ રજૂ કરતું રહ્યું છે.’
‘પ્રભાતનાં પુષ્પો’ એ ચિત્રલેખાનું મંગળાચરણઃ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા

જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ‘ચિત્રલેખા’ના ૭૫ વર્ષના લાંબા અને નોંધપાત્ર યોગદાનની સરાહના કરી હતી અને ચિત્રલેખા શતાબ્દીની પણ આ રીતે ઉજવણી કરે એવી હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી. પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું હતું કે, ‘ચિત્રલેખાના સ્થાપકો વજુ કોટક અને મધુરીબહેનની જોડી આપણને રાધા-કૃષ્ણની જોડીનું સ્મરણ કરાવે છે.’
પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું હતું કે, ‘પ્રકાશનો અને સામયિકોના બાળમરણનો દર ઘણો મોટો છે ત્યારે ચિત્રલેખાએ 75 વર્ષની સફર સફળતાપૂર્વક પૂરી કરી છે એ એની ગહન પ્રતિષ્ઠા, ગુણવત્તા અને વાચકોના હૃદયમાં રહેલા અસીમ લોકાદરને સ્પષ્ટપણે સાબિત કરે છે. ચિત્રલેખા એવું સામયિક છે જેના માટે અંદરથી એક વિશેષ આદરનો ભાવ પ્રગટ થાય છે.’
વધુમાં એમણે ઉમેર્યું કે, ‘જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, જ્યાં ડિજિટાઇઝેશન અને AI જગત ઝડપથી વિસ્તરી રહ્યું છે, ત્યારે આ સામયિક મજબૂતીથી ચાલતું રહ્યું છે.’ એમણે ચિત્રલેખાની આવૃત્તિને ‘ચિરંજીવી ભવ’ ના આશીર્વાદ પણ આપ્યા. એમણે ઉમેર્યું કે, ‘વજુભાઈ જેવા પત્રકાર કે સાહિત્યકારને ‘સ્વર્ગસ્થ’ ન કહી શકાય કારણ કે સાહિત્યકાર હંમેશા શબ્દસ્થ એટલે જીવંત હોય છે. આજે પણ ચિત્રલેખાના અંકમાં ક્યાંકને ક્યાંક વજુભાઈનો સ્પર્શ અને મધુરીબહેનનું અસ્તિત્વ પ્રગટ થાય છે.’
પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું કે, ‘મનનભાઈ જે રીતે ‘ચિત્રલેખા’ને આગળ વધારી રહ્યા છે એ જોઈને એક ઉજળી આશા બંધાય છે. એમણે અમેરિકામાં પણ ‘ચિત્રલેખા’ના જૂના અંકોના બંડલ સચવાયેલા જોયા હોવાનું જણાવી નિરીક્ષણ કર્યું હતું કે મોટાભાગના લેખો અને સ્તંભો એમને એમ ચાલુ રહ્યા છે.’ ‘પ્રભાતનાં પુષ્પો’ ને ‘ચિત્રલેખા’ નું મંગળાચરણ ગણાવતાં એમણે ઉમેર્યું કે, આ પુષ્પો સુગંધિત છે અને ક્યારેય ન કરમાય એવા છે. આ વૈચારિક સુગંધ અંતરના દીવાને પ્રગટાવી રહી છે.
કેવી રહી 75 વર્ષની આ ગૌરવશાળી સફર?

શરૂઆતમાં ચિત્રલેખાના વાઇસ-ચેરમેન મનન કોટકે ‘ચિત્રલેખા’ના 75 વર્ષની સફરની ઝલક આપતી બે વિડીયો રજૂ કરી હતી. સંસ્થાપક વજુભાઈ અને મધુરીબહેને કરેલા સંઘર્ષો અને પ્રયાસોની હૃદયસ્પર્શી વાતો કરતાં કરતાં એમણે ચિત્રલેખાએ કઈ રીતે સમયની સાથે પરિવર્તન સ્વીકાર્યું અને પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી એની કેફિયત આપી હતી.
મનનભાઇએ આ પ્રસંગ માટે ખાસ બે વિડીયો તૈયાર કરાવી હતીઃ એક, ચિત્રલેખાની 75 વર્ષની સફરની ઝલક આપતી વિડીયો. અને બીજી, વજુ કોટક-મધુરી કોટકની એ સમયની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પરથી એઆઇની મદદથી તૈયાર કરેલી વિડીયો. મનનભાઇએ લાગણીસભર રીતે કહ્યું કે, એમને તસવીરોના માધ્યમથી જીવંત કરવાની ઇચ્છા ટેકનોલોજીની મદદથી પૂરી થઇ શકી છે. ઉપસ્થિત મહેમાનોએ આ વિડીયોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
મનન કોટકે સાડા સાત દાયકાની આ સફરમાં અને આ ઉજવણીમાં સહકાર આપનાર સૌ સ્પોન્સર્સ, વિજ્ઞાપનદાતાઓ, લેખકો-પત્રકારો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અને સ્ટેજ પર છવાયો પાર્થિવ ગોહિલનો જાદુ…

વિધિવત કાર્યક્રમ પૂરો થયા પછી હવે મંચનું મેદાન ખુલ્લું હતું પાર્થિવ ગોહિલ અને સાથી ગાયકો મોસમ અને મલકા માટે.
પાર્થિવ ગોહિલે શરૂઆતમાં જ વજુ કોટકે જે ફિલ્મની પટકથા લખી હતી એ મંગળ ફેરા ફિલ્મનું મધુરીબહેન કોટકનું ફેવરીટ ગીત તાળીઓના તાલે…. ગાઈને સંગીતમય સાંજની શરૂઆત કરી. એક પછી એક જાણીતા લોકગીતો, ગરબા અને ફિલ્મી ગીતો ગાઇને એમણે મહેમાનોને રીતસર ડોલાવ્યા હતા.

હા, એમાં વચ્ચે એક સરપ્રાઇઝ એલિમેન્ટ પણ હતું. એ સરપ્રાઇઝ એટલે સુપરડુપર હીટ ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારોની મંચ પર હાજરી. આ કલાકારોને સ્ટેજ પર આવતા જોઇને મહેમાનોએ કીકીયારીઓથી એમનું સ્વાગત કર્યું હતુ અને સામે આ કલાકારોએ પણ સંગીત સંધ્યામાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે…. ગાઇને વાતાવરણને અનોખી ઉંચાઇ આપી હતી.
બસ, પછી તો પાર્થિવભાઇ પણ ઓડિયન્સનો મૂડ જોઇને એક પછી એક ગીતોની રમઝટ બોલાવતા ગયા, સાથી ગાયિકાઓ મોસમ અને મલકાની સાથે સાજીંદાઓ પણ એમાં સૂર પૂરાવતા ગયા.

હા, કાર્યક્રમને વિશેષ બનાવવા માટે વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. જેમાં વિશ્વપ્રસિધ્ધ વિજ્ઞાની ડો. પંકજ જોશી, રાજકીય અગ્રણીઓ ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપના અગ્રણી હિમાંશુ વ્યાસ અને કુસુમ કૌલ-વ્યાસ, ચાર્ટડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલ, ભાજપના અગ્રણી નિમેષ જોશી, કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ સંસદસભ્ય અમી યાજ્ઞિક, પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મર, પ્રદેશ પ્રવક્તા ડો. મનીશ દોશી, હિરેન બેન્કર, કેડિલાના અમિત દોશી, આઇનાના પ્રફુલ્લ નાટક અને હર્ષિલ નાયક, ટીવી-9 ગુજરાતીના એડિટર વિકાસ ઉપાધ્યાય, નિવૃત્ત સનદી અધિકારી અમૃત પટેલ, સામાજિક અગ્રણી તૃપ્તિબા રાઓલ, જાણીતા કવિ તુષાર શુક્લ, આઇપીએસ અધિકારી રાજેન સુસરા, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, આર્કિટેક્ટ કમલ ખોખાણી, રસના પરિવારના રુઝાન ખંભાતા, હોટેલિયર દિલીપ ઠક્કર, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, જાણીતા સાઇકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણી, જાણીતા લેખક અને સાઈક્યાટ્રીસ્ટ ડો. હંસલ ભચેચ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉન્મેષ દિક્ષિત, કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા, દિગ્દર્શક અભિષેક જૈન, ચેતન દહિયા, મયુર વાકાણી, ભક્તિ કુબાવત, બેન્ચમાર્ક વોટર હીટરના નિશિત જોશી, હિરેન સવાઈ, જેડ બ્લુના જીતેન્દ્ર ચૌહાણ, બિપિન ચોહાણ, સ્પાયરન મસાલાના મયંક પટેલ, ક્લબ-O7 ના શ્રીનંદ વ્યાસ અને કલ્પેશ પ્રજાપતિ, વસંત મસાલાના ચંદ્રકાંત ભંડારી, રાજકમલ ભંડારી, અન્નપૂર્ણા હિંગના અતુલ શાહ, પાંચતારા ફરાળીના અકીલ શાહ, સંકેત એડવર્ટાઈઝીંગના જીગીશભાઈ શાહ, મેરિલ લાઇફના સુગન્ધા મહેતા જેવા અનેક ગણમાન્ય લોકોનો સમાવેશ થાય છે.

અને, ગુજરાતીઓની કોઇ ઉજવણી ગરબા વિના પૂરી થાય ખરી? જેમ જેમ સંગીત સંધ્યા એના અંતિમ ચરણ સુધી આવતી ગઇ એમ ઓડિયન્સને પણ ગરબાના મૂડમાં આવતી જોઇને પાર્થિવ ગોહિલે છેલ્લી કેટલીક મિનીટોમાં ગરબાના તાલે ઓડિયન્સને રીતસર નચાવ્યું હતું. હોલમાં ઉપસ્થિત સૌ કોઇ આમંત્રિતો જ્યાં ઉભા હતા ત્યાં રીતસર ગરબા કરતા જોવા મળ્યા હતા. અને, એમાં ચિત્રલેખાનો સ્ટાફ પણ બાકાત નહોતો…

75 વર્ષની ઉજવણીના ઉત્સાહમાં પાર્થિવના કંઠનો જાદુ ભળે ત્યારે આવું જ થાય ને?!
(હેતલ રાવ-અમદાવાદ)