Hello, I am Gauri Wagenaar! (હેલો, હું ગૌરી વાખનાર!)
સૌ પ્રથમ તો એ પોતાની ઓળખાણ આ રીતે આપે ત્યારે સરનેમ સાંભળીને થોડીક નવાઇ લાગે અને એ જ્યારે એમ કહે કે હું તો પાક્કી ગુજરાતી છું ત્યારે વળી વધારે અચંબિત થવાય, પણ પછી જ્યારે તમને એમના ડચ હસબન્ડ હેન્ક વિલિયમ વાખનાર (Henk William Wagenaar) વિશે અને એમણે હાથ ધરેલા શબ્દકોશના કામ વિશે ખબર પડે ત્યારે તો વળી તમે આશ્ચર્યમાં ઔર ગરકાવ થઇ જાવ!
જેમ આપણને વિદેશીઓના નામ વાંચીને એના ઉચ્ચારણમાં તકલીફ પડે છે એવી જ તકલીફ આ ગૌરીબહેનના આ નેધરલેન્ડસ્થિત (Netherlands) પતિ હેન્ક વાખનારને રોમન લિપિમાં લખાયેલા હિન્દી શબ્દો વાંચીને પડતી. એમાંથી એમને વિચાર આવ્યો હિન્દી શબ્દોના અંગ્રેજી અર્થ સમજાવવાનો.

અને એમાંથી વર્ષ 1993માં સૌ પ્રથમવાર 75000થી વધારે શબ્દો સાથે એક અદભૂત શબ્દકોશ તૈયાર થયો, જે ભાષા-સંશોધકો અને ભાષા-પ્રેમીઓને આજે પણ એટલો જ ઉપયોગી થઇ રહ્યો છે. ગૌરીબહેન અને એમના પતિએ દોઢ દાયકાની અથાગ મહેનત પછી, એ જમાનામાં જ્યારે કમ્પ્યુટરમાં અંગ્રેજી સિવાયની ભાષા લખવા માટે બહુ કડાકૂટ હતી ત્યારે તૈયાર કરેલું ટ્રાન્સલિટરેશન (Transliteration) નું આ કામ ખરા અર્થમાં ભગીરથ કામ છે.
એક મિનિટ. પહેલાં આ ગૌરી વાખનાર કોણ છે એ જાણી લો.

ગૌરીબહેન એટલે જૂના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ગાંધીયુગના રાજકીય અગ્રણી રસિકલાલ યુ. પરીખના પૌત્રી. માતા-પિતા બન્ને પક્ષેથી સમૃધ્ધ સંસ્કાર વારસો મળ્યો. આજે અમદાવાદમાં રહેતા ગૌરીબહેન આર્ટ, કલ્ચર, આર્કિટેક્ચર જેવા વિષયોમાં અમદાવાદ-ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે. એ નેધરલેન્ડસમાં ભણ્યા છે. નેધરલેન્ડ્સના જ હેન્ક વાખનાર સાથે લગ્ન કર્યા અને ઘણો સમય ત્યાં રહ્યા પછી સ્વદેશ પાછા ફરીને ઘણાં વર્ષો સુધી નેધરલેન્ડ સરકારની અમદાવાદ ખાતેની ટ્રેડ ઓફિસ પણ સંભાળી.
આ બધું કરતાં કરતાં એમણે આ શબ્દકોશ પણ તૈયાર કર્યો.
એની શરૂઆત થઇ નોટબુક્સની નોંધથી. ગૌરીબહેનના પતિ હેન્કને ભારતના અંગ્રેજી અખબારો-મેગેઝીન્સ વાંચવાની આદત. અંગ્રેજીમાં લખાયેલા હિન્દી-દેવનાગરી શબ્દો વાંચે ત્યારે નોટબુકમાં ટપકાવી લે. પછી જાતજાતની ડિક્શનરીઓ (Dictionaries) ફંફોસીને એનો અંગ્રેજી અર્થ શોધવાની મથામણ કરે. અર્થ મળે એટલે ડિક્શનરીની જેમ પધ્ધતિસર લખતા જાય. ગૌરીબહેન પણ આ કામમાં જોડાયા. આ રીતે એમની પાસે શંબ્દોનું ભંડોળ વધતું ગયું. જેમ જેમ શબ્દો વધતા ગયા એમ એના એડિટીંગનું કામ પણ વધતું ગયું એટલે ગૌરીબહેનના સ્કૂલકાળના મિત્ર, માઇક્રોબાયોલોજીસ્ટ સંગીતા પરીખ પણ એમની સાથે આ પ્રોજેક્ટમાં જોડાયા. કમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની, કોડિંગ કરવાનું એ બધું કામ થતું ગયું.
સરળ રીતે સમજીએ તો, નમસ્તે કે રામાયણ-મહાભારત જેવા શબ્દો આજે અંગ્રેજીમાં Namaste, Ramayana, Mahabharata એમ આજે વધારે પ્રચલિત છે, પણ એ સમયે આવા શબ્દો સમજવા અને એના સાચા ઉચ્ચારો કરવા એ અધરું હતું.

એનાથી ય અઘરું હતું આ શબ્દોને કમ્પ્યુટરમાં દેવનાગરીમાં કન્વર્ટ કરવાનું. આજે તો કમ્પ્યુટરમાં બધી ભાષાઓ લખી-વાંચી શકાય છે. ટ્રાન્સલેટ કરી શકાય છે, પણ એ સમયે આ કામ અઘરું હતું. આપણા પૌરાણિક શાસ્ત્રો-ગ્રંથોના અમુક પ્રચિલત શબ્દો, સંખ્યાઓના નામો-ઉચ્ચારોની કમ્પ્યુટરમાં એન્ટ્રી કરીને અંગ્રેજીમાં કઇ રીતે સમજાવી શકાય? દરેક શબ્દનો પરફેક્ટ ઉચ્ચાર સમજાવવા માટે એના ફોનેટીક નોટેશન્સ પણ ઉમેરવા પડે. ડાયેક્રિટીક્સ (વિશેષ ચિન્હો) માર્ક કરવા પડે. આ બધા કાર્યોમાં એમને નેધરલેન્ડ્સમાં આમસ્ટરડેમસ્થિત ઇન્ડોલોજીસ્ટ ડી. એફ. પ્લુકર, સોફ્ટવેર એન્જિનિયર R. F. Veidhuyzen અને ભૂતાનના નિષ્ણાતોનો સહયોગ મળ્યો. દરેકે દરેક શબ્દના અર્થ-ઉચ્ચાર અને સમજૂતી સાથે અલાઇડ ચેમ્બર્સ (Allied Chambers) દ્વારા આ શબ્દકોશ પ્રકાશિત થયો. એ પછી એની વિશેષ સીડી પણ બહાર પડી.

આ શબ્દકોશની આજસુધીમાં ચારેક આવૃત્તિ બહાર પડી ચૂકી છે અને આજે પણ વિશ્વની અનેક યુનિવર્સિટીઓની લાઇબ્રેરીમાં એની ડિમાન્ડ છે.
આ કામ આ દંપતિ માટે વ્યવસાયિક નહોતું. કેવળ પેશન હતી, પેશન. ભાષા પ્રત્યેનો પ્રેમ અને એના ઉચ્ચારણોમાં થતી ભૂલો પરત્વેનો રોષ. ગૌરીબહેન માને છે કે દરેકે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને આપણે બોલીએ કે લખીએ ત્યારે એ અર્થ જળવાય એ જરૂરી છે. આવા શબ્દકોશ એમાં મદદ કરે છે.
એક અર્થમાં આ શબ્દકોશ હિન્દી-દેવનાગરીના આપણા અમૂલ્ય શબ્દભંડોળને અંગ્રેજીના માધ્યમથી વિશ્વ સમક્ષ મૂકી આપે છે. એ કામ એક ગુજરાતી અને એક ડચ નાગરિકે કર્યું છે એ બેશક, અભિનંદનને પાત્ર છે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)






