યેરુશલમઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધવિરામ અને અથડામણ જાણે કોઈ રમત બની ગઈ હોય તેમ લાગે છે. બંને પક્ષો એકબીજા સામે વ્યૂહાત્મક રીતે ચાલ ચાલતા રહે છે. ગાઝાએ જ્યાં ઇઝરાયેલને બે મૃત બંદીઓના શબ પરત આપ્યાં છે, ત્યાં ઇઝરાયેલે પણ હમાસને 30 પેલેસ્ટિનીઓના શબ પરત આપ્યા છે. આ પગલાંથી બંને તરફ તણાવ વધી ગયો છે. તેને હવે બંને વચ્ચેના નવા “શબ યુદ્ધ” તરીકે જોવામાં આવી રહ્યું છે.
હમાસ પરત આપી રહ્યો છે બંદીઓના શબ
ઇઝરાયેલી સેનાએ હમાસ દ્વારા બંદીઓને પરત કરવામાં થતા વિલંબને લઈને તાજેતરમાં ગાઝા પર ભયંકર હુમલો કર્યો હતો, જેમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ગાઝામાં યુદ્ધવિરામ ભંગ થઈ ગયો હતો. ઇઝરાયેલે હમાસ પર જુબાની આરોપ મૂક્યો હતો કે હમાસ જાણીબૂજીને બંદીઓને પરત આપવા વિલંબ કરે છે. બાદમાં ગુરુવારે ઇઝરાયલે બીજી વાર ગાઝામાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. હવે હમાસ મોટા ભાગના બંદીઓને મૃત હાલતમાં અથવા તેમના અવશેષો સાથે પરત કરી રહ્યો છે, જેને લઈને ઇઝરાયેલ નારાજ છે.
ઇઝરાયલે બેને બદલે 30 શબ આપ્યા
હમાસની હરકતોને કારણે ગુસ્સે ભરાયેલા ઇઝરાયલે બેને બદલે 30 પેલેસ્ટિનીઓના શબ પરત આપ્યા છે. આથી ગાઝામાં તણાવ ચરમસીમાએ છે. ગાઝાના એક હોસ્પિટલના અધિકારીઓએ આ માહિતી આપી. ગાઝામાં પેલેસ્ટિનીઓના ઉગ્રવાદીઓએ બે બંદીઓના અવશેષ ઇઝરાયેલને પરત આપ્યા તેના બીજા જ દિવસે આ શબોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ અવશેષોની અદલાબદલી યુદ્ધવિરામ બાદ થઈ છે. 10 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધવિરામનો હેતુ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અત્યાર સુધી લડી ગયેલા સૌથી ઘાતક અને વિનાશક યુદ્ધને અટકાવવાનો છે.
        
            

