300 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ!

અમદાવાદ: રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. વૃધ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦ કરોડ છે. જેમાં 11 માળના 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે. આ વૃધ્ધાશ્રમનું કામ અંદાજે બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ સહિતની અદ્યતન તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીજી છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું, વર્તમાન સમયમાં ‘માતૃદેવ ભવ-પિતૃ દેવો ભવ’, ભાવનાનો પણ હ્રાસ થયો છે. જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માગ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે. તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે 650 જેટલા વૃધ્ધોની સેવા અહીં થઈ રહી છે. જેમાં 200થી વધુ વડીલો તો પથારીવશ છે, ‘ડાઈપર’ પર છે. એટલે તેમને તૈયાર કરવા, કપડાં બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.” સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો, ઉછેરવાનો  સંસ્થાનો ધ્યેય છે. સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી, “આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો. સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામ કથામાં બાબા રામદેવ ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે. વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશના 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. આ દરમિયાન ‘થેલેસેમીયા મુકત સમાજ’  માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે. નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે તેવો એક અંદાજ પણ છે.”