અમદાવાદ: દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સ્ટાફ તેમજ પોપ્યુલરાઈઝેશન વિભાગ સહિતના અન્ય સ્ટાફના સભ્યોને પેંગ્વિન વિશે માહિતગાર કરવામાં આવ્યા.જેમાં તેમને આફ્રિકન પેંગ્વિન, નોર્ધન રોકહોપર પેંગ્વિન, કિંગ પેંગ્વિન, યેલ્લો આઈડ પેંગ્વિન, ચિન સ્ટ્રેપ પેંગ્વિન, ઓસ્ટ્રેલિયન લિટ્ટલ પેંગ્વિન સહિતના વિવિધ પેંગ્વિન વિશે અને તેમના રહેણાંક વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવેલા પાંચ પેંગ્વિનની દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તમામ સહભાગી કર્મચારીઓને પેંગ્વિનના સંરક્ષણ અંગેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે.જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. આ પાંચેય પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.