વર્લ્ડ હેરિટેજ ડે: જામનગરનો ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

જામનગર: એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગરના ભવ્ય ભૂતકાળની યાદ તાજી કરાવતા અનેક ધરોહરરૂપ ઈમારતોનું રાજય સરકારની સહાયથી જામનગર મહાનગરપાલિકા પુન:નિર્માણ અને પુન:સ્થાપન કરી રહી છે. દુષ્કાળના કપરા સમયે તત્કાલીન રાજવીએ પ્રજાને માનભેર આજીવિકા મળી રહે અને પાણીના સંગ્રહ માટે શહેરની મધ્યમાં લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું નિર્માણ કરેલ. સાથે-સાથે જામનગરની ઓળખ ગણાતા ઐતિહાસિક ભુજીયા કોઠાનું તળાવની પાળે બાંધકામ કરેલ.

જામનગરના રાજવી જામ રણમલજીએ બંધાવેલ તે સમયની 137 ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત ગણાતી. અગાઉ આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ઇ.સ.1839 થી 1852 વચ્ચે ગોળ બાંધણીવાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાના બાંધકામમાં 13 વર્ષનો સમય લાગ્યો હતો.

2001ના ધરતીકંપ દરમ્યાન જામનગરની ઓળખ ગણાતા આ ભુજીયા કોઠાને અતિશય નુકશાન થયેલ. હાલ, અંદાજે રૂ.23 કરોડના ખર્ચે 173 વર્ષ જૂના ભુજીયા કોઠાના રિસ્ટોરેશનનું કામ ચાલુ છે.

મૂળ કચ્છમાંથી આવેલ જામનગરના રાજવંશ અને ભુજના રાજા ભાઈઓ હતા. જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. લોકવાયકા તો એવી છે કે, ભુજિયો કોઠો જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો રાખેલ.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. 137 ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. ભુજીયો કોઠો પાંચ માળનો છે. 66 પગથિયા ચડ્યા બાદ પ્રથમ માળે પહોંચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.

જામનગરના કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું કે, આશરે રૂ. 45 કરોડના ખર્ચે જામનગ શહેરના પુરાતત્વીય સ્મારકોનું રિસ્ટોરેશન-રિનોવેશનનું કામ કરવામાં આવશે. જેમાંથી લાખોટા કોઠાનું કામ થઈ ગયું છે. આ ઉપરાંત, શહેરના ભૂતકાળના પ્રવેશદ્વાર ગણાતા ખંભાળિયા ગેઈટ અને ગ્રેઇનમારકેટ પાસેના ત્રણ દરવાજાનું રિસ્ટોરેશન થઈ ગયું છે. હજુ અંદાજે રૂ.12 કરોડના ખર્ચે માંડવી ટાવર, દરબારગઢ અને એકદંડિયા મહેલનું પુન:નિર્માણ થવાનું કામ બાકી છે. ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ જૂન-2025 પહેલાં પૂર્ણ થઇ જશે તથા બીજા તબક્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી ભાવેશ જાનીએ જણાવ્યું છે.

(પાર્થ સુખપરિયા – જામનગર)