નવી દિલ્હીઃ દિલ્હીમાં રહેતી 29 વર્ષની મહિલાને આ મહિનાની શરૂઆતમાં એક સ્પા સેન્ટરમાં તેના સાથી સહિત બે પુરુષોએ કથિત રીતે નશીલી દવા આપી સામૂહિક બળાત્કાર કર્યો હતો. ગુરુગ્રામ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 70(1) હેઠળ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. અહેવાલો અનુસાર આરોપીઓ હાલમાં ફરાર છે.
પશ્ચિમ દિલ્હીમાં રહેતી આ મહિલાનો એક આરોપી સાથે છેલ્લા ત્રણ મહિનાથી સંબંધ હતો. તેણીએ જણાવ્યું કે આરોપી તેને રાત્રે લગભગ 11 વાગ્યે તેના ઘરેથી એક સ્પામાં લઈ ગયો હતો, જે ત્યારે બંધ હતો.
મહિલાનો આરોપ છે કે બીજી વ્યક્તિ પહેલેથી જ સ્પામાં હાજર હતો અને બંને પુરુષો પાસે સ્પા પરિસરની ચાવી હતી. આરોપ છે કે તેમણે મહિલાને નાસ્તો અને સોફ્ટ ડ્રિંક ઓફર કર્યા, જેમાં તેણીને શંકા છે કે બેહોશી લાવતી દવા ભેળવેલી હતી. ડ્રિંક પીધા બાદ તેણીને ચક્કર આવવા લાગ્યાં અને તે બેહોશ થઈ ગઈ હતી. મહિલાનો વધુ આરોપ છે કે બંનેએ તેની સાથે બળાત્કાર કર્યો અને આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો. તેમણે તેને ધમકી આપી કે જો તેણે આ બાબત કોઈને કહી દેશે તો વિડિયો વાઇરલ કરી દેશે. અહેવાલ મુજબ આરોપીઓ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. બેમાંથી એક ગુરુગ્રામના સેક્ટર 40માં રહે છે અને એક સ્પા સેન્ટરમાં મેનેજર તરીકે કામ કરે છે.
પોલીસ તપાસમાં લાગી, CCTV ફુટેજની સમીક્ષા
પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે. પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે અને આસપાસના વિસ્તારોના CCTV ફુટેજની સમીક્ષા કરી રહી છે. એ સાથે-સાથે પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આરોપીઓનો પત્તો લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુરુગ્રામ પોલીસના જનસંપર્ક અધિકારી સંદીપ તુરાણે જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદને આધારે સેક્ટર 40 પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(1) (વયસ્ક મહિલાની સાથે સામૂહિક બળાત્કાર) હેઠળ FIR નોંધવામાં આવી છે.




