શું મહાગઠબંધન CM પદના ચહેરા વગર ચૂંટણી નહીં લડે?

પટનાઃ વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને RJDના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે મહાગઠબંધન મુખ્ય મંત્રીપદના ચહેરા વગર બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેજસ્વી યાદવે સત્તારૂઢ NDA પર કટાક્ષ કરતાં કહ્યું હતું  કે શું અમે ભાજપ છીએ કે અમારી પાસે કોઈ ચહેરો નથી? અમે ચોક્કસપણે CM પદનો ચહેરો રજૂ કર્યા વગર ચૂંટણી નહીં લડીએ.

RJD નેતા તેજસ્વી યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જાહેરમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે, પરંતુ રાહુલ ગાંધી તેજસ્વી યાદવને CM પદના ઉમેદવાર જાહેર કરવા પરથી બચ્યા છે. રાહુલે મિડિયાને જણાવ્યું હતું કે ઈન્ડિયા બ્લોકના બધા સાથી પક્ષો કોઈ તણાવ વિના, પરસ્પર સન્માનની ભાવના સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને પરિણામ સારાં આવશે.તેમણે હવે કહ્યું છે કે થોડી રાહ જુઓ. CMનો નિર્ણય તો જનતા કરશે. પરંતુ CM કે સરકાર હોવું જ મુખ્ય બાબત નથી. અમારે બિહાર બનાવવું છે. તેમણે કહ્યું હતું કે આમાં પાંચ કે 10 દિવસનું મોડું થવાથી કોઈ ફરક પડતો નથી.

નવું રાજકારણ કરવા આવ્યો છું:  તેજસ્વી યાદવ

તેમણે કહ્યું હતું કે હું નવું રાજકારણ કરવા આવ્યો છું. જ્યાં જાતિ અને ધર્મની વાત ન થાય, પરંતુ દરેક ક્ષેત્રમાં વિકાસ, સુધારણા, સમૃદ્ધિ અને ઉદ્યોગોની વાત થાય. બિહારમાં પ્રતિ વ્યક્તિ આવક અને પ્રતિ વ્યક્તિ રોકાણ વધારવાની ચર્ચા થાય. જ્યાં સકારાત્મકતા, સર્જનાત્મકતા, પ્રગતિશીલતા અને ગુણાત્મક પરિવર્તન રાજકારણનો આધાર બને.

તેજસ્વીનો નીતીશકુમાર પર પ્રહારતેમણે દાવો કર્યો હતો કે બિહારની હાલની રાજકીય લડાઈ યુવાનો અને ખેડૂતોના ભવિષ્ય માટેની લડાઈ છે. CM નીતીશકુમાર પર નિશાન સાધતાં તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો કે CM બિહારના યુવાનોની અપેક્ષાઓથી વંચિત છે અને તેમના આસપાસ નિવૃત્ત અધિકારીઓ અને થાકી ગયેલા નેતાઓ જ છે.