દેશનાં હિતોની રક્ષા માટે તમામ પગલાં લઈશું: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફ લાગુ કરવાનો એલાન થયા પછી કેન્દ્રીય વેપાર મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકાના આ પગલાનાં પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે આપણે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લઈશું. તેમણે જણાવ્યું હતું કે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગ પર છે.

ભારત અને અમેરિકા વચ્ચે સમજૂતીને અંતિમરૂપ આપવા માટે ઘણી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલ 2025એ રેસિપ્રોકલ ટેરિફ પર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો અને ત્રણ દિવસ પછી 10 ટકા બેઝલાઇન ટેરિફ લાગુ થયો હતો. ભારત પર બેઝલાઇન સહિત કુલ 26 ટકા વધારાનો શુલ્ક વસૂલવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ટેરિફ 90 દિવસ માટે અને પછી 1 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો.

ભારત અને અમેરિકા વચ્ચે માર્ચમાં ટ્રેડ ડીલ બાબતે વાતચીત શરૂ થઈ હતી. અમારું લક્ષ્ય ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધી આ ડીલના પહેલા તબક્કાને પૂર્ણ કરવાનું છે. તેની પ્રથમ બેઠક દિલ્હીમાં અને બાકી બેઠકો વોશિંગ્ટન ડી.સી.માં યોજાઈ હતી. બંને દેશો વચ્ચે ઘણી વર્ચ્યુઅલ બેઠકો પણ થઈ હતી.


અમે આપણા ઘરેલુ ઉદ્યોગોની સુરક્ષા કરીશું. વિશ્વ વિકાસમાં ભારતનો 16 ટકા હિસ્સો છે. અમે આપણાં રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા અને આગળ ધપાવવા માટે જરૂરી તમામ પગલાં લઈશું. અમારી સરકાર ખેડૂતો માટે પણ કાર્યરત છે. અમને વિશ્વાસ છે કે આપણે 2047 સુધીમાં વિકસિત દેશ બની જઈશું, એમ તેમણે કહ્યું હતું.

ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયાથી ક્રૂડ ઓઇલ અને સેના સંબંધિત સાધનો ખરીદવા બદલ પણ ભારત પર દંડ લગાવવાની જાહેરાત કરી હતી.