લોકસભા ચૂંટણી : કપિલ દેવ, ધોની, ગંભીરે કર્યું મતદાન

સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે 25 મેના રોજ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની આઠ, હરિયાણાની તમામ દસ, ઝારખંડની ચાર, દિલ્હીની તમામ સાત, ઓડિશાની છ, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું છે. લોકશાહીના આ મહાન તહેવારમાં મહેન્દ્ર સિંહ ધોની, કપિલ દેવ અને ગૌતમ ગંભીરે ભાગ લીધો હતો.

1983માં ભારત માટે વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવે દિલ્હીમાં પોતાનો મત આપ્યા બાદ કહ્યું, ‘હું ખૂબ ખુશ છું કે આપણે લોકશાહી હેઠળ છીએ. મહત્વની વાત એ છે કે આપણે આપણા મતવિસ્તાર માટે યોગ્ય લોકોને પસંદ કરવાના છે. સરકાર શું કરી શકે તેના કરતાં આપણે શું કરી શકીએ તે વધુ મહત્વનું છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માર્ગદર્શક ગૌતમ ગંભીરે દિલ્હીના એક મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગૌતમ ગંભીર હાલમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી લોકસભાના સાંસદ છે. જો કે તે આ વખતે ચૂંટણી લડી રહ્યો નથી. ગંભીરે 2019માં પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી બમ્પર જીત મેળવી હતી. ત્યારબાદ ગંભીરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને 3,91,222 મતોથી હરાવ્યા હતા.


બીજી તરફ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પોતાના પરિવાર સાથે ભારે સુરક્ષા વચ્ચે મતદાન કરવા માટે રાંચીના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. ધોનીને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી. ધોની IPLની વર્તમાન સિઝનમાં રમતા જોવા મળ્યો હતો.

દેશના આઠ રાજ્યોમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આકરી ગરમી વચ્ચે પણ લોકો ઉત્સાહભેર મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધી દેશમાં 49.20 ટકા મતદાન થયું છે. છે. જાણો રાજ્યવાર મતદાનની ટકાવારી કેટલી રહી?

બપોરે 3 વાગ્યા સુધી રાજ્યવાર મતદાનની ટકાવારી

  • ઉત્તર પ્રદેશ 43.95
  • ઓડિશા 48.44
  • જમ્મુ કાશ્મીર 44.41
  • ઝારખંડ 54.34
  • પશ્ચિમ બંગાળ 70.19
  • બિહાર 45.21
  • દિલ્હી એનસીઆર 44.58
  • હરિયાણા 46.26