નવી દિલ્હીઃ સંચાર સાથી એપને લઈને વિવાદ ઓછો થવાનું નામ જ લેતો નથી. એપલ ભારતમાં વેચાતા તમામ iફોન (iPhones)માં આ સરકારી સાયબર સુરક્ષા એપ પ્રી-ઇન્સ્ટોલ’ કરવા અંગેના આદેશનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આંતરિક સ્રોતોનું કહેવું છે કે એપલ પોતાના યુઝર્સની પ્રાઇવસી જાળવવાના સિદ્ધાંતોને આધારે આ સરકારી નિર્ણયનો વિરોધ કરે એવી શક્યતા છે.
સરકારે ઉત્પાદકોને 90 દિવસમાં એપ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો
કેન્દ્ર સરકારે તાજેતરમાં એપલ, સેમસંગ અને શાઓમી સહિત મોટા મોબાઇલ ઉત્પાદકોને એક સત્તાવાર આદેશ કર્યો છે. આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે નોટિફિકેશનની તારીખથી 90 દિવસની અંદર તમામ નવી ડિવાઇસોમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે. એ સાથે જ જે ડિવાઇસ પહેલાથી સપ્લાય ચેઇનમાં છે તેમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરવાની જવાબદારી ઉત્પાદકો પર રહેશે.
પ્રાઇવસી અને સુરક્ષા અંગેની ચિંતા
એપલ આ આદેશનું પાલન કરવાની કોઈ તૈયારીમાં નથી અને કંપની સરકાર સમક્ષ કડક વાંધો રજૂ કરશે. કંપનીના વલણ અનુસાર વિશ્વમાં ક્યાંય પણ આવા ફરજિયાત એપ-ઇન્સ્ટોલેશન આદેશોનું પાલન તે કરતી નથી, કારણ કે તે તેની iOS ઇકો સિસ્ટમમાં ગંભીર પ્રાઇવસી અને સુરક્ષા ખામીઓ ઊભી કરી શકે છે.
શું છે સંચાર સાથી એપ?
ટેલિકોમ વિભાગ (DoT)એ ભારતની સ્માર્ટફોન કંપનીઓને પોતાના તમામ નવા ફોનમાં સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પ્રિ-ઇન્સ્ટોલ કરવાનો આદેશ કર્યો છે. આ એપ યુઝર્સને ઠગાઈવાળા કોલ અને મેસેજ રિપોર્ટ કરવાની સાથે, ચોરાયેલા મોબાઇલ ફોનની માહિતી આપવા પણ મદદ કરે છે.


