નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપના દિગ્ગજ નેતાઓ પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે, પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ટોચના નેતાઓ ચૂંટણીપ્રચારથી લગભગ ગાયબ છે.
દિલ્હીમાં ચૂંટણીપ્રચાર ત્રીજી ફેબ્રુઆરીએ ખતમ થશે. એ જોતાં ચૂંટણીપ્રચાર માટે માંડ એક સપ્તાહનો સમય બચ્યો છે. આવામાં પાર્ટીએ ચૂંટણીપ્રચાર તેજ કરવાની જરૂર છે, ત્યારે પાર્ટીના ત્રણ મોટા નેતા- રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણીપ્રચાર ક્યાંય દેખાતા નથી.રાહુલ ગાંધીએ દિલ્હીમાં સીલમપુરમાં એક ચૂંટણીસભા સંબોધી હતી, પરંતુ એ બીજી સભામાં તેઓ નહોતા આવ્યા. પાર્ટીએ તેમના નાદુરસ્ત તબિયતનું કારમ આગળ ધર્યું હતું. પાર્ટીએ પ્રિયંકા ગાંધીને ચૂંટણીપ્રચાર માટે વિનંતી કરી હતી, પણ તેઓ પણ નહોતાં આવ્યાં.
જોકે 12 વર્ષથી સત્તામાંથી દૂર રહેલી કોંગ્રેસે આ ચૂંટણીમાં ખાતું ખોલવા માટે કેટલીક સીટો પર ખાસ નજર કરી છે. હાલમાં જ કોંગ્રેસ મહાસચિલ કેસી વેણુગોપાલે દિલ્હીના મોટા નેતાઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસે એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના બનાવી છે જ્યાં પાર્ટીની સ્થિતિ મજબૂત છે. આ સીટો મોટા ભાગે લઘુમતી અને દલિત પ્રભુત્વ ધરાવતી બેઠકો છે.
કોંગ્રેસની ટોચની પ્રાથમિકતાવાળી બેઠકોમાં ઓખલા, બાબરપુર, સીલમપુર, મુસ્તફાબાદ, મતિયા મહેલ, બલ્લીમારન, સીમાપુરી, ચાંદની ચોક, કસ્તુરબાનગર, બાદલી, નવી દિલ્હી, નાંગલોઈ જાટ, છતરપુર અને પટપડગંજ સામેલ છે.