ઘર પર હુમલા બાદ શેખ હસીનાનો ભાવનાત્મક સંદેશ, ‘હું હજુ પણ કેમ જીવિત છું?’

ઢાકા: બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. બુધવારે મોડી રાત્રે વિરોધીઓ દ્વારા દેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક નિવાસ સ્થાનને આગ ચંપી કરવામાં આવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા, દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પાકિસ્તાની સેનાનો હવાલો આપ્યો છે.

શેખ મુજીબુર રહેમાનના પુત્રી શેખ હસીનાએ કહ્યું કે ઢાકામાં ઘનમંડીમાં 32 નંબરનું ઘર આપણા રાષ્ટ્રના સ્થાપક પિતાનું પ્રતીક હતું. આ નિવાસ સ્થાનથી જ શેખ મુજીબુર રહેમાને સ્વતંત્રતાનું રણશિંગું વગાડ્યું હતું. પાકિસ્તાની સેનાએ તેમનીઆ ઘરમાંથી ધરપકડ કરી હતી. પરંતુ પાકિસ્તાની સેનાએ ન તો આ ઘર તોડી પાડ્યું કે ન તો તેને આગ લગાવી. તેને સ્પર્શ પણ નહોતો કર્યો. જ્યારે શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશ પાછા ફર્યા, ત્યારે તેમણે આ ઘરમાંથી દેશનો પાયો નાખ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ ન તો રાષ્ટ્રપતિ મહેલમાં ગયા કે ન તો પ્રધાનમંત્રી નિવાસ સ્થાનમાં રહ્યા. મારા આખા પરિવાર સાથે આ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી રિપોર્ટર્સને સંબોધિત કરતા સમયે શેખ હસીનાએ કહ્યું હતું કે જો આ હુમલાઓ છતાં અલ્લાહએ મને જીવિત રાખી છે, તો કંઈક કામ કરવાનું બાકી હશે. જો આવું ન હોત તો હું મૃત્યુને આટલી વાર કેવી રીતે હરાવી શકી હોત?

શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે હતું. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.પોતાના સંબોધનમાં તેમણે પોતાના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે ઘરને કેમ આગ લગાવવામાં આવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ નથી કર્યું? તો આટલું બધુ અપમાન શા માટે?આ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા હસીનાએ કહ્યું કે મારી અને મારી બહેનની જે પણ યાદો બાકી હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. ઘરો બાળી શકાય છે પણ ઇતિહાસ ભૂંસી શકાતો નથી.