RSSની પ્રશંસા કરતાં દિગ્વિજય સિંહે કોંગ્રેસમાં ફેરફારની કરી માગ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહે સોશિયલ મિડિયા પર એક તસવીર શેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 1990ના દાયકાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી છે અને ભાજપ તથા તેની વૈચારિક માર્ગદર્શક સંસ્થા RSSની પ્રશંસા કરી છે, જે અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના નિશાને રહી છે.

તેમણે Quoraનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી ગુજરાતમાં એક કાર્યક્રમમાં હાજરી આપતા દેખાય છે. આ સ્ક્રીનશોટમાં નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં જમીન પર બેઠેલા નજરે પડે છે. અડવાણીનો ઉલ્લેખ કરતાં દિગ્વિજય સિંહે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી કે કેવી રીતે એક જમીન સ્તરના કાર્યકર, જે ક્યારેક જમીન પર બેસતા હતા, તે સંઘ-ભાજપના માળખામાં આગળ વધી મુખ્ય મંત્રી અને પછી વડા પ્રધાન બની શકે છે.દિગ્વિજય સિંહે X (ટ્વિટર) પર લખ્યું હતું કે Quora સાઇટ પર મને આ તસવીર મળી. ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે RSSનો જમીન સ્તરનો સ્વયંસેવક અને જનસંઘ/ભાજપનો કાર્યકર નેતાઓના પગ પાસે જમીન પર બેસતાં-બેસતાં રાજ્યનો મુખ્ય મંત્રી અને દેશનો વડા પ્રધાન બન્યો. આ સંગઠનની શક્તિ છે. જય સિયા રામ.”

કોંગ્રેસ પાર્ટીમાં માળખાકીય બદલાવ જરૂરી – દિગ્વિજય સિંહ

આ સાથે જ દિગ્વિજય સિંહે પોતાની એક અન્ય પોસ્ટમાં કોંગ્રેસની અંદર સંગઠનાત્મક સુધારાની જરૂરિયાત તરફ પણ ઈશારો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરતાં કહ્યું હતું કે સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર રાહુલ ગાંધીની સમજ બિલકુલ સચોટ છે અને તેના માટે તેમને પૂર્ણ ગુણ મળવા જોઈએ, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન પર પણ એટલું જ ધ્યાન આપે.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ આગળ લખ્યું કે જેમ ચૂંટણી પંચમાં સુધારાની જરૂર છે, તેમ કોંગ્રેસ પાર્ટીમાં પણ માળખાકીય ફેરફાર જરૂરી છે. પાર્ટીને વધુ વ્યવહારુ અને વિકેન્દ્રિત રીતે ચલાવવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહુલ ગાંધી આ કરી શકે છે, જોકે તેમને મનાવવું સહેલું નથી.