દેશદ્રોહીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ થાય તો એમાં ખોટું શું?: SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્યારવેર કેસનો સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે રિપોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અને અંખડિતતા મુદ્દે પેગાસસનો કોઈ પણ રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિને પ્રાઈવસીને લઈને કોઈ ડર હોય તો તેણે અરજી કરવી જોઈએ. અમે તેને તેના વિશે માહિતી આપવાનો પ્રયાસ કરીશું. આ કેસની આગામી સુનાવણી 30 જુલાઈએ થશે.

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા એડવોકેટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે  પ્રશ્ન એ હતો કે શું સરકાર પાસે સ્પાયવેર સોફ્ટવેર છે અને શું તે તેનો ઉપયોગ કરી શકે છે?  જો સરકાર પાસે હોય તો તેનો ઉપયોગ કરતા કોઈ રોકી શકે નહિં.

આ પ્રશ્નના ઉત્તર પર બેન્ચે કહ્યું હતું  કે જો દેશ આતંકવાદીઓ સામે સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યો છે તો તેમાં શું ખોટું છે? સ્પાયવેર હોવું ખોટું નથી, પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કોની સામે થઈ રહ્યો છે. દેશની સુરક્ષા સાથે સમાધાન કરી શકાય નહિ. સામાન્ય નાગરિકોના પ્રાઈવસીના અધિકારનું બંધારણ હેઠળ રક્ષણ કરવામાં આવશે. પેગાસસ એક ઇઝરાયલી સોફ્ટવેર છે જેનો ઉપયોગ મોબાઇલ ફોનને હેક કરવા અને મોનિટર કરવા માટે થાય છે. વરિષ્ઠ પત્રકાર એન. રામ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, સીપીએમ સાંસદ જોન બ્રિટાસ સહિત પંદર અરજદારોએ 2021 માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા લોકોની જાસૂસી થવાનો ભય વ્યક્ત કર્યો હતો.

તપાસ સમિતિએ 2022માં રિપોર્ટ સોંપ્યો હતો. આ સમિતિએ તપાસેલા કોઈ પણ મોબાઇલ ફોનમાં પેગાસસ સ્પાયવેર મળ્યો ન હતો. આ સમિતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે લોકોએ તેમને કુલ 29 ફોન આપ્યા હતા, જેમાં પાંચ શંકાસ્પદ મેલવેર હોવાનું જાણવા મળ્યું, પરંતુ તે પેગાસસ હતું કે નહિં તેની પુષ્ટિ થઈ શકી નથી. આ સમિતિએ ભવિષ્યમાં લોકોની પ્રાઈવસીના રક્ષણ અંગે કેટલાંક સૂચનો પણ આપ્યાં હતાં.