વોશિંગ્ટનઃ અમેરિકા 28 ફેબ્રુઆરીથી ઈરાન સાથે સંઘર્ષમાં છે. આ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સતત નવા-નવા દાવા કરતા જોવા મળ્યા છે. એ દરમિયાન અમેરિકા અંદરથી એવી માહિતી સામે આવી છે કે લાંબા સમયથી ચાલતા આ યુદ્ધને કારણે ટ્રમ્પની છબિને આંચકો લાગ્યો છે. ઓપિનિયન પોલ્સમાં યુદ્ધ અને ટ્રમ્પ પ્રત્યે અમેરિકન જનતાના ઘટતા સમર્થનની વાત કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલા એક સમિટ દરમિયાન ટ્રમ્પે આ પોલ્સને સંપૂર્ણ રીતે ‘ફેક’ ગણાવ્યા હતા. એ સાથે જ તેમણે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેણે અમેરિકન જહાજો પર હુમલો કર્યો તો તેને વિશ્વના નકશામાંથી મિટાવી નાખવામાં આવશે.
સર્વેના પ્રશ્નો જ ખોટા છે
ટ્રમ્પે યુદ્ધના સમર્થનમાં ઓછા મત દર્શાવતા આંકડાઓની તીવ્ર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને બતાવવામાં આવતા પોલ્સ ખોટા છે, જેમાં માત્ર 32 ટકા લોકો યુદ્ધના પક્ષમાં બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે દલીલ કરી કે પોલ કરનારાઓએ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું ઈરાનને પરમાણુ હથિયારો બનાવવા દેવા જોઈએ? તેમણે ઉમેર્યું હતું કે ભલે તેઓ જાતે યુદ્ધ પસંદ કરતા નથી, પરંતુ આજની અમેરિકન સેના દુનિયાની સૌથી આધુનિક અને શક્તિશાળી સેનામાંથી એક છે.
પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ હોર્મુઝમાં ઈરાનને મોટું નુકસાન
ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું કે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અંતર્ગત અમેરિકન સેનાએ ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકન સેનાએ ઈરાનની સાત નાની અને ઝડપી બોટ્સને સમુદ્રમાં ડુબાડી દીધી છે. ઈરાન દ્વારા દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજને નિશાન બનાવ્યા પછી ટ્રમ્પે સિયોલને પણ આ મિશનમાં જોડાવાની સલાહ આપી છે. અમેરિકન મિડિયા રિપોર્ટ્સ મુજબ હોર્મુઝ જલડમરુમધ્યમાં અમેરિકન નેવી જહાજોને ‘એસ્કોર્ટ’ કરવા કરતાં ‘ગાઈડ’ કરવાની ભૂમિકા ભજવવામાં આવશે.

તહેરાનના વલણમાં નરમાઈ અને વાતચીતની આશા?
તણાવ વચ્ચે એક નવી કૂટનીતિક હલચલ પણ જોવા મળી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વાતચીતની મેજ પર તહેરાન હવે પહેલાં કરતાં વધુ ‘લચીલું’ દેખાઈ રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે તેઓ સંઘર્ષને રોકવા માટે અમેરિકાના કાઉન્ટર-પ્રપોઝલનું મૂલ્યાંકન કરી રહ્યા છે.




