પટનાઃ RJDના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે જો મહાગઠબંધન સત્તામાં આવશે, તો બિહારમાં વક્ફ કાયદાને રદ કરી દેવામાં આવશે. સીમાંચલની ચાર વિધાનસભા બેઠકો પર પ્રચારમાં તેજસ્વીએ કહ્યું હતું કે આ ચૂંટણી બંધારણ અને બહુલતાવાદને બચાવવાની લડાઈ છે.
તેમણે અનેક સભાઓમાં કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે, તો અમે વક્ફને કચરાપેટીમાં ફેંકી દઈશું. કિશનગંજમાં તેમણે કહ્યું હતું કે આ દેશ બધાનો છે — હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, સૌએ બલિદાન આપ્યું છે. બંધારણ દરેકને સમાન અધિકાર આપે છે.
સંસદે એપ્રિલમાં વક્ફ (સંશોધન) અધિનિયમ પસાર કર્યો હતો. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરોને વક્ફ સંપત્તિઓ પર વ્યાપક અધિકાર આપવાના તથા વક્ફ સ્થાપવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની ફરજિયાત શરત જેવી જોગવાઈઓ પર તાત્કાલિક સ્ટે લગાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય વક્ફ બોર્ડોમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ મર્યાદિત કરી હતી.
તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આક્ષેપ કર્યા
તેજસ્વી યાદવે ભાજપ અને RSS માટે જગ્યા બનાવવાના આરોપ સાથે મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે RJD એ એવી પાર્ટી છે જેણે ક્યારેય પોતાની વિચારધારાથી સમાધાન નથી કર્યું. લાલુજીએ ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી.
તેમણે આગળ કહ્યું હતું કે આજે આપણા ચાચા નીતીશકુમાર પાલો બદલીને ભાજપમાં જોડાયા છે. જો બિહારમાં ભાજપ માટે કોઈએ જમીન તૈયાર કરી હોય તો તે નીતીશકુમાર છે. જો બિહારમાં RSSને જમીન પર ઉતારનાર કોઈ હોય, તો તે પણ નીતીશકુમાર છે.


