નવી દિલ્હીઃ રશિયા અને ભારતના સંબંધો હાલમાં ઘણા દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. પશ્ચિમી દેશો ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ભારત સતત રશિયાથી તેલ ખરીદી રહ્યું છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ ભારત ઉપર ટેરિફ લગાવી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ભારતમાં રશિયાના રાજદૂતે મોટું નિવેદન આપ્યું છે.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે કહ્યું છે કે રશિયા પશ્ચિમના બધી અવરોધો છતાં ભારતનો સૌથી મોટો ઓઇલ સપ્લાયર છે. અમે ભારતને ઊર્જા સ્ત્રોતોની ખરીદી માટે સારી–સારી ડીલ આપવામાં આગળ પણ તૈયાર છીએ.
રશિયાના રાજદૂતે રોસનેફ્ટ અને લુકોઇલ જેવી રશિયન તેલ કંપનીઓ પર લાગેલા અમેરિકન પ્રતિબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધો ચોક્કસપણે ઓઇલ સપ્લાયને અસર કરી શકે છે, પરંતુ ભારત માટે અમારી પ્રાથમિકતા હંમેશાં યથાવત્ છે. અમને વિશ્વાસ છે કે રશિયા, ભારતના મુખ્ય ઓઇલ સપ્લાયરોમાંનું સ્થાન જાળવી રાખશે. તેમણે કહ્યું હતું કે પ્રતિબંધો હોવા છતાં રશિયા અને ભારત વચ્ચે સહકારનાં નવાં ક્ષેત્રો ઊભાં થયાં છે. અમેરિકન ટેરિફના દબાણને કારણે રશિયાનું બજાર, ભારતીય સમુદ્રી ખાદ્ય પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓ માટે નવી તકો આપી શકે છે. સંયુક્ત ખાતર ઉત્પાદન માટે પણ સારી તક ઉપલબ્ધ છે.
પુતિન–મોદીની આગામી સમિટ વિશે શું કહ્યું?
ભારતમાં રશિયાનાં રાજદૂત ડેનિસ અલિપોવએ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં આગામી શિખર સંમેલન અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલન બંને દેશો વચ્ચેના સહકારને નવી ઊંચાઈઓએ લઈ જશે, ખાસ કરીને ઊર્જા, વેપાર તેમ જ વૈશ્વિક પડકારોના સંદર્ભમાં. તેમણે વધુમાં કહ્યું હતું કે પુતિન–મોદી શિખર સંમેલન માટે મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.


