કોલંબોઃ શ્રીલંકામાં છેલ્લા 11 દિવસથી ચાલુ મુશળધાર વરસાદ, પૂર અને વિનાશકારી ભૂસ્ખલનને કારણે વ્યાપક સ્તરે ભારે વિનાશ જોવા મળ્યો છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે (DMCએ) માહિતી આપી હતી કે આ વિનાશને કારણે અત્યાર સુધી 31 લોકોનાં મોત થયાં છે, જ્યારે અંદાજે 4000 લોકો પ્રભાવિત થયા છે.
સરકારી માહિતી અનુસાર માત્ર મધ્ય પર્વતીય જિલ્લાઓમાં જ 18 લોકોનાં મોત થયા છે. અહેવાલ મુજબ એક ભયાનક બનાવમાં કુંબુક્કાના વિસ્તારમાં વધતા જળસ્તર વચ્ચે એક મુસાફરોની બસ ફસાઈ ગઈ હતી, જે બાદ બચાવ દળોએ બસમાં સવાર 23 મુસાફરોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. જોકે આશરે 10 લોકો ઘાયલ થયા છે અને 14 લોકો હજુ લાપતા છે.
બગડતી પરિસ્થિતિની સમીક્ષા
રાષ્ટ્રપતિ અનુરા કુમાર ડિસાનાયકે 25માંથી 17 પ્રશાસકીય જિલ્લાઓમાં બગડતી પરિસ્થિતિની સમીક્ષા કરવા બેઠક બોલાવી છે. હવામાન વિભાગ મુજબ દેશના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક નીચું દબાણનું ક્ષેત્ર સર્જાયું હતું, જે બાદમાં અવદબાણ ક્ષેત્રમાં ફેરવાયું. વિભાગે જણાવ્યું હતું કે હાલ તે બટ્ટિકલોઆથી 210 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે.
વિભાગે જણાવ્યું હતું કે આગામી 12 કલાકમાં તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને વધુ તીવ્ર બનીને ઊંડા દબાણના ક્ષેત્રમાં ફેરવાવાની શક્તિ છે. વિભાગે વધુમાં જણાવ્યું કે દેશના જુદા-જુદા વિસ્તારોમાં 200 મિ.મી.થી વધારે વરસાદ પડવાનો અંદાજ છે.

ગયા વર્ષે ભારે વરસાદે મચાવ્યો હતો કહેર
આ પહેલાં, ઓક્ટોબર 2024માં ભારે વરસાદને કારણે કોલંબો અને ઉપનગર વિસ્તારો સહિત દેશના અનેક ભાગોમાં પૂર આવી ગયાં હતાં. આથી 1.34 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. કોલંબોમાં શાળાઓ બંધ કરવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનોની છત સુધી પહોંચી ગયું હતું.


