ચેન્નઈઃ તામિલનાડુમાં વિજયની સરકાર રચાવાનો માર્ગ હવે લગભગ સાફ થઈ ગયો છે. શનિવારે VCKએ TVKને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી વિજય પાસે 116 ધારાસભ્યોનું સમર્થન હતું. હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ TVKને સમર્થન આપતાં આ આંકડો વધીને 120 પર પહોંચી ગયો છે. શનિવાર સાંજે VCKની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં TVKને સમર્થન આપવાને મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિજયને સમર્થન આપવા સહમતી બની હતી. હવે રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે વિજયનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. VCKએ કોઈ પણ શરત વિના TVKને સમર્થન આપ્યું છે.
પાંચ રાજ્યોનાં ચોથી મેએ આવેલાં ચૂંટણી પરિણામો તમિલનાડુના રાજકારણમાં ચોંકાવનારો ફેરફાર લાવ્યા હતા. TVKએ DMK અને AIADMKને પાછળ છોડી રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે પાર્ટી 108 બેઠકો સુધી જ પહોંચી શકી હતી અને બહુમતીથી 10 બેઠકો ઓછી રહી ગઈ હતી.
ત્યાર બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ TVKને સમર્થન આપ્યું હતું, જ્યારે CPI અને CPI(M)ના 2-2 ધારાસભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું હતું. જેને કારણે સમર્થનનો આંકડો 116 સુધી પહોંચ્યો હતો. હવે VCK અને IUMLના સમર્થન બાદ આ આંકડો 120 સુધી પહોંચી ગયો છે. TVKએ સમર્થન આપનાર તમામ પક્ષોનો આભાર માન્યો છે. પાર્ટીના નેતા અર્જુને જણાવ્યું હતું કે હવે વિજય સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
AIADMK પ્રમુખના નિવેદનથી પહેલેથી જ રાજકીય ગરમાવો વધ્યો હતો
થોડા સમય પહેલાં AIADMK પ્રમુખ એડપ્પાડી કે. પલાનીસ્વામીએ કરેલી એક પોસ્ટથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. તેમણે સરકાર બનાવનારી પાર્ટીને અભિનંદન પાઠવતાં પોસ્ટ કરી હતી, જેને કારણે TVKને મળનારા સમર્થન અંગે અટકળો તેજ બની ગઈ હતી.




