ઇઝરાયલી PMને મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે’

અમેરિકા: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. 20 જાન્યુઆરીએ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી. ટ્રમ્પની મોટી જાહેરાત

મુલાકાત બાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી લઈ લે અને તેનો વિકાસ કરે. અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી પર કબજો કરશે અને તેનો વિકાસ કરશે. અને અમે તેની માલિકીના હકો પણ જાળવી રાખીશું. જોકે ટ્રમ્પની આ જાહેરાતથી ચોક્કસ પણે દુનિયાભરના મુસ્લિમ દેશોની ચિંતા વધશે અને પેલેસ્ટાઈન માટેની તેમની લડત નબળી પડશે.

ટ્રમ્પની સાથે ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે રિપબ્લિકન નેતાનો વિચાર ઇતિહાસ બદલી શકે તેમ છે અને ટ્રમ્પ ગાઝા માટે એક અલગ ભવિષ્યની કલ્પના કરી રહ્યાં છે. અમેરિકન પ્રમુખે હ્યું, “અમે ગાઝા પર અમારો અધિકાર સ્થાપિત કરીશું અને ત્યાંના  તમામ ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોના નાશની જવાબદારી લઈશું. અમે નાશ પામેલી ઇમારતોને તોડી પાડીશું અને એક એવો આર્થિક વિકાસ કરીશું જે લોકોને અમર્યાદિત નોકરીઓ અને નિવાસ પ્રદાન કરશે.

ટ્રમ્પે કહ્યું – હું ગાઝા જઈશ 

ગાઝામાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ્યારે સૈનિકોની તહેનાતીની શક્યતા વિશે સવાલ કરાયો તો ટ્રમ્પે કહ્યું કે “અમે જે જરૂરી હશે તે કરીશું. જો જરૂરી હશે, તો અમે તે પણ કરીશું.”ટ્રમ્પે કહ્યું કે હું મારી વિકાસ યોજનાના આધારે એવી કલ્પના કરી રહ્યો છું કે ગાઝામાં વિદેશના લોકો પણ વસી રહ્યા છે. ભવિષ્યમાં હું મધ્યપૂર્વમાં જઈશ અને ત્યારે ગાઝા, ઈઝરાયલ અને સાઉદીની મુલાકાત પણ લઈશ. જોકે એ માટે કોઈ ચોક્કસ સમય તેમણે જણાવ્યો નહોતો. ટ્રમ્પે કહ્યું કે હતું કે ગાઝાના લોકો પણ હવે બીજા સ્થળે જઈને રહેવા માટે ઉત્સુક હશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટ્રમ્પે મધ્યપૂર્વના ઘણા દેશોને અપીલ કરી હતી કે તેઓ ગાઝાના લોકોને પોતાને ત્યાં વસાવી લે અને ગાઝાને ખાલી કરી દે. ત્યારે જ ટ્રમ્પના ઈરાદા સામે આવી ગયા હતા કે તેઓ ઈઝરાયલની તરફેણમાં મોટું પગલું લેવાની તૈયારીમાં છે.