અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત પહોંચ્યા

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ  તેમના પરિવાર સાથે ભારત પહોંચ્યા છે. તેઓ તેમનાં પત્ની ઉષા વેન્સ અને ત્રણ બાળકો સાથે ભારતમાં ચાર દિવસ રહેશે. જેડી વેન્સની ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે.

અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કલાકારોએ વેન્સ, તેની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો રજૂ કર્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંથી અક્ષરધામ મંદિર જશે.

PM નરેન્દ્ર મોદી સાંજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. વેન્સ વિદેશ મંત્રી એસ. જયશંકર, NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને મળશે.

વેન્સની અક્ષરધામ મંદિરની મુલાકાતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરનાં પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે જેડી વેન્સ અને ઉષા વેન્સ 11 વાગ્યા પછી ગમેત્યારે મંદિરમાં આવી શકે છે. તેઓ અહીં ભગવાન સ્વામિનારાયણના મંદિરની મુલાકાત લેશે.

ઉપરાષ્ટ્રપતિ વેન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ યાત્રા કરશે. એવું કહેવાય છે કે ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા પાંચ વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવ્યા છે.